ગાંધીનગર મનપાની સાથે સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી પણ આ જ તારીખે એટલે કે, તા.3જી ઓકટોબરે યોજાશે
મતગણતરી તા.6ઠ્ઠી ઓકટોબરના રોજ હાથ ધરવામાં આવશે – ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે
રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે – ચૂંટણીની તારીખ જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
કોરોના કાળમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ પાછી ઠેલાઇ હતી, જે બાદ આખરે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર મનપાની સાથે સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખ પ્રમાણે તા.3 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જયારે તા. 6 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજય ચૂંટણી પંચ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી હતી.
આમ, હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા હસ્તગત કરવા પ્રચાર, પ્રસાર સહિતની રણનીતિની અમલવારી કરાશે.
દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ કરતાં જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો જ વિજય થશે. સત્તામાં આવવું હોય તો હંમેશા પ્રજાની વચ્ચે જવું પડે અને પ્રજાના કામો કર્યા હોય તો જ પ્રજાની વચ્ચે જઇ શકાય એમ ટોંણો મારી શ્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસ પર માર્મિક કટાક્ષ કર્યો હતો.
બીજીબાજુ, આજે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. આ સાથે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં બેઠકો ખાલી છે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે. કોરોનાની ગાઇડલાઇન સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. ઇન્ટરનેટ ઉમેદવારી ભરવાની સુવિધા પણ ઉમેદવારોને આપવામાં આવશે.
બોક્ષ – રાજય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખ – 6 સપ્ટેમ્બર
જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ – 13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ – 18 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ – 20 સપ્ટેમ્બર
ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખ – 21 સપ્ટેમ્બર
મતદાન તારીખ – 3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તો – 4 ઓક્ટોબર
મતગણતરી તારીખ – 5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ – 8 ઓક્ટોબર
#bharatmirror #bharatmirror21 #news