- અપંગતા પ્રમાણપત્રોની ખરાઇ કર્યા વિના તેની પર આધાર રાખી શકાય નહી – ગુજરાત હાઇકોર્ટ
- ટાટા એઆઇજી ઇન્શ્યોરન્સ કંપનીએ એડવોકેટ કિર્તી એસ.પાઠક મારફતે કરેલી રિટ અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવા સાથે મહત્ત્વનો ચુકાદો અપાયો
અમદાવાદ: 10 માર્ચ 2026:
મોટર વાહન અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે રાજયની મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને વળતરના વીમા કેસોમાં ઉપયોગમાં રજૂ કરાતાં તૈયાર અપંગતા પ્રમાણપત્રોથી સાવધ રહેવા ચેતવણી આપી છે. જસ્ટિસ હસમુખ ડી. સુથારે જણાવ્યું હતું કે, મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સ વળતરના કેસોમાં અપંગતા પ્રમાણપત્રોની પ્રમાણિકતા(જેન્યુઇનનેસ)ની કાળજીપૂર્વક તપાસ કર્યા વિના કે તેને વેરીફાઇ કર્યા વિના તેની પર આધાર રાખી શકે નહી. હાઇકોર્ટે એવી પણ ગંભીર માર્મિક ટકોર કરી હતી કે, એવા પણ ડોકટરો છે, જેઓ વળતરનો દાવો કરવા માટે પ્રમાણપત્રનો ઉપયોગ કરવા માંગતા વ્યકિતની તબીબી તપાસ કર્યા વિના પણ ઉપયોગમાં રજૂ કરવા તૈયાર અપંગતા પ્રમાણપત્રો આપવા તૈયાર હોય છે. મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલો આવા રેડી ટુ યુઝ અપંગતા પ્રમાણપત્રો તેની પૂરતી ચકાસણી કે ખરાઇ કર્યા વિના તેને સ્વીકારી શકે નહી.

હાઇકોર્ટે જયારે પણ વીમા કે વળતર અગેના કેસોમાં આવા અપંગતા પ્રમાણપત્રો રજૂ થાય ત્યારે ટ્રિબ્યુનલોએ તેની પૂરતી ખરાઇ અને ચકાસણી કરી સક્રિય ભૂમિકા ભજવવી જોઇએ. જયારે પણ આવા રેડી અપંગતા પ્રમાણપત્રો રજૂ કરવામાં આવે ત્યારે ટ્રિબ્યુનલ મૂક પ્રેક્ષક બનીને બેસી શકે નહી. ટ્રિબ્યુનલ આ સમગ્ર મામલામાં નિર્ણય લેવાની નિર્દેશક ભૂમિકામાં હોય છે.
ટાટા એઆઇજી ઇન્શ્યોરન્સ કંપની તરફથી એડવોકેટ કિર્તી એસ.પાઠક મારફતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે વધુમાં, સંબંધિત દાવેદારની અપંગતાના મૂલ્યાંકન કે ચકાસણી માટે જિલ્લા તબીબી બોર્ડ સમક્ષ હાજર કરવા માટે ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરવાની પરવાનગી આપી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો દાવેદાર આવા નિર્દેશ છતાં મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવામાં નિષ્ફળ જાય તો ટ્રિબ્યુનલ વળતરના દાવાનો નિર્ણય લેતી વખતે નિર્દેશનું પાલન નહી કરવા અંગે નકારાત્મક નિષ્કર્ષ કાઢી શકે છે.

હાઇકોર્ટે આ કેસમાં મહત્ત્વનું અવલોકન કરતાં જણાવ્યું હતું કે, મોટર વાહન અધિનિયમ-૧૯૮૮( માર્ગ અક્સ્માતનો ભોગ બનેલ લોકોને વળતર) હેઠળ વળતરની કાર્યવાહીમાં ઇજાગ્રસ્ત વ્યકિતઓને સહાય કરવા અને વળતર અપાવવાના ઉદ્દેશ્ય સાથેનો છે પરંતુ સીસ્ટમનો દૂરપયોગ પણ થઇ શકે છે. ઘણીવાર અનૈતિક તત્વો આવા પરોપકારી કાયદાનો દૂરપયોગ અને બનાવટી રેકર્ડ અથવા તબીબી દસ્તાવેજો રજૂ કરવા સાથે તેનો ગેરલાભ લેવાય છે.
વર્ષ ૨૦૧૭ના એક મોટર અકસ્માત વળતરના દાવામાંથી ઉભા થયેલા આ કેસમાં અરજદાર વીમા કંપનીની વળતર માટે દાવો કરનાર દાવેદારની અપંગતાના પુનઃમૂલ્યાંકન માટેની વિનંતીને ટ્રિબ્યુનલ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. આ કેસમાં દાવેદાર દ્વારા અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ, સર્જરી, આંગળી કાપવી અને હાથના અમુક હાડકા દૂર કરવાથી ૯૦ ટકા અપંગતા આવી હોવાનો દાવો કરાયો હતો અને આ માટે અપંગતા પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, વીમા કંપનીએ તેની સામે વાંધો ઉઠાવી હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીમાં એડવોકેટ કિર્તી એસ.પાઠકે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, અપંગતા પ્રમાણપત્ર એક ડોકટર દ્વારા જારી કરવામાં આવ્યું છે કે જેણે ઘાયલ વ્યકિતની સારવાર કરી જ ન હતી, તેથી જિલ્લા મેડિકલ બોર્ડ દ્વારા દાવેદારની અપંગતાનું પુનઃમૂલ્યાંકન થાય તે ખૂબ જરૃરી છે. આવા રેડી ટુ યુઝ અપંગતા પ્રમાણપત્રો પર વિશ્વાસ રાખી શકાય નહી અને તેની ખરાઇ કે ચકાસણી કરી તેની અધિકૃતતા સાચી સાબિત થવી પણ એટલી જ જરૃરી છે, તેથી દાવેદારને બોર્ડ સમક્ષ પુનઃ મૂલ્યાંકન માટે હાજર કરવા વીમા કંપની તરફથી માંગણી કરાઇ હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરોકત ચુકાદો જાહેર કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratHighCourtWarnsTribunalsAvoidReadyToUseDisabilityCertificates #GujaratHighCourt #WarningTribunals #MotorVehicleAccidentCases #TataAIGInsuranceCompany #ahmedaba




