દાવાઓની પતાવટ સમયસર નહી કરતી અને ભારે વિલંબ દાખવતી વીમા કંપનીઓને લપડાક સમાન ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનનો સીમાચિહ્નરૂપ ચુકાદો
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા મહેસાણા જિલ્લાના કડી સ્થિત કોટન મીલના આગના બનાવમાં દાવાની રકમ વિલંબથી ચૂકવવાના ગંભીર કેસમાં ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો
ગાંધીનગર ગ્રાહક કમિશનનો આ ચુકાદો વીમા કંપનીઓને દાવાના સમયસર નિકાલ અને ફરિયાદી ગ્રાહકોને સમયસર તેમના વીમાના અંગેના દાવાની રકમ ચૂકવવા ફરજ પાડશે. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને કારણે વીમાકંપનીઓને એક રીતે લપડાક પડી છે – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.17
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા મહેસાણા જિલ્લાના કડી સ્થિત કોટન મીલ ના આગના બનાવમાં દાવાની રકમ વિલંબથી ચૂકવવાના ગંભીર કેસમાં ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ આદેશ મારફતે પોલીસી હોલ્ડર ને એટલે કે ફરિયાદી કંપનીને વ્યાજખાધની નુકસાની અપાવતો અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી ડી.ટી.સોની અને મેમ્બર શ્રી જીગર પી. જોશી ની બેન્ચે ફરિયાદી ગ્રાહક કંપનીને તેના વિમા અંગેના દાવાનો સમયસર નિકાલ નહી કરનાર વીમા કંપની એટલે કે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડને 11 મહિનાનું રૂપિયા 3.36 કરોડની રકમ પર વાર્ષિક 9% લેખેનું વ્યાજ ચૂકવી આપવા ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોને દાવાઓની ચૂકવણી કરવામાં આવતા વિલંબ અને તેનો સમયસર નિકાલ નહીં કરાતો હોવા અંગેના કેસમાં ગાંધીનગર ગ્રાહક કમિશનનો આ મહત્વપૂર્ણ ચુકાદો ઘણો જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે.
ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી ડીટી સોની અને સભ્ય શ્રી જોશીએ મહેસાણા જિલ્લાના કડી સ્થિત પશુપતિ કોટ્સપીન લિમિટેડના ડિરેક્ટર શ્રી દક્ષેશભાઈ પટેલની સામાવાળા વીમા કંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરૂધ્ધની ફરિયાદ અંશતઃ મંજૂર કરીને ફરિયાદીને વ્યાજખાધની રકમ ચૂકવી આપવા પ્રતિવાદી વીમા કંપનીને ખૂબ જ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. ગાંધીનગર ગ્રાહક કમિશનના આ સીમાચિન્હરૂપ ચુકાદાને આવકારતા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે જણાવ્યું હતું કે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો આ હુકમ રાજ્યના અન્ય ગ્રાહકો માટે પણ ઘણો જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે કારણ કે વીમા કંપનીઓ દ્વારા ફરિયાદી ગ્રાહકોના વીમા અંગેના દાવાઓ ની પતાવટમાં ઘણા લાંબા સમયનો વિલંબ દાખવવામાં આવતો હોય છે તેમ જ તેઓના દાવાની પતાવટ માં સમયસર નિકાલ કરવામાં આવતો નહીં હોવાથી રાજ્યના હજારો ગ્રાહકો ભારે હાલાકી અને મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા હતા પરંતુ હવે ગાંધીનગર ગ્રાહક કમિશનનો આ ચુકાદો વીમા કંપનીઓને દાવાના સમયસર નિકાલ અને ફરિયાદી ગ્રાહકોને સમયસર તેમના વીમાના અંગેના દાવાની રકમ ચૂકવવા ફરજ પાડશે. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને કારણે વીમાકંપનીઓને એક રીતે લપડાક પડી છે.
આ કેસમાં ફરિયાદીએ ગાંધીનગર જિલ્લાના કલોલ સ્થિત વીમા કંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી ત્રણ પોલીસી મેળવી હતી અને પોલીસી ધારક કુલ ત્રણ પોલીસ દ્વારા રૂપિયા ૧૪ કરોડના વીમાથી સુરક્ષિત બન્યા હતા. વિમાથી સુરક્ષિત પોલીસી હોલ્ડરના કોટન, કોટન કાપડની ગાંસડીઓ વગેરે સ્ટોક વિમાથી સુરક્ષિત હતો. જો કે, એક દુર્ઘટનામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે વિમાથી સુરક્ષિત સ્થળ અને આશરે રૂપિયા ચાર કરોડનું નુકસાન થયું હતું. જેથી પોલીસી ધારક ગ્રાહકે તાત્કાલિક વીમા કંપનીને ઇન્ટીમેશન આપતા બીજા જ દિવસે વીમાકંપની દ્વારા નિયુક્ત સર્વેયરે ગોડાઉનની મુલાકાત લઇ વિગતવાર સર્વે કર્યો હતો.
જો કે, વીમા કંપનીના સર્વેયરે આગના બનાવમાં પેમેન્ટ ચૂકવવા બાબતે 21 મહિનાનો વિલંબ કર્યો હતો, તો વીમા કંપનીએ સર્વે કર્યા બાદ તારીખ 18-3-2019 ના રોજ સર્વે રિપોર્ટ સબમિટ કરવામાં પણ દસ મહિનાનો વિલંબ દાખવ્યો હતો. વીમા કંપનીએ તારીખ 15-1-2020 ના રોજ ક્લેઇમ સેટલ કરીને તારીખ 3-2-2020 ના રોજ ફુલ એન્ડ ફાઈનલ પેમેન્ટના નામે પોલીસી ધારકને રૂપિયા ત્રણ કરોડ 36 લાખ 34 હજાર 692 પુરા ચૂકવી આપ્યા હતા.
જોકે વીમા કંપનીના સર્વેયરે સર્વે રિપોર્ટ સબમિટ કરવામાં 10 મહિનાનો સમય લીધો હતો અને ત્યારબાદ વીમા કંપનીએ પેમેન્ટ ચૂકવવામાં બીજા 11 મહિનાનો વિલંબ દાખવ્યો હતો, જેથી ફરિયાદીએ કુલ ૫૫ લાખ, 49 હજાર, 724 પુરાની રકમની વ્યાજ ખાધની નુકશાની અંગે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ શ્રી શ્રીકાંત ઠાકોરે મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે વીમા કંપનીની દાવાનો નિકાલ સમયસર નહીં કરીને જે સેવામાં ખામી રાખી અને બેજવાબદારી દર્શાવી તે કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીસ સાબિત કરે છે. વીમાકંપની તરફથી ગંભીર નિષ્કાળજી અને દાવાની પતાવટમાં લાંબો વિલંબ સહિતની અન ફેર ટ્રેડ પ્રેકટીસ કાયદેસર તમામ યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ પરથી સાબિત થાય છે. વીમા કંપની તરફથી બચાવ રજૂ કરાયો હતો કે પોલીસી હોલ્ડરને ફુલ એન્ડ ફાઈનલ પેમેન્ટ ચૂકવી દેવાયુ હોય ત્યારે ફરિયાદી ગ્રાહક રહેતા નથી અને ફરિયાદ કરી શકતા નથી. ફરિયાદી લિમિટેડ કંપની હોવાથી ફરિયાદ દાખલ કરવામાં પણ છ મહિનાનો વિલંબ કર્યો છે. જોકે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખશ્રી ડી.ટી.સોની અને સભ્યશ્રી જીગર પી.જોષીએ આ ફરિયાદના કામના તમામ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ફરિયાદ અરજી જવાબ અને રિજોઇન્ડર એફિડેવિટ વગેરે સહિત તમામ દસ્તાવેજી પુરાવાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતો અને પક્ષકારોના વકીલોની દલીલો લંબાણપૂર્વક સાંભળી હતી અને ઉપર મુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.
ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી ડી.ટી.સોનીએ તેમના ચુકાદામાં ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ગાઇડલાઇન મુજબ વીમા કંપનીએ દાવાઓનો સમયસર નિકાલ કર્યો નથી. ઇરડાનો તારીખ 7-6-2016 સર્ક્યુલર ધ્યાને લેવામાં આવ્યો છે. જેથી ફુલ એન્ડ ફાઈનલ પેમેન્ટ આપ્યું છે એવું કહી ના શકાય પ્રસ્તુત કેસમાં દાવાની ચૂકવણીમાં 21 મહિનાનો થયો છે તેવી રજૂઆત છે પરંતુ 11 મહિના ના વિલંબનું વ્યાજ અપાવવું તાર્કિક અને ન્યાયોચિત લેખાશે. આથી વીમા કંપની યુનાઇટેડ નેશનલ ઇન્સ્યોરન્સ લિમિટેડ કંપનીએ ફરિયાદી ગ્રાહકને દાવાની રકમ રૂપિયા ૩.36 કરોડ ઉપર 11 મહિનાના વિલંબ બદલ ફરિયાદ દાખલ થવાની તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચૂકવી આપવા હુકમ કરવામાં આવે છે. કમીશને સ્પષ્ટપણે ઠરાવ્યું કે, 20 દિવસમાં આ હુકમનો અમલ કરવાનો રહેશે તેમ જ ફરિયાદી ગ્રાહકને વધારાના રૂ.30,000 માનસિક ત્રાસ અને આઘાતના વળતર તેમજ લીગલ કોસ્ટના પણ વીમા કંપનીએ ચૂકવી આપવાના રહેશે.
#bharatmirror #bharatmirror21 #news