કેન્દ્ર સરકાર, રાજય સરકારો અને વિવિધ ગ્રાહક હિતલક્ષી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ગ્રાહકોને જાગૃત કરવાના આશયથી ઉજવણી
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તેમ જ ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના સાૈજન્યથી આશ્રમ રોડ ખાતે વિશેષ રકતદાન કેમ્પ અને નિશુલ્ક આઇ કેમ્પ યોજાયા
રાજયની જુદી જુદી ગ્રાહક કોર્ટોમાં છેલ્લા 31 વર્ષમાં 2, 72 974 ફરિયાદો દાખલ થઈ હતી. તેમાંથી 2,38,418 કેસોનો નિકાલ થયો છે. જ્યારે 34,555 કેસો પડતર
ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે ત્યારે છેતરાયેલા ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલને 25,000 ગ્રાહકોની સહીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
આજે તા.24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ભારત સરકાર સહિત તમામ રાજય સરકારો અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ઉજવણી થઇ રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ગ્રાહક કોર્ટોમાં છેલ્લા 31 વર્ષમાં 2, 72 974 ફરિયાદો દાખલ થઈ હતી. તેમાંથી 2,38,418 કેસોનો નિકાલ થયો છે. જ્યારે 34,555 કેસો પડતર છે. જેમાં સૌથી વધુ કેસો અમદાવાદ જિલ્લાની ગ્રાહક કોર્ટોમાં 8371 જેટલા પેન્ડીંગ છે. એ પછી વડોદરા અને સુરત કોર્ટોમાં અનુક્રમે 5484 અને 5039 ફરિયાદો પડતર બોલે છે. આમ, રાજયભરની અલગ અલગ ગ્રાહક કોર્ટોમાં આજની તારીખે પણ 34,555 ફરિયાદી ગ્રાહકો ન્યાય મેળવવાની રાહત જોઇને બેઠા છે. જો કે, પહેલા કરતાં ગ્રાહકોમાં જાગૃતિ વધી છે અને ગ્રાહક કોર્ટોમાં ફરિયાદો દાખલ થવાની સંખ્યા પણ વધી રહી છે પરંતુ તેમછતાં હજુ પણ જોઇએ તેટલી જાગૃતિ ગ્રાહકોમાં આવી નથી અને હજુ સમાજમાં ખાસ કરીને ગ્રાહકોમાં આ અંગેની ભારે જાગૃતતા બહુ જ અનિવાર્ય છે તેમ વર્ષોથી ગ્રાહકોના હિતમાં ન્યાયની લડત ચલાવતાં અને ગ્રાહક કોર્ટોમાં અત્યાર સુધીમાં સેંક્ડો ગ્રાહકો વતી ફરિયાદો દાખલ કરીને તેમને ન્યાય અપાવનાર ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું.
આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રાહકોના હક્કો અને અધિકારો માટે છેલ્લા 50 વર્ષોથી લડત ચલાવતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલની આગેવાની હેઠળ વધુ ને વધુ લોકો રકતદાન કરે એ માટે સિવિલ હોસ્પિટલના સૌજન્યથી વિશેષ રકતદાન કેમ્પ, આશ્રમ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો., તેમાં યુવાનો, બહેનો સહિતના જાગૃત નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે રકતદાન કરી પ્રેરણારૂપ સંદેશ પૂરો પાડયો હતો. સાથે સાથે આ પ્રસંગે નિશુલ્ક આઇ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની આંખો વિનામૂલ્યે તપાસી નિદાન કરવામાં આવ્યું હતું. દર્દીઓને આંખના ટીપા પણ આપવામાં આવ્યા હતા. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું કે, કોરોના મહામારીના કપરા કાળ બાદ હોસ્પિટલોમાં બ્લડ સ્ટોક ઘણો ઓછો છે અને તેની ઘણી અછત વર્તાઇ રહી છે ત્યારે હોસ્પિટલોમાં બ્લડનો પૂરતો સ્ટોક પ્રાપ્ય બને અને જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક રીતે તેમને જોઇતું બ્લડ મળી રહે તેવા ઉમદા આશયથી એક સામાજિક સંદેશા સાથે આજે વિશેષ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના તમામ વર્ગના લોકોએ ભારે ઉત્સાહ સાથે આગળ આવી રકતદાન કરી અનોખી પ્રેરણા પૂરી પાડી છે.
આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી ઉપલક્ષ્યમાં રાજયની વિવિધ કોર્ટોમાં પડતર કેસો અને ફરિયાદી ગ્રાહકોની સ્થિતિ અને ગ્રાહક સુરક્ષા કાયદાને લઇ વિશેષ વાત કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવ્યું કે, લોકસભામાં તા. 24.12.1986 ના દિવસે ગ્રાહક સુરક્ષા ધારો પસાર થયો હતો. આ દિવસની યાદગીરી માટે ભારત સરકાર, તમામ રાજય સરકારો અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવે છે. સને-1989-90 થી ગુજરાત રાજયમાં શહેર, જિલ્લા કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજ્યકક્ષાએ સ્ટેટ કમિશનની રચના કરવામાં આવી છે. ગુજરાતના 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને સ્ટેટ કમિશનમાં અત્યાર સુધીના 31 વર્ષોમાં કેટલી ફરીયાદો દાખલ થઇ અને કેટલી ફરીયાદોનો નિકાલ થયો તેની વિગતો ચકાસીએ તો ગુજરાતના કુલ 34,555 ફરીયાદી ગ્રાહકો ન્યાય મેળવવા પ્રતિક્ષા કરી રહ્યા છે. અમદાવાદ શહેરની ત્રણ કોર્ટમાં 8,371 ફરીયાદો પેન્ડીંગ છે. જ્યારે વડોદરાની બંને કોર્ટમાં 5,484 અને સુરતની બંને કોર્ટમાં 5,039 ફરીયાદો પેન્ડીંગ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અત્યારસુધી 6,097 ફરીયાદો દાખલ થઇ છે અને 4,872 નો નિકાલ થતાં 1,225 ફરીયાદો પેન્ડીંગ છે. જ્યારે ગુજરાતના શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પક્ષકારો દ્વારા 37,214 અપીલો દાખલ થઇ છે અને 33,674 અપીલોનો નિકાલ થતાં 3,540 અપીલો પેન્ડીંગ છે. ટોટલ 62,751 મેટર એડમીટ થતાં અને 57,687 નો નિકાલ થતાં 5,064 ફરીયાદો-અપીલો વિગેરે લીગલ મેટર પેન્ડીંગ છે. સામાન્ય રીતે જોવા જઇએ તો, ગ્રાહક કમિશનમાં મોટાભાગે વીમા કંપનીઓ સામે મેડીક્લેઇમ બાબતની ફરીયાદો બિલ્ડરો, ટૂર ઓપરેટરો, પોસ્ટ, બેંકો, ડોક્ટરો અને હોસ્પિટલો, કંપનીઓ અને વેપારી પેઢીઓ, મોબાઇલ કંપનીઓ, પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ વિગેરે સામે વ્યાપક ફરીયાદો આવે છે. ફરીયાદી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે ગ્રાહક ન્યાય આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ગ્રાહક સુરક્ષા ધારો 2019 અન્વયે તમામ ફરીયાદી ગ્રાહકોને સમયસર ઝડપી ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી અને ગુજરાત સ્ટેટ કમિશનના પ્રમુખને આવેદનપત્રો પાઠવી, લોક અદાલતનું આયોજન કરવા માંગણી કરી રજૂઆત કરી છે. લોક અદાલતના માધ્યમથી પોલીસી ધારક દર્દીઓના મેડીક્લેઇમના કેસોનો (કોરોનાના દર્દીઓના દાવાઓ સહિત) ની તમામ મેટરોનો ઝડપી ઉકેલ આવે. સીનીયર સિટીઝન અને મહિલાઓને અગ્રીમતા આપવા રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું કે, ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે ત્યારે છેતરાયેલા ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલને 25,000 ગ્રાહકોની સહીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો વર્ષ-2022 ને ગ્રાહક અધિકાર વર્ષ તરીકે ઉજવે તે માટે વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગ્રાહકોની સમસ્યાઓના ઉકેલ માટે સર્વોચ્ચ અગ્રીમતા આપે તે માટે સતત ઝુંબેશ ઉપાડાશે. આગામી દિવસોમાં પણ રાજયના લાખો ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી તેઓને ન્યાય અપાવવાની લડત અને સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે અને દર વર્ષની જેમ સમગ્ર વર્ષ દરમ્યાન અલગ અલગ કાર્યક્રમો યોજી ગ્રાહકોમાં સામાજિક જાગૃતિ વધુ કેળવાય તે માટેના અસરકારક પ્રયાસો પણ જારી રખાશે એમ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અંતમાં ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news