અશ્વિન લીંબાચિયા, અમદાવાદ.
તા.24 ડિસેમ્બર 2021
• ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન અમદાવાદના ફ્લો સ્ટાર્ટ-અપ સેલ અને એલજે નોલેજ ફાઉન્ડેશનના યુનિટ આંત્રપ્રિન્યોર – બિઝનેસ ઇન્ક્યુબેટરની પહેલ
ફિક્કી ફ્લો સ્ટાર્ટ-અપ સેલ અમદાવાદ, ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન તથા એલજે નોલેજ ફાઉન્ડેશનના યુનિટ આંત્રપ્રિન્યોર–ધ બિઝનેસ ઇન્ક્યુબેટરની સંયુક્ત પહેલ અંતર્ગત ગુજરાતની મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ટ્રેનિંગ, સ્કિલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર લોંચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક દિવસીય સ્ટાર્ટ-અપ સિમ્પોઝિયમ “વુમન ઇન્વેસ્ટિંગ ઇન વુમન” પણ યોજાયો હતો.
ફ્લોના નેશનલ પ્રેસિડેન્ટ ઉજ્જવલા સિંઘનિયાના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું, જે પ્રસંગે ફ્લો અમદાવાદના ચેરપર્સન નંદિન મુનશો, એલજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દિનેશ અવસ્થી આંત્રપ્રિન્યોર–ધ બિઝનેસ ઇન્ક્યુબેટરના સીઇઓ વિરલ શાહ, ફ્લો સ્ટાર્ટ-અપ્સના ડો.આરતી ગુપ્તા તથા વાયફ્લો અમદાવાદના ચેરપર્સન સુપ્રિયા જિંદાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય વુમન ફાઉન્ડર્સ અને વુમન ફંડર્સને ફ્લો સ્ટાર્ટઅપ્સના સિંગલ પ્લેટફોર્મ ઉપર ભેગા કરીને “વુમન ઇન્વેસ્ટિંગ ઇન વુમન”ના શિર્ષકને સાર્થક કરવાનો છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને ભંડોળ મેળવવા જરૂરી માળખાકીય સુવિધાઓ અને તાલીમ પ્રદાન કરવા સાથે સંભાવિત મહિલા રોકાણકારોને તેમની સાથે જોડવા ખરા અર્થમાં પ્રેરણાદાયી પહેલ છે.
આ પહેલ અંગે ખુશી વ્યક્ત કરતાં ફ્લોના નેશનલ પ્રેસિડેન્ટ ઉજ્જવલા સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “ફિક્કી ફ્લો ખરા અર્થમાં માને છે કે મહિલાઓને સશક્ત કરવા માટે તેઓ ભારતની સ્ટાર્ટ-અપ સાફલ્યગાથામાં ભાગ લે તે જરૂરી છે. આ માટે ફ્લો સ્ટાર્ટઅપ પહેલ લોંચ કરવામાં આવી છે, જેનું વિઝન મહિલા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને માર્ગદર્શન આપીને તેમના વ્યવસાયને ઉંચા સ્તરે લઇ જવાનો છે.”
આ વિશિષ્ટ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશનના ફ્લો સ્ટાર્ટ-અપ સેલના વડા ફણીત્રિવેદીએ જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ્સ માટે ઘણાં ફંડ્સ ઉપલબ્ધ હોવા છતાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકો તેમાંથી નાનું ભંડોળ મેળવવામાં પણ મૂશ્કેલી અનુભવી રહી છે. તેમને નાણાકીય અંદાજો બાબતે યોગ્ય તાલીમ આપાય તેમજ સ્માર્ટ પીચ ડેક અને આત્મવિશ્વાસ પેદા કરવામાં આવે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનમાં હાલની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોતાં મહિલા સંસ્થાપકોની ભૂમિકા નોંધપાત્ર બની જાય છે. ફ્લો સ્ટાર્ટઅપ સેલ અમદાવાદ આ ટ્રેન્ડને આગળ લઇ જવા માટે કટીબદ્ધ છે.”
ફ્લો સ્ટાર્ટઅપ સેલ, અમદાવાદ ચેપ્ટરના વડા યોગિતા શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ફ્લો સ્ટાર્ટઅપ મહિલા સંસ્થાપકોને માર્ગદર્શન અને ભંડોળ પ્રાપ્ત કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે. અમદાવાદ અને ફ્લો અમદાવાદ ખાતે મહિલા રોકાણકારોની સંભાવનાઓને જોવી ખૂબજ ઉત્સાહજનક અનુભવ છે.”
બીજી તરફ આંત્રપ્રિન્યોર બિઝનેસ ઇન્ક્યુબેટરના ઇન્ક્યુબેશન ઇન-ચાર્જ દેબોપ્રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતંઅ કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિશ્વભરમાં મહિલાઓ મજબૂત અને ડાયનામિક લીડર્સ તરીકે ઉભરી આવી છે. આ કાર્યક્રમ મહિલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ઉદ્યોગ સાહસિકતાને બળ અને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક બની રહેશે. આંત્રપ્રિન્યોર બિઝનેસ ઇન્ક્યુબેટર અને ફ્લો સ્ટાર્ટઅપ સેલ અમદાવાદના સહયોગી પ્રયાસો સફળ રહેશે તેવી અમને આશા છે.”
આ કાર્યક્રમમાં વિજેતાઓની નીચેની પ્રાઇઝ ઓફર કરાયા હતાઃ
- ટોચની ત્રણ એન્ટ્રીને 16 સપ્તાહ માટે ફ્લો એસ્સિલરેટર પ્રોગ્રામ
- એક વિજેતા (1 ટીમ)ને આંત્રપ્રિન્યોર – ધ બિઝનેસ ઇન્ક્યુબેટરમાં ઇન્ક્યુબેટ કરાશે
- ડેમો ડેમાં બેસ્ટ આઇડિયા એસએસઆઇપી – પ્રોટોટાઇપિંગ માટે રૂ. 2 લાખ સુધીની ન્યુ જેન ગ્રાન્ટ
- ટોચના ત્રણ માટે 1.8 સુધી ઝોહો સોલ્યુશન સોફ્ટવેર પેકેજ
- ફ્લો ચેપ્ટર્સમાં તથા મીડિયામાં શક્ય હોય ત્યાં સ્વિકૃતિ
- પ્રથમ વિજેતાને એમ્પાવર (વાયફ્લો મેગેઝિન)માં એક પેજનું ફીચર
- ટોચની ત્રણ પીક વિનર્સની તેમના ફોટા સાથે ફ્લો ન્યુઝલેટરમાં માહિતી અપાશે
- 3 ડેમો અને પીચ વિનર્સને વાર્ષિક ફ્લો સંભાવ એવોર્ડ્સ 2021માં ખાસ આમંત્રણ
- ટોચના ત્રણ વિજેતાઓને તમામ ફ્લો-વાયફ્લો કાર્યક્રમમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે વધુ નેટવર્કિંગ માટે એન્ટ્રી પાસ