સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના – રાજયમાં આજે ૧૦ જિલ્લાના ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો
વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ – રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૪૨૭.૦૬ મી.મી. વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૮૧.૫૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ : છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૫.૩૩ ટકા વાવેતર
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.7
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી રજૂ કરવામાં આવી હતી કે, રાજયભરમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક શ્રી સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૧૦ જિલ્લાના ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ૫૮ મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૦૭/૦૯/૨૦૨૧ અંતિત ૪૨૭.૦૬ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૫૦.૮૪ ટકા છે.
IMDના અધિકારીશ્રીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.
કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૧.૫૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૪.૪૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૫.૩૩ ટકા વાવેતર થયુ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૪૫ ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૧૦,૪૯૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૭૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને ૬ ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીશ્રીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.
#bharatmirror #bharatmirror21 #news