શહેરના સરદારનગર વિસ્તારમાંથી સગીર વયની બંને છોકરીઓને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા પોક્સો કેસમાં પોક્સો સ્પેશ્યલ જજનો મહત્વનો ચુકાદો
ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ કેસમાં ખુદ ફરિયાદપક્ષે ભોગ બનનાર બંને છોકરીઓ જ ફરી ગઇ, ફરિયાદપક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ – આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ
પોક્સોના સ્પેશ્યલ જજ શ્રી વિનોદ વી.પરમારે લંબાણપૂર્વકના ચુકાદામાં પોક્સો કાયદા સહિત વિવિધ કાયદાકી જોગવાઇઓ તેમ જ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકી વિવિધ મુદાઓની વિસ્તૃત છણાવટ કરી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
શહેરના સરદારનગર વિસ્તારમાંથી સગીર વયની બે છોકરીઓને તેના વાલીની સંમંતિ વિના ભગાડી જઇ તેણીની સાથે તેણીની ઇચ્છા વિરૂધ્ધ બળાત્કાર ગુજારવાના પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળના ચકચારભર્યા કેસમાં સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ(પોકસો) શ્રી વિનોદ વી.પરમારે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી આરોપીઓ વિશાલ કાંતિભાઇ ચંદુભાઇ રાઠોર(છારા) અને હરેશ બુધાભાઇ ચૌહાણ(પ્રજાપતિ)ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા મહત્વનો ચુકાદો જારી કર્યો છે. સ્પેશ્યલ જજ શ્રી વિનોદ વી.પરમારે લંબાણપૂર્વકના ચુકાદામાં પોક્સો કાયદા સહિત વિવિધ કાયદાકી જોગવાઇઓ તેમ જ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકી વિવિધ મુદાઓની વિસ્તૃત છણાવટ પણ કરી હતી.
સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ(પોકસો) શ્રી વિનોદ વી.પરમારે પોતાના મહત્વના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં બંને ભોગ બનનાર જુબાનીમાંથી ફરી ગયેલ છે અને પોતાની સાથે આવો કોઇ બનાવ બન્યો હોય તેવું જણાવતી નથી કે તે બાબતને સમર્થન આપતો કોઇ આધાર-પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો નથી. વળી, ભોગ બનનારે પોતાની ઉમંર સગીર વયની સાબિત કરી શકાય તેવો જન્મનો દાખલો કે અન્ય કોઇ પુરાવ પણ રજૂ કર્યો નથી. આમ, ભોગ બનનાર બનાવ સમયે સગીર વયના હોવાની હકીકત ફરિયાદપક્ષ નિશંકપણે પુરવાર કરી શકયા નથી. આ કામના ભોગ બનનાર બંને છોકરીઓએ હાલના આરોપીઓ વિરૂધ્ધ આક્ષેપિત ગુના અંગે લેશમાત્ર પણ જુબાની આપી નથી. આમ, આવા મહત્વના સબ્સ્ટેન્શીયલ પુરાવાઓની ગેરહાજરીમાં માત્ર મેડિકલ હીસ્ટ્રી તથા અન્ય મેડિકલ પુરાવાને માની શકાય નહી.
ખાસ કરીને જયારે ભોગ બનનારના કપડાઓ, તેણીના પ્યુબીક હેર, વજાઇનલ સ્વોબ, વજાઇનલ સ્મીયર, યુરેથલ સ્વોબ તથા સ્મીયરમાં પણ આરોપીના વીર્ય કે લોહીની હાજરી મળેલ નથી. આવા મહત્વના સાયન્ટીફિક પુરાવાની ગેરહાજરીમાં કેસના સંજોગો જોતાં સીરોલોજી રિપોર્ટ પણ નકામો બની જાય છે. આ સિવાય ફરિયાદપક્ષના કેસની હકીકતોને સમર્થન નહી આપતાં તેણીને ફરી ગયેલા જાહેર કરીને તેણીને ઉલટતપાસમાં પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછવાની એપીપીને પરવાનગી અપાઇ હતી અને તેઓની વિગતવાર ઉલટતપાસમાં પણ આ બંને સાહેદોએ ફરિયાદપક્ષના કેસની હકીકતોને લેશમાત્ર સમર્થન આપ્યુ નથી. ભોગ બનનારે સરકારી હોસ્પિટલમાં પણ ડોકટર સમક્ષ કોઇ હીસ્ટ્રી આપેલાનું જણાવેલ નથી. તેથી મેડિકલ હીસ્ટ્રી ખાસ મહત્વની રહેતી નથી.
અદાલત સમક્ષ રજૂ થયેલા રેકર્ડમાં ભોગ બનનારાના આંક-9 અને 10 વાળા પુરાવો ધ્યાને લઇએ તો, આ કામના ભોગ બનનાર દ્વારા આરોપીઓની વિરૂધ્ધ પોકસો એકટની કલમ-3,4,5 અને 6 મુજબના આક્ષેપોને સમર્થન આપતો કોઇ જ પુરાવો રજૂ કરેલ નથી, જેથી પોકસો એકટની કલમ-29માં જણાવ્યા મુજબની જોગવાઇ અનુસાર, આ કામના આરોપીઓએ પોકસો એકટની કલમ-3,4,5 અને 6 મુજબનો ગુનો કરેલ છે, તેવું અનુમાન ન કરવા માટે આ અદાલતને પ્રેરે છે. આમ, ફરિયાદપક્ષ પોક્સો એકટ હેઠળની જોગવાઇ મુજબનો આરોપીઓ વિરૂધ્ધનો આક્ષેપિત ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે.
વળી, પ્રસ્તુત કેસમાં પોલીસ સાહેદના પુરાવાનું મૂલ્યાંકન કરીએ તો, આ સાહેદ તપાસ કરનાર તથા ચાર્જશીટ કરનાર પોલીસ સાહેદ છે. આ સાહેદ બનાવ નજરે જોનાર સાક્ષી નથી., તે સંજોગોમાં માત્ર પોલીસ અધિકારીનો પુરાવો માનીને આરોપીને સજા કરી શકાય નહી. આ પોલીસ સાહેદનો પુરાવો માત્ર ફોર્મલ બની જાય છે. આમ, પોલીસ સાહેદનો પુરાવો પણ ફરિયાદપક્ષના કેસનો કોઇ ખાસ મદદ કરતો નથી. આ સંજોગોમાં જયારે ફરિયાદપક્ષના મહત્વના સાક્ષીઓએ ફરિયાદપક્ષના કેસની હકીકતોને સમર્થન આપેલ ન હોય ત્યારે પોલીસ સાહેદના આવા સાંભળેલ પુરાવાના આધારે આરોપીઓને કહેવાતા ગુનામાં સંડોવી શકાય નહી.
સ્પેશ્યલ જજ શ્રી વિનાદ પરમારે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ નીરીક્ષણ કરતાં એમ પણ જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં તમામ હકીકતોનું એકીસાતે પુરાવાકીય મૂલ્યાંકન કરીએ તો, આ કામમાં ફરિયાદી કે જે ભોગ બનનારના પિતા છે, તેઓનું અવસાન થયુ હોઇ તેમને તપાસવામાં આવ્યા નથી. વધુમાં, આ કામના બંને ભોગ બનનાર દ્વારા પોતાના સોગંદ પરના પુરાવામાં પોતાની સાથે ફરિયાદ હકીકત મુજબનો બનાવ બનેલ હોવા સંબંધે લેશમાત્ર પુરાવો આપેલ નથી. તેમ જ તેઓએ પોતાની જુબાનીમાં આરોપીઓએ તેણીને ભગાડી લઇ ગયેલ હોય કે તેણીની સાથે આરોપીઓએ શરીર સંબંધ બાંધેલ હોવાની હકીકતનો પણ સ્પષ્ટ ઇન્કાર કરેલ છે ત્યારે આરોપીઓએ ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર-સંભોગનું દુષ્કૃત્ય આચર્યુ હોય તેવું માની શકાય નહી. પંચ સાહેદોએ પણ પંચનામાને સમર્થન આપેલ નથી.
આ કામના બંને ભોગ બનનારનો અદાલત સમક્ષનો મૌખિક પુરાવો ધ્યાનમાં લેતાં, હાલના આરોપીઓ દ્વારા ભોગ બનનારને તેણીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોય તે અંગેની કોઇ હકીકત જણાવેલ નથી તેમ જ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-164 મુજબના નિવેદનની હકીકત ભોગ બનનાની મેડિકલ તપાસણી વખતે ડોકટર સમક્ષની હીસ્ટ્રી તથા તેણીના કપડાની હકીકત વગેરે બાબતે અંગે પણ કોઇ જ સમર્થનકારક, વિશ્વાસજન્ય તથા માનવાલાયક પુરાવો આપેલ નથી. આ સંજોગોમાં ભોગ બનનાર ગુજરાત વીકટીમ કંપેનસેશન સ્કીમ 2019, પોક્સો રૂલ્સ-2020 તથા ક્રિ.પો.કોડની કલમ-357(એ) હેઠળ પણ કોઇ જ વળતરની સહાય ચૂકવવી યોગ્ય અને ન્યાયી જણાતુ નથી., તેથી ભોગ બનનાર કોઇ વળતરની સહાય મેળવવા પણ હકદાર બનતા નથી.
ચકચારભર્યા એવા આ કેસમાં આરોપીપક્ષ તરફથી એડવોકેટ પ્રતિક કે.નાયક અને એડવોકેટ વાય.યુ.મલેકએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ખુદ ભોગ બનનાર બંને ફરી ગયેલા છે. આવા મહત્વના સાહેદોએ ખુદ ફરિયાદપક્ષના કેસની હકીકતને લેશમાત્ર પણ સમર્થન આપ્યું નથી. આ કામે ફરિયાદીનું કેસ ચાલવા દરમ્યાન અવસાન થયેલ હોઇ તેઓને તપાસવામાં આવ્યા નથી પરંતુ આ કેસમાં સૌથી મહત્વના સાહેદ એવા બંને ભોગ બનનાર ફરી ગયેલા હોઇ અને તેઓએ હાલના આરોપીઓ વિરૂદ્ધ કોઇ જુબાની આપેલી નથી, તેથી ભોગ બનનાર કહેવાતા બનાવ વખતે સગીર હોય તે હકીકત પણ પુરવાર થયેલ નથી. કારણ કે, ભોગ બનનારે તેણીની ઉમંર કે જન્મતારીખ યાદ નહી હોવાનું જણાવ્યું છે. આવા સ્બસ્ટેન્શીયલ પુરાવાઓની ગેરહાજરીમાં માત્ર મેડિકલ પુરાવાને માની શકાય નહી. વળી, ભોગ બનનારના કપડાઓ, તેણીના પ્યુબીક હેર, વજાઇનલ સ્વોબ, વજાઇનલ સ્મીયર, યુરેથલ સ્વોબ, અને સ્મીયરમાં પણ આરોપીના વીર્ય કે લોહીની હાજરી મળી નથી.
આરોપી તરફથી એડવોકેટ પ્રતિક કે.નાયક અને એડવોકેટ વાય.યુ.મલેકએ કોર્ટનું એ બાબતે પણ ધ્યાન દોર્યું કે, ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દિકરીએ પોતાની સરતપાસમાં જણાવ્યું છે કે, અગાઉ સને 2013માં તેણીને પિતા સાથે ઝઘડો થતાં તેણી તેના પિતાને પૂછયા વિના ઘરેથી જતી રહી હતી અને તેથી તેણીના પિતાએ ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેણી જાતે જ ઘેર પરત આવી ગઇ હતી. આ સમય દરમ્યાન તેણીને કોઇ લઇ ગયેલ કે તેણીની સાથે કોઇએ શરીરસંબધ બાંધેલ હોય તેવં બન્યુ ન હતું. તેણીએ આરોપીને ઓળખવાનો ઇન્કાર કર્યો છે તથા પોલીસને કોઇ કપડા આપેલ નહી હોવાનું જણાવ્યું છે. ભોગ બનનાર ભાણીએ પણ તેણીને પોતાની જન્મતારીખ યાદ નહી હોવાનું જણાવ્યું છે. ઉપરાંત કોઇ વ્યકિત તેણીને ભગાડી ગયેલ હોય કે તેણીની સાથે શરીરસંબંધ બાંધેલ હોય તેવું બનેલ નહી હોવાનું જણાવ્યું છે અને તેણીએ પણ પોલીસને કોઇ કપડા આપેલ નહી. આમ, ઉપરોકત સમગ્ર પુરાવો ધ્યાને લેતાં, જયારે મહત્વના સાહેદ ભોગ બનનારે જ આરોપીઓ વિરૂધ્ધ કોઇ પુરાવો આપ્યો ન હોય ત્યારે આ કામના આરોપીઓને તેમની સામેના આક્ષેપિત ગુનામાં તકસીરવાન ઠરાવી શકાય નહી. બચાવપક્ષની ઉપરોકત દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો સ્પેશ્યલ જજ શ્રી વિનોદ વી.પરમારે ઉપરમુજબ મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.
બોક્ષ – શું હતો પોકસોનો ચકચારભર્યો આ કેસ…
ચકચારભર્યા એવા આ કેસની વિગતો એવી છે કે, સરદારનગર વિસ્તારમાં આરોપી વિશાલ કાંતિભાઇ ચંદુભાઇ રાઠોડ(છારા)(મૂળ રહે.જીવણપરા, તા.મોડાસા, જિ.સાબરકાંઠા) અને હરેશ બુધાભાઇ ચૌહાણ(પ્રજાપતિ)(રહે.રણજીતભાઇ ઠાકોરના મકાનમાં, ખોડિયારનગર વિ-3, નોબલનગર, સરદારનગર, અમદાવાદ-મૂળગામ સુદામડા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર) ફરિયાદીની સગીર વયની દિકરી તથા ભાણી(ભોગ બનનાર)ને ગત તા.10-07-2013ના રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે માયા સિનેમાથી બંને ભોગ બનનારને મોટર સાયકલ પર બેસાડી એરપોર્ટ પર લઇ ગયા હતા અને રાત્રિ દરમ્યાન તેમની સાથે રોકાયા હતા. ત્યારબાદ આરોપી વિશાલ રાઠોડે ફરિયાદીની ભોગ બનનાર સગીર દિકરીને તેમ જ આરોપી હરેશ ચૌહાણે ભોગ બનનાર સગીર વયની ભાણીને એકબીજાની મદદગારીથી લગ્ન કરવાની લાલચ આપી લગ્ન બાહ્ય સંભોગ કરવાના ઇરાદે ફરિયાદીની જાણ બહાર કે સંમંતિ વિના તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઇ ગયા હતા. આરોપી વિશાલ રાઠોડે ફરિયાદીની ભોગ બનનાર દિકરીને પોતાના વતન જીવણપરા ખાતે ચારેક દિવસ રાખી તેમ જ બમરાલો ખાતે સાહેદ નં-14ના ઘેર લઇ જઇ તા.16-8-2013 સુધી રાખી હતી અને તે સમયગાળા દરમ્યાન આરોપી વિશાલ રાઠોડે તેણીની પર તેણીની ઇચ્છા અને મરજી વિરૂધ્ધ અવારનવાર બળાત્કાર સંભોગ કર્યો હતો. આ જ પ્રકારે આરોપી હરેશ ચૌહાણે પણ ફરિયાદીની સગીર વયની ભોગ બનનાર ભાણીને ખોડિયારનગર વિ-3, નોબલનગર ખાતે તા.16-8-2013 સુધી રાખી તેણીને ધાકધમકીઓ આપી તેણીની ઇચ્છા અને મરજી વિરૂધ્ધ અવારનવાર બળાત્કાર સંભોગ કર્યો હતો. જેને લઇ ભોગ બનનારના પિતા-મામાએ તા.15-7-2013ના રોજ આરોપી વિશાલ કાંતિભાઇ ચંદુભાઇ રાઠોડ(છારા)(રહે.જીવણપરા, તા.મોડાસા, જિ.સાબરકાંઠા) અને હરેશ બુધાભાઇ ચૌહાણ(પ્રજાપતિ)(રહે.રણજીતભાઇ ઠાકોરના મકાનમાં, ખોડિયારનગર વિ-3, નોબલનગર, સરદારનગર, અમદાવાદ-મૂળગામ સુદામડા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર) વિરૂધ્ધ સરદારનગર પોલીસમથકમાં આઇપીસીની કલમ-363,366,376,506,114 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ03,4,5 અને 6 મુજબના ગુના અંગેની ફરિયાદ નોંધાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news