અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 06 જાન્યુઆરી 2022:
સિંધુતાઈ કોણ હતા ? મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.
આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9 મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી. આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે પરંતું આ યુવતિનું નસિબ કંઇક જુદી રીતે જ લખાયુ હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.
ડોકટર અને નર્સની સેવા તો એકબાજુ રહી અહીંયા તો મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી. બાળકના જન્મ પછી માતાને ખુબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે આવી પરિથિતીમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. બાપના ઘર સુધી પહોંચતા એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતી કેવી હશે. પિતાના ઘરે પણ દિકરીને આવી ગંભીર હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડીભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલા થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.
પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.
સિંઘુતાઈ સપકાલે કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર એકાદ બે નહી પરંતું 1400થી વધુ બાળકોને મા બનીને સાચવ્યા છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. ભીખ માંગવાનું બંધ કરીને ભણવાની શરુઆત કરનાર આ બાળકો સમાજમાં આજે સન્માનનિય સ્થાને પહોંચ્યા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. સુન્ધુતાઇને ૨૦૦થી વધુ જમાઇ છે અને ૪૦થી વધુ પુત્રવધુઓ છે. એમની પોતાની દિકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિન્ધુતાઇએ એની દિકરીને પોતાનાથી દુર કરી જે દિકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની સંસ્થા ચલાવતા હતા.
આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળા પાથરીને પ્રભુના ઘરે જવા વિદાય લીધી. તાઈ આપણા સંઘર્ષ, સમર્પણ અને સેવાને કોટી કોટી વંદન.🙏