- સંમંતિપૂર્વકના છૂટાછેડાના કેસોને લઇ ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
- હિન્દુ મેરેજ એકટ હેઠળ કલમ-13 બીની અરજી નાંમજૂર કરવાના અમદાવાદ ફેમીલી કોર્ટનો હુકમ હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો, અરજદાર દંપતિની અપીલ મંજૂર રાખી
અમદાવાદ: 06 જાન્યુઆરી 2026:
લગ્ન જીવનની તકરારો અને વિખવાદોમાં જયારે પતિ-પત્ની બંને દ્વારા હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩ બી હેઠળ સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે અરજી કરવામાં આવતી હોય છે ત્યારે ફેમીલી કોર્ટ દ્વારા છ મહિનાનો કુલીંગ ઓફ પિરિયડ આપવામાં આવતો હોય છે, એની પાછળનું કારણ એ હોય છે કે, આ છ મહિનાના સમય દરમ્યાન જો પતિ-પત્ની વચ્ચે ફરી સુમેળ સધાય અથવા યુગલ ફરી એકસાથે રહેવા તૈયાર થઇ જાય તો તે માટેનો આ એક કાયદાકીય વિકલ્પ છે. જો કે, પતિ-પત્ની બંને વચ્ચે કોઇ સંજોગોમાં સુમેળ સધાય તેમ જ ના હોય અને બંનેએ મક્કમતાપૂર્વક છૂટા પડવાનું નક્કી કર્યું હોય તો તેવા સંજોગોમાં છ મહિનાનો આ કુલીંગ ઓફ પિરિયડ જતો કરી શકાય છે. ગુજરાત હાઇકોર્ટે સંમંતિપૂર્વકના આવા જ એક છૂટાછેડાના કેસમાં બહુ મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે છ મહિનાનો કુલીંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી.

જસ્ટિસ સંગીતા કે, વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે આ અગત્યનો ચુકાદો આપતાં એક દંપત્તિના પરસ્પર સંમંતિથી છૂટાછેડા માટેની અરજી કલમ-૧૩ બી હેઠળની અરજી નામંજૂર કરવાના ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ ઠરાવ્યો હતો અને ઠરાવ્યું હતું કે, સંમંતિપૂર્વકના છૂટાછેડાના કિસ્સામાં છ મહિનાનો કુલીંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરી શકાય છે અને તે ફરજિયાત નથી.
હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, જયારે પતિ-પત્ની(પક્ષકારો) વચ્ચે પુનઃ મિલનનો કોઇ અવકાશ નથી. વળી, તેઓ હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩ બી હેઠળ અરજી રજૂ કરવાની તારીખથી એક વર્ષ કરતાં વધુ સમયથી અલગ રહી રહ્યા છે. બંને પક્ષોએ છૂટાછેડા માટે પરસ્પર સંમંતિ આપી છે. તેથી કલમ-૧૩બી(૧)ની જોગવાઇ મુજબ, છ મહિનાનો સમયગાળો તેમ જ અક વર્ષનો સમયગાળો લગભગ પૂરો થઇ ગયો છે. સંબંધિત પક્ષકારો દ્વારા લેવામાં આવેલા વલણને ધ્યાનમાં લેતાં પણ તેમના પુનઃમિલન કે લગ્નજીવનના જોડાણની કોઇ શકયતા નથી ત્યારે અદાલતના મતે, પક્ષકારોની વિનંતી સ્વીકારવામાં ના આવે તો તેમની વેદના જ લંબાશે. બંને પક્ષો યુવાન છે અને પોતાની ઇચ્છા મુજબ, પોતાની કારકિર્દી આગળ વધારવા ઇચ્છુક છે. હાલના કેસમાં પક્ષકારોએ આ કોર્ટ સમક્ષ પણ સ્વીકાર્યું છે કે, તેઓએ આ કુલીંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરવા માટેની અરજી દાખલ કરી નથી. જો કે, તેઓ સંમંત છે કે, આજથી બે અઠવાડિયાના સમયગાળામાં તેઓ અરજી દાખલ કરશે. જેની પર ન્યાયના હિતમાં હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩ બીને ધ્યાનમાં લઇને ફેમીલી કોર્ટે આ દંપત્તિને અરજી દાખલ કરવાની તક આપવી અને ત્યારબાદ કાયદાનુસાર તેમના છૂટાછેડા અંગે નિર્ણય લેવો.
અરજદાર પતિ-પત્ની તરફથી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં રજૂઆત કરી હતી કે, તેમના લગ્ન તા.૯-૧૨-૨૦૨૩ના રોજ થયા હતા અને તેઓ તા.૧૭-૧-૨૦૨૪થી અલગ થઇ ગયા હતા અને ત્યારથી અલગ જ રહે છે. અરજદાર પતિ ઉચ્ચ અભ્યાસ માટે યુકે ગયા છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રસ્તાવ મૂકે છે, જયારે અમદાવાદમાં સ્થાયી થયેલી પત્ની ભારતમાં જ પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, જેના કારણે દંપત્તિનું પુનઃ મિલન શકય નથી. પ્રસ્તુત કેસમાં બંને પક્ષે પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા માંગે છે અને તેમાં કોઇ બળજબરી કે દબાણ નથી.
અરજદાર દંપત્તિ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, તેમણે હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩ બી હેઠળ પરસ્પર સંમંતિથી છૂટાછેડા માટે અમદાવાદ ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. જો કે, ફેમીલી કોર્ટે તેઓએ છ મહિનાનો કુલીંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરવાની અરજી કરી નથી અને છ મહિનાનો સમયગાળો એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ બંને પક્ષોના પુનઃમિલનની એક તક આપતો વિકલ્પ હોવાનું જણાવી તેમની છૂટાછેડાની અરજી કાઢી નાંખી હતી. જેને પગલે તેમને હાઇકોર્ટમાં હાલની આ અપીલ કરવાની ફરજ પડી છે. કેસની હકીકતો અને સંજોગો ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે અરજદર દંપત્તિની અપીલ મંજૂર કરી હતી અને અમદાવાદ ફેમીલી કોર્ટનો તેમના છૂટાછેડાની અરજી નામંજૂર કરવાનો નિર્ણય રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર દંપત્તિને રાહત આપતો ઉપરોકત હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Six-monthcooling-offperiodmandatoryfordivorcebymutualconsent #Mutualdivorce #Six-monthcooling-offperiodmandatory #Cooling-offperiod #trending #ahmedaba



