બનાસકાંઠા કલેકટર કમ અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો બંધ છે પરંતુ અંબાજીને સ્વચ્છ રાખવોનો તંત્રનો નિર્ધાર ચાલુ છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.19
મા અંબેના ધામ અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો રાત-દિવસ તૈનાત છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે પ્રતિવર્ષ ભાદરવા માસમાં યોજાતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બંધ છે પરંતુ બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં ભાદરવી પૂનમ-૨૦૨૧ દરમ્યાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવેલુ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીની સફાઈ માટે રાજદીપ એન્ટરપ્રાઈઝ, ગાંધીનગરની એજન્સી નિયુકત કરેલી છે. આ એજન્સી દ્વારા નિયમિત સફાઈ માટે ૧૪૮ સફાઈ કામદારો રાખવામાં આવેલા છે.
ભાદરવી પૂનમે આવતા યાત્રાળુઓને ધ્યાને લઇ વધારાના ૪૫૦ સફાઈ કામદારો રાખવામાં આવ્યાં છે. આમ, મા અંબેના ચાચર ચોકની સફાઈ માટે કુલ-૫૯૮ સફાઈ કામદાર સૈનિકો દ્વારા સ્વચ્છતા કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમ–૨૦૨૧ દરમ્યાન તા. ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૧ થી તા.૨૨ સપ્ટેમ્બર-૨૦૨૧ દરમ્યાન સફાઈની કામગીરી સુદ્રઢ બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા સફાઈ સુપરવીઝનની ટીમની રચના કરી સફાઈનું સુપરવીઝન કરી સ્વછતા બાબતની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે.
સુપરવીઝન માટે સાત રૂટ બનાવી મા અંબેના ધામની સ્વચ્છતાની પૂરે પૂરી કાળજી રાખવામાં આવી રહી છે. જેમાં રૂટ નં. ૧ સમગ્ર મંદિર ચાચર ચોક, પોડીયમ ગેટ, શકિતદ્વાર થી પિત્તળ ગેટ ફલાય ઓવરબ્રિજની બંને બાજુ શોપીંગની ગેલેરી, શકિતદ્વાર થી સર્વે નં.૯૦ બસ સ્ટેન્ડ સુધી, રૂટ નં. ર ડી. કે. ત્રિવેદી સર્કલ થી જુનાનાકા થઈ આર.ટી.ઓ. કચેરી સુધીના સમગ્ર રોડની બંને સાઈડના વિસ્તારની ગબ્બર તળેટી સુધી, રૂટ નં. ૩ ગેટ નં. ૭ થી લઈ ડી. કે. ત્રિવેદી સર્કલ સુધી રોડની બંને સાઈડ, જુની સાગર ફેકટરીથી લઈ ગેટ નં. ૭ થઈ ખોડીયાર ચોક, જુના ભોજનાલય સહિત, રૂટ નં. ૪ જુનાનાકાથી વી.આઈ.પી. રોડ માન સરોવર થઈને કૈલાશ ટેકરી ઢાળ સુધી, રૂટ નં. ૫ ગબ્બર ટોચ, ગબ્બર તળેટી, ગબ્બર (આબુ રોડ) સર્કલથી ગબ્બર રોડની બંને સાઈડ, રૂટ નં. ૬ ડી. કે. ત્રિવેદી સર્કલથી મયુરદ્વાર (હિંમતનગર રોડ) સુધી રોડની બંને સાઈડ. રૂટ નં. ૭ ડી. કે. ત્રિવેદી સર્કલથી સિંહદ્વાર સુધી (દાંતા રોડ) બંને સાઈડ.
સફાઈની કામગીરીનું સુપરવીઝન માટે જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા સ્વચ્છતા સમિતિની રચના કરી છે. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વચ્છતાનું સહવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં પ્રોફેસર કક્ષાના બે કર્મચારીઓની તેમજ તેઓની સાથે કુલ–૨૮ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલી છે, જે અંબાજીથી દાંતા તેમજ અંબાજીથી હડાદ સુધીના માર્ગો ઉપર દર પાંચ કિ.મી. એ એક ટ્રેકટર અને પાંચ સફાઈ કામદારો સાથે રોડની બંને સાઈડ ઉપર સફાઈ કરવામાં આવી રહી છે, તેમજ સમગ્ર અંબાજી ગામ, ગબ્બરનો તમામ વિસ્તાર તથા દાંતાથી અંબાજી તેમજ હડાદથી અંબાજી સુધીના માર્ગોની સફાઈનું સુપરવીઝન આ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંબાજી ગ્રામજનો અને માઈભક્તોને રસ્તા ઉપર કચરો ન ફેંકવા અને પ્રશાસન દ્વારા સફાઈ અંગે કરેલ વ્યવસ્થામાં પુરતો સહકાર આપવા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news