નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપુની જાહેરાત
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે મોરારીબાપુની પહેલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુએ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.
પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે. નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપુને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.
પ્રસિધ્ધ શ્રી રામ કથાકાર મોરારીબાપુ દ્વારા મુખ્યંમત્રી રાહતનિધિમાં રૂ.25 લાખ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જયારે પણ કોઇ પૂર, ભૂકંપ સહિત કોઇપણ પ્રકારની કુદરતી આપત્તિ કે વિપત્તિનો સમય હોય ત્યારે પ્રસિધ્ધ શ્રી રામ કથાકાર મોરારીબાપુ દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ સિવાય પણ અનેક સમાજ સેવાના કાર્યો અથવા તો સમાજ માટે પ્રોત્સાહક બાબતોમાં પણ તેમના દ્વારા અવારનવાર પ્રોત્સાહક જાહેરાતો થતી રહેતી હોય છે, જે નોંધનીય હોય છે.
#bharatmirror #bharatmirror21 #news