પક્ષ દ્વારા ચાલતી આ સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે જ મેં રાજીનામું આપ્યું છે, મેં આજે સ્વેચ્છાએ રાજીખુશીથી મારૂં રાજીનામું આપ્યું છે – શ્રી વિજયભાઇ રૂપાણી
સંગઠન સાથે મારે કોઇ તકરાર નથી..હું વર્ષોથી સંગઠનમાં જોડાયેલો છું. નવા સીએમ હવે પક્ષ નક્કી કરશે. વડાપ્રધાન શ્રી મોદીજી આ અંગે યોગ્ય નિર્ણય લેશે – શ્રી રૂપાણી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.11
ગુજરાતના રાજકારણમાં આજે બહુ મોટો ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી અચાનક રાજીનામુ આપી દીધુ છે, જેને પગલે ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને સીએમ બનાવી જે તક આપી તેના માટે હું પક્ષનો આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રી વિજયભાઇ રૂપાણીએ એક બહુ મહત્વની પત્રકાર પરિષદને સંબોધન કરી આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં આજે સ્વેચ્છાએ રાજીખુશીથી મારૂં રાજીનામું આપ્યું છે., હવે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જે કોઇ જવાબદારી આપવામાં આવશે, તેનું હું નિષ્ઠાપૂર્વક વહન કરીશ. તેમણે ઉમેર્યું કે, આટલા વર્ષના શાસનમાં મને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ઘણું બધુ માર્ગદર્શન મળ્યું અને ઘણું શીખવા મળ્યું. હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહનો ખૂબ આભાર માનું છું.
આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમે અધૂરૂ શાસન કે ટર્મ પૂર્ણ કર્યા વિના કેમ રાજીનામુ આપ્યું એ મતલબના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કર્યું કે, આ ભારતીય જનતા પાર્ટીની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. મારા જેવા એક નાના કાર્યકરને સીએમ બનાવી મારૂ નેતૃત્વ મોટું કર્યુ..હવે આગળ પક્ષ તરફથી મને જે કોઇ જવાબદારી સોંપાશે તે હું નિષ્ઠાથી નિભાવીશ. પક્ષ દ્વારા ચાલતી આ સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે જ મેં રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન શ્રી મોદીજીના નેતૃત્વમાં જ ભાજપ દેશમાં તમામ રાજયોમાં ચૂંટણી લડી રહ્યું અને વિજય અને વિકાસની રફતાર આગળ ધપાવી રહ્યું છે.
ભાજપ સંગઠન સાથે થયેલી તકરારને લઇ તમે રાજીનામું આપ્યું છે કે કેમ તે અંગેના એક સવાલના જવાબમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કર્યું કે, સંગઠન સાથે મારે કોઇ તકરાર નથી..હું વર્ષોથી સંગઠનમાં જોડાયેલો છું અને હજુ પણ સંગઠનમાં જ છું. સંગઠન તો ભાજપની તાકાત છે. નવા સીએમ કોણ બનશે હવે તે અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે, નવા સીએમ હવે પક્ષ નક્કી કરશે. વડાપ્રધાન શ્રી મોદીજી આ અંગે યોગ્ય નિર્ણય લેશે.
આ અગાઉ આજે બપોરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તેઓએ રાજ્યપાલને મુલાકાત માટે સમય માંગ્યો હતો. રાજયપાલ સાથે મુલાકાત કર્યા બાદ પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપ્યા બાદ શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતે સ્વેચ્છાથી રાજીનામું આપ્યું હોવાની બહુ મોટી જાહેરાત કરી હતી, જેને પગલે ગુજરાતમાં બહુ મોટા રાજકીય ભૂકંપ સાથે ભારે ખળભળાટ મચી ગયો છે.
#bharatmirror #bharatmirror21 #news