ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે એલઆઇસીને અતિ મહત્વનો આદેશ ફરમાવ્યો
અરજદાર પશુપાલકોને અરજીના ખર્ચ પેટે રૂ.એક હજાર અને વળતર પેટે રૂ.એક હજાર અલગથી ચૂકવી આપવા પણ હુકમ
એકસાથે 1306 અરજીઓનો નિકાલ કરવાની આ સૌપ્રથમ ઘટના જયુડીશરી ક્ષેત્રમાં ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનની પણ અનોખી સિધ્ધિ અને નોંધપાત્ર ઘટના
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
બનાસકાંઠા જિલ્લાના 1306 જેટલા પશુપાલકોને માસ્ટર પોલિસી હેઠળ લેવાયેલ વીમા કવચ હેઠળ જરૂરી કલેઇમ નહી ચૂકવવાના ભારતીય જીવન વીમા નિગમ(એલઆઇસી)ના વલણને ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશને ફગાવ્યુ હતું અને 1306 જેટલા પશુપાલકોને તેમણે લીધેલ વીમા પેટે અંદાજે રૂ.પાંચ કરોડથી વધુનું વળતર ચૂકવવા ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે એલઆઇસીને અતિ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. ભારતીય જીવન વીમા નિગમને ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા કરાયેલા આ આદેશમાં કમીશન દ્વારા મહત્વના નીરીક્ષણ અને અવલોકન પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના પ્રમુખ શ્રી ડી.ટી.સોની અને મેમ્બર શ્રી જીગર.પી. જોષીની બેંચે અરજદાર પશુપાલકો તરફથી કરાયેલી રજૂઆત અને દલીલો ગ્રાહ્ય રાખી તેમની અરજી મંજૂર કરી દરેક અરજદારને દાવાની રકમ 9.5 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા એલઆઇસીને ફરમાન કર્યું હતું. વધુમાં, અરજદારોને અરજીના ખર્ચ પેટે રૂ.એક હજાર અને વળતર પેટે રૂ.એક હજાર અલગથી ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. એકસાથે 1306 અરજીઓનો નિકાલ કરવાની આ સૌપ્રથમ ઘટના જયુડીશરીમાં ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનની પણ અનોખી સિધ્ધિ અને નોંધપાત્ર ઘટના બની રહી છે.
બનાસ ડેરીના સભાસદ એવા પશુપાલકો તરફથી ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કરાયેલી અરજીમાં સિનિયર એડવોકેટ એસ.જી.શાહ અને એડવોકેટ વર્ષલ એમ.પંચોલીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બનાસ ડેરીના સભાસદો દ્વારા ગાંધીનગરની સેકટર 11માં આવેલી ભારતીય જીવન વીમા નિગમ(એલઆઇસી) પાસેથી કેન્દ્ર સરકારની એક વીમા યોજના હેઠળ માસ્ટર પોલિસી નામનો પર્સનલ એકસીડેન્ટ અંગેનો વીમો સને 2001થી લેવામાં આવ્યો હતો. જેનું પ્રીમીયમ પશુપાલકો(દૂધ ઉત્પાદકો), બનાસ ડેરી અને દૂધ ઉત્પાદક મંડળીની સાથે અમુક ટકા હિસ્સો કેન્દ્રની યોજના મુજબ ભરવામાં આવતુ હતું. સભાસદ પાસેથી અને ડેરી તરફથી વીમા કંપનીને ચૂકવવામાં આવતું હતું. જો કે, વીમાની મુદત પૂરી થતાં અને તે પાકતાં વીમા કંપનીએ તેની રકમ નહી ચૂકવતાં અરજદારોને ન્યાય માટે ફોરમમાં આવવાની ફરજ પડી છે.
અરજદાર પશુપાલકો તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહ અને વર્ષલ પંચોલીએ કમીશનનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, બનાસ ડેરી મારફતે 2001માં એલઆઇસી પાસેથી લીધેલી માસ્ટર વીમા પોલિસી હેઠળ વીમા કંપની દ્વારા કુદરતી મૃત્યુના કિસ્સામાં રૂ.30 હજાર અને અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં રૂ.75000 અને કાયમી ખોડના કેસમાં રૂ.37500ની પોલિસી મુજબનો કલેઇમ ચૂકવવામાં આવ્યો નથી. મે-2017માં કેન્દ્ર સરકારે આ સ્કીમ કન્વર્ટ કરી હતી. અરજદારોની પોલિસી તા.30-7-2017એ પૂર્ણ થતી હતી, જે પેટે રૂ.બે કરોડ પ્રીમીયમ તરીકે પણ ભર્યા હતા અને એ પછી એક કરોડ રૂ.13 લાખ તફાવતની રકમ ઓગસ્ટ-2017માં ભરી દીધા હતા. પરંતુ તેમ છતાં એલઆઇસી તરફથી એ વખતે પણ સ્કીમ બંધ થઇ ગયાની જાણ અરજદાર પશુપાલકોને કરવામાં આવી ન હતી. ઉલ્ટાનો તા.26-9-2017એ પત્ર પાઠવી ડેરીને જાણ કરી કે સ્કીમ બંધ થઇ ગઇ છે. કુલ 1306 પશુપાલકો(દૂધ ઉત્પાદકો) તરફથી કમીશનને ભારપૂર્વક જણાવાયું કે, એલઆઇસી દ્વારા તેની સેવામાં ખામી સ્પષ્ટ સામે આવી છે અને અરજદાર પશુપાલકો તરફથી ભરાયેલા પ્રીમીયમને સ્વીકારી લીધા બાદ કલેઇમ નહી ચૂકવવો તે ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઇઓ વિરૂધ્ધનું અને ગ્રાહક સેવામાં ખામીનું ગંભીર કૃત્ય ગણી શકાય. અરજદાર પશુપાલકો તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહ અને એડવોકેટ વર્ષલ એમ.પંચોલીએ ગુજરાત હાઇકોર્ટ સહિતના કેટલાક મહત્વના ચુકાદાઓ પણ ટાંકવામાં આવ્યા હતા.
દરમ્યાન બનાસ ડેરી તરફથી પણ એડવોકેટ દર્શક ત્રિવેદીએ રજૂઆત કરતાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં જો સરકાર નિયમો બદલ્યા હોય કે, યોજના બંધ કરી હોય તો પ્રીમીયમ ભરતી વખતે અરજદાર સભાસદો અને ડેરીને તેની અધિકૃત રીતે જાણ કરવી જોઇતી હતી પરંતુ તેમ કરાયું નથી. વળી, પ્રીમીયમ મોડુ ભરાય તો, 7.5 ટકા વ્યાજ ભરવુ પડશે તેમ જણાવાયું હતું, જે પ્રીમીયમ ભર્યા પછી પણ સપ્ટેમ્બર માસના અંતમાં સરકારે સ્કીમ બંધ કરી દીધી હોવાની જાણ કરાઇ હતી અને અશંતઃ રિફંડ પશુપાલકોના ખાતામાં જમા કરાવી દેવાયું હતું, જે બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી વાત કહી શકાય. એલઆઇસી આ પ્રકારે વર્તી શકે નહી. વીમાકંપની તરફથી બચાવ રજૂ કરવામાં આવ્યો હતો જો કે, ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના પ્રમુખ શ્રી ડી.ટી.સોની અને મેમ્બર શ્રી જીગર.પી. જોષીની બેંચે તેને ગ્રાહ્ય રાખ્યો ન હતો અને અરજદાર પશુપાલકોની દલીલો અને રજૂઆત ગ્રાહ્ય રાખી ઉપરમુજબ, અતિ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદો જારી કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news