- ઇમ્પેક્ટ ફીને લઇ ગુજરાત હાઇકોર્ટનો બહુ મહત્ત્વનો ચુકાદો, હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યુ કે, આવો કોઇપણ નિર્ણય લેતાં પહેલાં અરજદારોને સાંભળવા જરૂરી
- વિવિધ અરજદારો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શાર્વિલ પી. મજમુદારની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રાજકોટ મનપાના ઇમ્પેકટ ફીની અરજીઓ નામંજૂર કરવાના નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો
- અમદાવાદ સહિત રાજયના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પેન્ડીંગ ઇમ્પેક્ટ ફી અંગેની લાખો અરજીઓમાં હાઇકોર્ટનો ચુકાદો માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે
અમદાવાદ, રાજકોટ; 18 માર્ચ 2026:
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, પેનલ એડવોકેટના અભિપ્રાય માત્રના આધારે ઇમ્પેક્ટ ફીની અરજી નિર્ણિત ના થઇ શકે. કોર્પોરેશન સત્તાવાળાઓ(અર્ધ ન્યાયિક સત્તામંડળ) કે સત્તાધીશોએ આવી અરજીઓ નિર્ણિત કરતાં પહેલાં સંબંધિત અરજદારોને સુનાવણીની પૂરતી તક આપવી જરૃરી છે. ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એકટ-૨૦૨૨ અન્વયે ઇમ્પેક્ટ ફી અંગેની બાંધકામો નિયમિત કરવાની જુદી જુદી અરજીઓ નામંજૂર કરવાના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર.મહેતાએ ગેરકાયદે અને રદબાતલ જાહેર કર્યા હતા અને તમામ કિસ્સામાં મેટર નવેસરથી રાજકોટ મનપા સત્તાધીશોને રિમાન્ડ કરી હતી અને અરજદારોની અરજીઓ પર કુદરતી ન્યાયના સિધ્ધાંત અને કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો.

અમદાવાદ સહિત રાજયના જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇમ્પેક્ટીની લાખો અરજીઓ પડતર છે ત્યારે ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો ઘણો માર્ગદર્શક અને મહત્ત્વનો મનાઇ રહ્યો છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ક્રયું હતું કે, કાનૂની અભિપ્રાય પર આધાર રાખવો એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સહાયભૂત થઇ શકે પરંતુ માત્ર આવા કાનૂની અભિપ્રાય(પેનલ એડવોકેટના)ના આધાર પર પસાર કરાયેલ હુકમ કે લેવાયેલો નિર્ણય કાયદાની નજરમાં ટકતો નથી. વળી, સત્તાધીશો કેસની હકીકતોની સ્વતંત્ર રીતે તપાસ કરવા, રેકોર્ડ પરના મટીરીયલ્સનું મૂલ્યાંકન કરવા અને લીધેલા નિર્ણયના સમર્થનમાં મજબૂત કારણો આપવા માટે બંધાયેલા છે.

જસ્ટિસ નિરલ આર.મહેતાએ રાજકોટ મનપા સત્તાધીશોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં રાજકોટ મનપાના સંબંધિત અધિકારીઓએ કુદરતી ન્યાયના સિધ્ધાંતોનું સ્પષ્ટ અને ઘોર ઉલ્લંઘન કર્યું છે. આ પ્રકારે વાંધાજનક હુકમ કરતાં પહેલાં સત્તાધીશોએ અરજદારોને સુનાવણીની પૂરતી તક પણ પૂરી પાડી નથી અને તેથી હુકમ જાતે જ હકીકતો અથવા રેકોર્ડ પર મૂકવામાં આવેલ મટીરીયલ્સની કોઇપણ ચર્ચાથી વંચિત છે. સત્તાવાળાઓએ રેકોર્ડનું સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા વિના અથવા પોતાના મગજનો ઉપયોગ કર્યા વિના માત્ર પેનલ એડવોકેટના કાનૂની અભિપ્રાય પર યાંત્રિક આધાર રાખ્યો હોય તેવું જણાય છે.
અરજદાર કશ્યપભાઇ કોટેચા તથા અન્યો દ્વારા કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અરજદારોએ રાજકોટના મોટામાવા ગામે સોસાયટીના તેમના ખરીદેલા પ્લોટમાં કોમર્શીયલ બાંધકામ કર્યું હતું અને તેને નિયમિત કરવા અંગે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એકટ-૨૦૨૨ અન્વયે રાજકોટ મનપામાં ઇમ્પેક્ટ ફી અંગેની જુદી જુદી અરજીઓ કરી હતી. જો કે, કોર્પોરેશન સત્તાવાળાઓએ તેમના પેનલ એડવોકેટના કાનૂની અભિપ્રાયના આધારે ટાઇટલ અને માલિકી મુદ્દે વાંધાઓ કાઢી અરજદારોને સાંભળ્યા વિના તેમજ સુનાવણીની તક પૂરી પાડયા વિના તેઓની ઇમ્પેક્ટ ફીની અરજીઓ બિલકુલ ગેરકાયદે રીતે નામંજૂર કરી દીધી હતી. રાજકોટ મનપા સત્તાધીશોનો આ નિર્ણય બિલકુલ ગેરકાયદે, અયોગ્ય, કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૃધ્ધનો અને રદબાત જાહેર થવાપાત્ર ઠરે છે.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રાજકોટ મનપા સત્તાધીશોના નિર્ણયને રદબાતલ ઠરાવવા માંગણી કરતાં તેમના તરફથી કરાયેલી ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ નિરલ આર.મહેતાએ ઉપરોકત મહત્ત્વના અવલોકનો સાથેનો ચુકાદો જાહેર કર્યો હતો.
કારણો રેકોર્ડ કરવા એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ કુદરતી ન્યાયના સિધ્ધાંતોનું મૂળભૂત પાસુ છે
જસ્ટિસ નિરલ આર.મહેતાએ પોતાના ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં રાજકોટ મનપા સત્તાધીશો દ્વારા લેવાયેલો નિર્ણય અથવા કરાયેલો હુકમ કારણો વિનાનો અને કુદરતી ન્યાયના સિધ્ધાંતના ભંગ સમાન છે. આવો નિર્ણય લેતાં પહેલાં સત્તાવાળાઓએ તેના કારણો રેકોર્ડ કરવા(આપવા) જરૃરી છે. કારણો રેકોર્ડ કરવાની જરૃરિયાત એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ તે કુદરતી ન્યાયના સિધ્ધાંતોનું મૂળભૂત પાસુ છે અને વહીવટી તેમ જ અર્ધ ન્યાયિક નિર્ણય લેવામાં પારદર્શિતા, ન્યાયીતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે. હાઇકોર્ટે અરજદારોની ઇમ્પેકટ ફીની અરજીઓ નામંજૂર કરવાના રાજકોટ મનપાના નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ જાહેર કરી મેટર રિમાન્ડ બેક કરી અરજદારોને સુનાવણીની પૂરતી તક આપ્યા બાદ કુદરતી ન્યાયના સિધ્ધાંતને ધ્યાનમાં લઇ કાયદાનુસાર નિર્ણય કરવા કોર્પોરેશન સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ImpactFee #GujaratHighCourt #ImpactFinanceAppealsDeclinedbyPanelAdvocate #RajkotMunicipalCorporation #MunicipalCorporation #ahmedaba



