- ૯૮ વર્ષના વિનુભાઇની સનદ ગુજરાત બાર કાઉન્સીલમાં સૌથી જૂની ૧૯૫૫ના વર્ષની, તેમની ૭૦ વર્ષની વકીલાત
- ૯૮ વર્ષની વયોવૃધ્ધ અવસ્થામાં પણ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઇ વકીલઆલમને ખાસ કરીને યુવા વકીલોને એક અનોખો સંદેશો આપ્યો
- ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, અમદાવાદમાં ૫૪ ટકા મતદાન, જિલ્લા તાલુકા મથકોએ મોટાપાયે મતદાન
અમદાવાદ: 07 માર્ચ 2026:
ગુજરાત બાર કાઉન્સીલની ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં ભાવનગરમાં ૯૮ વર્ષના ગાંધીવાદી અને વયોવૃધ્ધ એડવોકેટ વિનુભાઇ ગાંધીએ મતદાન કરી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો અને યુવા વકીલોને અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. સૌથી નોંધનીય વાત એ છે કે, બાર કાઉન્સીલમાં નોંધાયેલી સાથી જૂની સનદ ૯૮ વર્ષના વિનુભાઇની છે અને તે પણ છેક ૧૯૫૫ની નોંધાયેલી. તેમની ૭૦ વર્ષથી વધુની વકીલાત છે. ૧૯૮૯-૯૦માં તેઓ બાર કાઉ.ના ચેરમેન પદે પણ રહી ચૂકયા છે. ગાંધીવાદી વિચારધારામાં માનનારા અને ગાંધીવાદી ટોપી અને ખાદીના કપડા પહેરી માત્ર વકીલઆલમને જ પરંતુ સમગ્ર સમાજને એક અનોખો સંદેશો આપનારા ૯૮ વર્ષીય વયોવૃધ્ધ વકીલ વિનુભાઇ ગાંધી ગઇકાલના મતદાનમાં સોૈની ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આટલા વર્ષે પણ મતદાન કરવાની ઝંખના અને વકીલઆલમના હિત અને કલ્યાણ માટે મતદાનનું મહત્ત્વ સમજાવતાં વિનુભાઇ ગાંધીએ યુવા વકીલોને જાણે એક જોશ અને ઉત્સાહભરી નવી રાહ ચીંધી હતી.

બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગઇકાલે ગુજરાત બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણી યોજાઇ હતી. વકીલઆલમ માટે બહુ મહત્ત્વની એવી બાર કાઉન્સીલની ચૂંટણી રાજયભરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદ શહેરમાં આશરે ૫૪ ટકા જેટલું વોટીંગ નોંધાયું હતુ, જેની સામે જિલ્લા-તાલુકા મથકોએ ભારે અને મોટી સંખ્યામાં વકીલોએ મતદાન કર્યું હતું. મહેસાણા, પાલનપુર, કચ્છ, ગોધરા જેવા નાના સેન્ટરો અને જિલ્લા-તાલુકાના પંથકોમાં તો ૮૦ ટકા કે તેથી પણ વધુ મતદાન નોંધાયુ હતું. સાંજે ૬-૦૦ વાગ્યે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મતપેટેીઓ સીલ કરી ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરીયમ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ હતી. હવે તા.૯મી માર્ચથી બાર કાઉન્સીલની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી શરૃ થશે અને તા.૧૪મી માર્ચ સુધીમાં પરિણામો આવી જશે.
તો, ગુજરાત યુનિવર્સિટીના અટલ કલમ(કન્વેન્શન હોલ) ખાતે ખસેડાયેલા નવા મતદાન મથક પર આજે વહેલી સવારથી જ વકીલ મતદારોની બહુ મોટી લાંબી લાઇનો લાગી હતી પરંતુ હોલની બહાર ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં મંડપ કે શમીયાણો પણ નહી બંધાતા વકીલો ગરમીમાં જબરદસ્ત કંટાળ્યા હતા. જેમાં કેટલાક વકીલ મતદારો તો કંટાળીને મતદાન કર્યા વગર જ જતા રહ્યા હતા. મહિલાઓ, બિમાર અને અશકત વકીલો માટે ખુરશીઓ કે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધાં નહી કરાતાં વકીલ મતદારોમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ હતી.
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં ત્યાંના ચાર હજારથી વધુ વકીલો માટે યોજાયેલા મતદાનમાં લગભગ બે હજાર જેટલા વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. તો, અમદાવાદમાં(યુનિ.ખાતેના મતદાનથકે) ૧૪૦૦૦થી વધુ મતદારો પૈકી સાડા સાત હજાર જેટલા વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. તો, મહેસાણા, પાલનપુર, કચ્છ, ગોધરા, સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર, અમરેલી, ડીસા સહિતના જિલ્લા-તાલુકા કક્ષાએ ૭૦થી ૮૦ ટકા કે તેથી પણ વધુનું ઉંચુ મતદાન નોંધાયું હતું. આ વખતે સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોના બદલે ૨૩ સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ, ૩૦ ટકા મહિલા અનામત રાખવાની હોવાથી પાંચ બેટકો મહિલા વકીલોના ફાળે આવશે. જયારે બે બેઠકો કો-ઓપ્શનથી ભરાશે.
આ વખતની ચૂંટણીમાં ૭૯ પુરૃષ ઉમેદવારો અને ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. સૌપ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મહિલા વકીલ ઉમેદવારો મેદાનમાં હોઇ મહિલા વકીલ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડી હતી. અમદાવાદ સહિત રાજયભરમાં મળી આશરે કુલ ૧૫૦ થી વધુ મતદાન મથકો પર ૪૫૦થી વધુ પોલીંગ ઓફિસરોની ઉપસ્થિતિ વચ્ચે સૌપ્રથમવાર લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરાની નીગરાની હેઠળ રાજયભરમાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં પ્રેફરેન્સીયલ વોટીંગ પધ્ધતિથી મતદાન થતુ હોઇ તેની મતગણતરીમાં પાંચ-છ દિવસ લાગી જતા હોય છે એમ ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncil #GujaratBarCouncilElectionsPeacefullyConcluded #BarCouncilElections #AgeGandhiVinubhaiGandhi #ahmedaba



