- પોલીસે સુપ્રીમકોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોનું પાલન કર્યું નથી, પોલીસની ગંભીર ભૂલ – ગ્રામ્ય કોર્ટ
- અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો બહુ મહત્ત્વનો ચુકાદો – કોર્ટે પોલીસની ગંભીર ચૂક અને ખામીની ભારોભાર ટીકા કરી શાકભાજીના એક વેપારીને શરતી જામીન આપ્યા
- એડવોકેટ કાર્તિકસિંહ એચ.ચંપાવત અને લક્ષિત પટેલ દ્વારા આનંદ નગર પોલીસ દ્વારા સુપ્રીમકોર્ટના ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ હોવા બાબતે અદાલતનું ધ્યાન દોરાતાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
અમદાવાદ: 03 જાન્યુઆરી 2026:
પોલીસ દ્વારા સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અને કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરીને આરોપીની ધરપકડના તબક્કે જ ગંભીર ચૂક દાખવાતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ શાકભાજીના એક વેપારીને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. જો કે, પોલીસ દ્વારા પ્રસ્તુત કેસમાં દાખવાયેલી ગંભીર ચૂકને લઇ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં ઠરાવ્યું હતું કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો અને સુપ્રીમકોર્ટના ચુકાદા અને સ્થાપિત માર્ગદર્શિકા મુજબ, તપાસનીશ અધિકારી માટે કોઇપણ આરોપીની ધરપકડ માટેના કારણો જણાવવા ફરજિયાત છે અને જો આ સિધ્ધાંત કે જરૃરિયાતનું પાલન ના કરાયું હોય તો તેવા સંજોગોમાં આરોપીની કસ્ટડી ગેરકાયદેસર ઠરે છે.

એડિશનલ સેશન્સ જજ અદ્વૈત સુરેન્દ્ર વ્યાસે પોતાના ચુકાદામાં વધુમાં નીરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે, કેસના મૂળ રેકોર્ડનું અવલોકન કરતાં, એ સ્પષ્ટ થાય છે કે, પ્રસ્તુત કેસમાં પોલીસ આરોપીને ધરપકડના કારણો લેખિતમાં જણાવવામાં નિષ્ફળ ગઈ છે. પરિણામે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત માર્ગદશકાને ધ્યાનમાં રાખીને, આરોપી જામીન પર મુક્ત થવા માટે હકદાર બને છે. એ સાચું છે કે અરજદારની અગાઉની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી જો કે, હાલની ક્રમિક જામીન અરજી એક મહત્વપૂર્ણ અને ભૌતિક પાસું રેકોર્ડ પર લાવે છે. એટલે કે, પોલીસ દ્વારા આરોપીની ધરપકડના કારણો લેખિતમાં જણાવવાની ફરજિયાત જરૃરિયાતનું પાલન કરવામાં આવ્યું નથી. આ પ્રકારની ગેરરીતિ સમગ્ર વિષયના મૂળ સુધી પહોંચે છે અને બંધારણની કલમ-૨૧ હેઠળ ખાતરીપૂર્વકના જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને સીધી અસર કરે છે. આ ખામી, જે અસાધ્ય પ્રકારની છે અને તેને પાછળથી ઉઠાવવામાં આવી હોઇ તેને પાછલી અસરથી ગણી શકાય નહી કે તે આધારે અવગણી શકાય નહી.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જયારે પોલીસની આવી ગંભીર પ્રક્રિયાગત કાયદેસરતા કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે ત્યારે તેને અવગણી શકાય નહી અને તે પણ એટલા માટે કે, અગાઉ તેની જામીન અરજી નામંજૂર કરાઇ હતી. પોલીસ અને તપાસનીશ અધિકારી દ્વારા દાખવાયેલી ઉપરોકત ભૂલ સ્પષ્ટપણે સંજોગોમાં ફેરફાર દર્શાવે છે, જે આરોપીની જામીન માટેની વિનંતી પર પુનઃવિચાર કરવા મજબૂર કરે છે અને તેથી આરોપીને શરતી જામીન પર મુકત કરવામાં આવે છે.
અરજદાર શાકભાજીના વેપારી તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ કાર્તિકસિંહ એચ.ચંપાવત અને એડવોકેટ લક્ષિત પટેલે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના તાજેતરના મહત્ત્વના ચુકાદા મુજબ, કોઇપણ આરોપીની ધરપકડ કરતાં પહેલા પોલીસે તેના લેખિતમાં કારણો આપવા પડે અને તેની જાણ તેને કરવી પડે.
જો કે, આ કેસમાં પોલીસે ખુદ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો અને સુપ્રીમકોર્ટની આ અગત્યની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી. સુપ્રીમકોર્ટના ચુકાદા ઉપરાંત ખુદ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા અને ક્રિમીનલ પ્રોસીજર કોડમાં પણ આ અંગેની સ્પષ્ટ જોગવાઇ કરાયેલી છે પરંતુ તેમછતાં પોલીસ દ્વારા મોટાભાગના કિસ્સામાં તેનું પાલન જ થતુ નથી. વળી, અરજદાર સામાન્ય શાકભાજીનો વેપારી છે અને તે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી જેલમાં છે. આ કેસમાં હજુ સુધી ટ્રાયલ કોર્ટમાં ચાર્જફ્રેમ થઇ શકયો નથી અને કેસનો ટ્રાયલ પણ ઘણો વિલંબિત થાય તેમ છે ત્યારે કેસના બદલાયેલા સંજોગો જોતાં અને પોલીસની સ્થાપિત સિધ્ધાંતોને અવગણવાની ચૂક જોતાં અરજદાર જામીન પર મુકત થવા માટે કાયદેસર રીતે હકદાર ઠરે છે. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે અરજદાર શાકભાજીના વેપારીને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. જો કે, કોર્ટે સાથે સાથે પોલીસની ગંભીર ખામી અને ચૂકની ભારે ટીકા કરી ઉપરોકત અવલોકનો સાથેનો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.
શું હતો શાકભાજીનો વેપારી કાયદાનું ચુંગાલમાં ફસાયાનો કેસ…??
વર્ષ ૨૦૨૩માં અરજદાર જયારે આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીમાં શાક વેચવા ગયા ત્યારે સ્થાનિક એક મહિલા સાથે ભાવ મુદ્દે રકઝક થઇ હતી, તે બબાલમાં મહિલાના બે છોકરાઓએ ઉશ્કેરાઇ અરજદાર પર ધોકા અને પાઇપો વડે હુમલો કર્યો હતો એ વખતે અરજદારે પણ પોતાના જીવ બચાવવા પ્રયાસમાં શાકભાજીના ચપ્પા વડે મોટા છોકરાને ચપ્પુ માર્યું હતું, જેમાં તેને ઇજા થતાં બનાવના ૧૧ દિવસ બાદ તેનું મોત નીપજયું હતું. જો કે, સામે અરજદારને પણ બહુ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ કેસમાં બંને પક્ષે સામસામી ક્રોસ ફરિયાદો થયેલી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #police #trending #ahmedaba



