ફરિયાદી મહિલા ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખ મારફતે કરાયેલી ફરિયાદમાં ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી(રેરા)નો મહત્વપૂર્ણ આદેશ
ફરિયાદી મહિલા ગ્રાહકને તેણીએ રૂ.1,79,940 જે જે તારીખે જે જે રકમ ચૂકવી હોય તે તારીખથી વસૂલ થતાં સુધી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે 45 દિવસમાં ચૂકવી આપવા મેસર્સ જીલ ડેવલપર્સ અને મેસર્સ સનાહ ઇન્ફ્રા.પ્રા.લિ.ને રેરાનું ફરમાન
લોભામણી અને આકર્ષક જાહેરાતો મારફતે રાજયના લાખો ગ્રાહકોને રહેઠાણની પ્લોટની સ્કીમમાં પૈસા રોકાવી ગંભીર છેતરપીંડીનો ભોગ બનાવતાં બિલ્ડર અને ડેવલપર્સ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ દ્વારા જન આંદોલન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
વાયબ્રન્ટ ગુજરાતમાં રાજય સરકાર સાથે એમઓયુ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના અનેક પ્રધાનોના ફોટાઓ સાથે બ્રોશર બહાર પાડી અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકાની જીલ ટાઉનશીપ નામની સ્કીમમાં લોકોને રહેઠાણના પ્લોટ લેવા લોભામણી જાહેરાત અને વચનો આપ્યા બાદ પ્લોટ ડેવલપ જ નહી કરાતાં મેસર્સ જીલ ડેવલપર્સ અને મેસર્સ સનાહ ઇન્ફ્રા.પ્રા.લિ વિરૂધ્ધ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી(રેરા) સમક્ષ ગંભીર ફરિયાદ એક જાગૃત મહિલા તરફથી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીના અંતે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી(રેરા)ના સભ્યો શ્રી પી.જે.પટેલ અને શ્રી ડી.પી.જોષીએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખ મારફતે પ્લોટધારક ફરિયાદી મહિલા ગ્રાહક શ્રીમતી વાસંતીબહેન નાથાલાલ પટેલની સામાવાળાઓ મેસર્સ જીલ ડેવલપર્સ અને મેસર્સ સનાહ ઇન્ફ્રા.પ્રા.લિ વિરૂધ્ધ દાખલ થયેલી ફરિયાદ મંજૂર કરી હતી અને ફરિયાદી મહિલા ગ્રાહકને પ્લોટની જમા રકમ રૂ.1,79,940 જે જે તારીખે જે જે રકમ ચૂકવી હોય તે તારીખથી વસૂલ થતાં સુધી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે 45 દિવસમાં ચૂકવી આપવા ખૂબ મહત્વનો આદેશ કર્યો છે. વધુમાં, રેરાએ ફરિયાદી મહિલા ગ્રાહકને ખર્ચાના રૂ.15 હજાર અલગથી ચૂકવી આપવા પણ સામાવાળા પ્રતિવાદીઓને હુકમ કર્યો છે.
રાજયના અન્ય ગ્રાહકો માટે પણ ન્યાય મેળવવામાં મદદરૂપ થાય તેવા આ કેસ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના બાવળા, બગોદરા, નળ સરોવર અને સાણંદ તાલુકા સહિત રાજયભરમાં વર્ષ 2011થી 2013માં સંખ્યાબંધ લેભાગુ બિલ્ડર, ડેવલપર્સ અને ઓર્ગેનાઇઝરે વિવિધ સ્કીમો લોન્ચ કરી ગ્રાહકોને લલચામણી અને લોભામણી ઓફરો આપી, રહેઠાણના પ્લોટ ખરીદવા માટે આકર્ષિત કર્યા હતા. અમદાવાદ સહિત રાજયભરમાંથી આવા એક લાખથી વધુ ગ્રાહકો પ્લોટ મેળવવા જતાં છેતરાયા છે. લેભાગુ અને કસૂરવાર બિલ્ડરો સ્કીમ-પ્રોજેકટ લોન્ચ કર્યા બાદ તેનું ડેવલપમેન્ટ કરતા નથી. બીજીબાજુ, ગ્રાહકો પાસેથી પ્લોટના વેચાણ પેટે કરોડો રૂપિયાની અવેજની રકમ પચાવી પાડી છે. ગ્રાહકોને પ્રોજેકેટમાં રોડ, રસ્તા, વીજળી સહિતની વર્લ્ડ કલાસ કલબની ફ્રી મેમ્બરશીપ સહિતની વિવિધ સુખ-સુવિધા અને સગવડોનું વચન આપ્યા બાદ પણ તેનો અમલ નહી કરીને લાખો ગ્રાહકો છેતરાયા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું કે, આવી જ એક અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકાની જીલ ટાઉનશીપ નામની રહેઠાણના પ્લોટની સ્કીમ કે જે સ્કીમ વાયબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા બાદ લોન્ચ કરાઇ હતી, તે સ્કીમ જીલ ટાઉનશીપ-2માં ફરિયાદી મહિલા ગ્રાહક શ્રીમતી વાસંતીબહેન નાથાલાલ પટેલે ટાઇપ સીમાં પ્લોટ ન-બી-1-360, 100 ચો.વારનો રૂ.1,70,500માં બુક કરાવ્યો હતો. ગ્રાહકે પ્લોટની પૂરેપૂરી રકમ પણ ચૂકવી દીધી હતી. વર્ષોના અસહ્ય વિલંબ બાદ પણ પ્લોટનું ડેવલપમેન્ટ નહી થતાં અને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નહી કર્યો હોવાથી જમા રકમ વ્યાજ મેળવવા ફરિયાદી મહિલા ગ્રાહકે મેસર્સ જીલ ડેવલપર્સ(એફ-12-એ, કેમ્પસ કોર્નર-2, પ્રહલાદનગર ગાર્ડન સામે, સેટેલાઇટ, અમદાવાદ) અને સનાહ ઇન્ફ્રા.પ્રા.લિ વિરૂધ્ધ રેરા સમક્ષ ફરિયાદ કરી દાદ માંગી હતી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે મારફતે દાખલ કરાયેલી ફરિયાદમાં રેરાએ સામાવાળા પ્રતિવાદીઓ વિરૂધ્ધ નોટિસ જારી કરી હતી. જો કે, આ કેસમાં સામાવાળા પ્રતિવાદીઓ પોતાનો યોગ્ય જવાબ અને બચાવ રજૂ કરી શકયા ન હતા, જેની સામે ફરિયાદી તરફથી શ્રી મુકેશ પરીખે પુરાવા સાથેનું સોગંદનામું રજૂ કરવા ઉપરાંત, તમામ દસ્તાવેજી પુરાવાઓ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના અને અનેક પ્રધાનોના ફોટાઓ સાથે રંગીન 19 પાનાનું બ્રોશર રેકર્ડ પર રજૂ કર્યું હતું. સામાવાળા પ્રતિવાદીઓ તરફથી અનેક વચનો અને લોભામણી જાહેરાતો બાદ પણ ડેવલપમેન્ટના નામે ઝીરો કામગીરી કરી હતી.
ફરિયાદી ગ્રાહક તરફથી કરાયેલી દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખીને ગુજરાત રેરા ઓથોરીટીએ ઠરાવ્યું કે, રેરા એકટની કલમ-18(1)ની જોગવાઇ મુજબ, જમા રકમ વ્યાજ સાથે પરત કરવી પડે. જેથી ફરિયાદી મહિલા ગ્રાહકે ચૂકવેલી રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે 45 દિવસની સમયમર્યાદામાં ચૂકવી આપવા સામાવાળા પ્રતિવાદીઓ જીલ ડેવલપર્સ અને સનાહ ઇન્ફ્રા.પ્રા.લિને હુકમ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે ગુજરાત રેરા ઓથોરીટીના આ ન્યાયપૂર્ણ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, રાજયના લાખો ગ્રાહકો આ પ્રકારે પ્લોટોની ખરીદીમાં છેતરાયા છે. જેથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ગ્રાહકોના વ્યાપક હિતમાં તેઓને ન્યાય અપાવવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, તો છેતરપીંડીનો ભોગ બનનાર ગ્રાહકો ન્યાય મેળવવા આગળ આવે અને સામાજિક જાગૃતિ ફેલાવી ગ્રાહક ધર્મ બજાવે.
#bharatmirror #bharatmirror21 #news