મહેસાણા સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે આરોપી દિક્ષીત મિસ્ત્રીની જામીન અરજી ધરાર ફગાવી દીધી – ચુકાદામાં આરોપીની વર્તણૂંક અને ગુના સબબ ગંભીર અવલોકન
આરોપી દિક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ મહેસાણા સીટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથક તેમ જ ઇડર મુકામે છેતરપીંડી અંગેના જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી વિરૂધ્ધ આવા જ ગુનાઓ સંબંધે ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થયેલી છે. વળી, મરણ જનારે આત્મહત્યા પહેલા પોતાના વીડિયો ઉતારી વીડિયો કલીપમાં એફએક્સ બુલ કંપનીમાં એ લોકો પર વિશ્વાસ કરીને પૈસા આપ્યા ને ફસાઇ ગયા તેવું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે – મહેસાણા સેશન્સ કોર્ટ
આરોપી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો અને બોમ્બે એરપોર્ટ પરથી પકડાયેલ છે, તેથી આરોપીની વર્તણૂંક ધ્યાને લેતાં જામીન મુકત થયા બાદ નાસી ભાગી જવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. વળી, હાલના તબક્કે જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડા કરી શકે અને સાહેદોને ધમકાવી ફોસલાવી શકે તેવી શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે – મહેસાણાના એડિશનલ સેશન્જ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેય
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ એવા આ કેસમાં એફએકસ બુલ લિ. કંપનીના માલિક આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)ની રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે.
એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ તેમના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, પોલીસ પેપર્સ સાથે મરણ જનારના મોત બાબતે રજૂ થયેલા પેપર્સ જોતાં આ કામના ફરિયાદી તેમ જ તેમના ભાઇએ આરોપીઓ વિરૂધ્ધ શરૂઆતથી જ ગંભીર આક્ષેપો કર્યા છે અને તેના સમર્થનમાં સાંયોગિક પુરાવા પણ લાવીને રજૂ કર્યા છે. અરજદારનું એફઆઇઆરમાં પહેલેથી જ નામ સામેલ છે. હાલના અરજદારે મરણજનારને પોતાની સહીવાળા ચેકો આપેલા જે રિટર્ન થયા હોવાછતાં મરણ જનારને પૈસા પરત નહી આપી આરોપી પ્રદીપ ચૌધરીએ મરણ જનાર ગર્ભવતી મહિલાને પૈસા નહી મળે, થાય એ કરી લે એવી ધમકી આપ્યાનો પણ ગંભીર આક્ષેપ છે. વળી, હાલના આરોપી દિક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ મહેસાણા સીટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથક તેમ જ ઇડર મુકામે છેતરપીંડી અંગેના જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી વિરૂધ્ધ આવા જ ગુનાઓ સંબંધે ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થયેલી છે. વળી, મરણ જનારે આત્મહત્યા પહેલા પોતાના વીડિયો ઉતારી વીડિયો કલીપમાં એફએક્સ બુલ કંપનીમાં એ લોકો પર વિશ્વાસ કરીને પૈસા આપ્યા ને ફસાઇ ગયા તેવું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે. આ સંજોગોમાં અરજદાર આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બનતો હોઇ અને આ કેસની તપાસ હાલ નાજુક તબક્કામાં હોઇ આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. ખાસ કરીને સરકારી વકીલની દલીલો, તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું અને પીએમ રિપોર્ટ ધ્યાને લેતાં બનાવ સમયે મરણ જનારને સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો, તો કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતિમાં કયા સંજોગોમાં આત્મહત્યા કરેલ છે તે ગંભીર તપાસનો વિષય બને છે.
મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ વધુમાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, રેકર્ડ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, આ બહુ મોટી રકમની ઉચાપતનો કેસ બને છે, જે બાબતે ઉંડી તપાસ થવાની જરૂરિયાત જણાઇ આવે છે. હાલનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હોઇ સહ આરોપીઓ સાથે રાખી તપાસ થવી જરૂરી છે અને તેથી આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ ખૂબ જરૂરી છે. ઉપરાંત, હાલનો આરોપી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો અને બોમ્બે એરપોર્ટ પરથી પકડાયેલ છે, તેથી આરોપીની વર્તણૂંક ધ્યાને લેતાં જામીન મુકત થયા બાદ નાસી ભાગી જવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. વળી, હાલના તબક્કે જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડા કરી શકે અને સાહેદોને ધમકાવી ફોસલાવી શકે તેવી શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.
આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)ની જામીન અરજી ફગાવાઇ
આરોપી દિક્ષીત મિસ્ત્રીની જામીન અરજીનો ફરિયાદપક્ષ તરફથી સખત વિરોધ કરતાં સિનિયર એડવોકેટ શ્રી એસ.જી.શાહે ધારદાર દલીલો કરતાં જણાવ્યું કે, હાલનો આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી એફએક્સ બુલ કંપનીનો માલિક છે અને આ સમગ્ર ગુનામાં તેની બહુ ગંભીર અને સક્રિય સંડોવણી પુરાવાઓ પરથી પ્રસ્થાપિત થાય છે. અગાઉ આ કેસમાં બંને આરોપીઓ પ્રદીપ સાલુ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વળી, હાલના આરોપી દિક્ષીત મિસ્ત્રીની પણ આ કેસમાં સક્રિય સંડોવણી છે અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે. હાલના આરોપી દિક્ષીત મિસ્ત્રી વિદેશમાં નાસી જવાની ફિરાકમાં હતો અને બોમ્બે એરપોર્ટ પરથી રંગેહાથ પકડાઇ ગયો છે. આ કેસમાં મરણ જનાર ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરી અને હાલના આરોપી છ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. હાલના અરજદારની સહીવાળા ચેકો પણ મરણ જનાર મહિલા મેનેજરને આપવામાં આવ્યા હતા, જે રિટર્ન થયા હતા. મરણ જનારે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં આરોપીઓએ પૈસા નહી મળે, થાય એ કરી લે એમ કહી તેણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી.
ફરિયાદપક્ષ તરફથી સખત વિરોધ કરતાં સિનિયર એડવોકેટ શ્રી એસ.જી.શાહે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, અરજદાર આરોપી ગુનાહિત માનસિકતા અને પ્રવૃત્તિ ધરાવતાં ટેવવાળો છે અને તેથી જો તેને જામીન પર મુકત કરાય તો, ટ્રાયલ સમયે તે હાજર રહેશે નહી અને નાસી ભાગી જવાની પણ પૂરી શકયતા છે. મરણજનાર ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીએ ભારે વિશ્વાસથી આરોપીઓની કંપની એફએક્સ બુલ કંપનીમાં પૈસા આપ્યા હતા, જેમાં હાલના આરોપી દિક્ષીત મિસ્ત્રીએ પણ પોતાની સહીવાળા ચેકો આપ્યા હતા. આરોપી દિક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ આ પ્રકારના ગુના સંદર્ભે ત્રણ જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે. આ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં હાલનો ગુનો આચર્યો છે અને સાડા પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો ગંભીર અને સંવેદનશીલ ગુનો આચર્યો છે. આમ, આરોપી વિરૂધ્ધ ગંભીર, અતિ સંવેદનશીલ અને પ્રથમદર્શનીય ગુનો બનતો હોઇ તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. દરમ્યાન આરોપી દિક્ષીત મિસ્ત્રી તરફથી કરાયેલી જામીનઅરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી એપીપી શ્રી પી.કે.દવેએ પણ મહત્વની દલીલો કરી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ મહેસાણાના એડિશનલ સેશન્સ જજ શ્રીમતી માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ ફરિયાદપક્ષ અને સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી દિક્ષીત મિસ્ત્રીની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
#bharatmirror #bharatmirror21 #news