
દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર જાહેરમાં પેશાબ કરનાર શખ્સ કુંજલ વાસુદેવભાઇ પટેલને રોકતાં ઉલ્ટાનું તેણે પોલીસ સાથે ગાળાગાળી કરી કોઇ મારું કંઇ બગાડી નહી શકે એમ કહી ધાકધમકી આપી ધમાલ મચાવી
ઘાટલોડિયા પીઆઇ સી.જી.જોષીએ પોલીસ સાથે ગાળાગાળી કરનાર શખ્સને પોલીસ મથકે લઇ જઇ દાખલારૃપ સબક શીખવાડી કાયદાનું ભાન કરાવ્યુ, હોમગાર્ડ્ઝ ડિવીઝન નં-૨ના ઇન્ચાર્જ એસ.એ.ડામોરે પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી – પેટાહેડીંગ
પોલીસ કે હોમગાર્ડઝ જવાનો સાથે ઘર્ષણ કરનાર કે પોલીસ કે સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરનાર આવા તત્વો વિરૂધ્ધ કાયદાનુસાર સખ્તાઇથી કાર્યવાહી કરાશે – ઘાટલોડિયા પીઆઇ સી.જી.જોષી
અમદાવાદ,
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર જાહેરમાં પેશાબ કરી ઉલ્ટાનું પોલીસ સાથે જ ગાળાગાળી કરી કોઇ મારું કંઇ બગાડી નહી શકે એમ કહી ધમકી આપનાર શખ્સ કુંજલ વાસુદેવભાઇ પટેલની ઘાટલોડિયા પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જઇ તેને સારી પેઠે પાઠ ભણાવ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. નોંધનીય છે, વિવેકાનંદ સર્કલથી એઇસીબી બ્રિજ સુધીના પટ્ટામાં લારી-ગલ્લા, ફેરિયાવાળા સહિતના ન્યુસન્સને ડામવા ઘાટલોડિયા પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરાઇ રહી છે પરંતુ આવા માથાભારે તત્વો દ્વારા પોલીસની સામે પડી ઓળખાણનો દમ મારી પોલીસ અને સરકારી ફરજમાં રૃકાવટનો પ્રયાસ કરે ત્યારે વાત વણસતી હોય છે, ઘણીવાર નાગરિકોની સુરક્ષા અને સલામતી પણ જોખમાતી હોય છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં આજે સાંજે જાહેરમાં પેશાબ કરી રહેલા એક શખ્સ કુંજલ વાસુદેવભાઇ પટેલ(રહે.સમર્થ સોસાયટી, મેમનગર)ને ત્યાં બેસાડવામાં આવેલા પોલીસ પોઇન્ટના જવાનોએ અટકાવ્યો હતો અને અહીં સ્કૂલ અને કન્યા છાત્રાલય હોઇ તેમ જ રહેણાંક વિસ્તાર હોઇ સ્થાનિક મહિલાઓની અવરજવર હોઇ જાહેરમાં આવું ક્ષોભજનક કૃત્ય નહી કરવા સમજાવ્યો હતો પરંતુ અચાનક આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને પોઇન્ટના હોમગાર્ડ જવાનો સંજયભાઇ અને ચેતનભાઇ વલવાઇ સાથે બહુ ખરાબ રીતે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને દમ મારવા લાગ્યો હતો કે, જાહેરમાં પેશાબ કરતા મને કોણ રોકી શકે..? અને ખુલ્લામાં પેશાબ કેમ ના કરી શકાય..? તમારે પોલીસને બોલાવવી હોય તો બોલાવી લો..કોઇ મારું કઇ બગાડી શકવાનું નથી એમ કહી આ શખ્સ વડાપ્રધાન મોદી વિશે પણ બિભત્સ ભાષામાં એલફેલ બાલવા લાગ્યો હતો. જેના કારણે સ્થાનિકોએ પણ આ શખ્સ કુંજલ વાસુદેવભાઇ પટેલ પરત્વે ફિટકાર વરસાવ્યો હતો.
જેને પગલે આખરે સમગ્ર મામલે ઘાટલોડિયા પીઆઇ સી.જી.જોષીને જાણ કરવામાં આવતાં તેમણે તાત્કાલિક જ પીસીઆર વાન મોકલી વિસ્તારમાં જાહેરમાં પેશાબ કરી, ગાળાગાળી અને ધાકધમકી આપી બિભત્સ વર્તન કરનાર શખ્સ કુંજલ વાસુદેવભાઇ પટેલને ઉઠાવ્યો હતો અને તેને ઘાટલોડિયા પોલીસમથકે લાવી પોલીસની ભાષામાં સારી પેઠે પાઠ ભણાવ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં હોમગાર્ડઝ ડિવીઝન ન-૨ના ઇન્ચાર્જ એસ.એ.ડામોર પણ બનાવસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી હોમગાર્ડઝ જવાનોને જરૃરી સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારના વિવેકાનંદ ચોકથી એઇસી તરફ જતા રોડ પર દિવ્યપથ હાઇસ્કૂલ, પટેલ કન્યા છાત્રાલય અને રહેણાં સોસાયટી આવેલી હોઇ તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની ગ્યા આવેલી હોઇ ત્યાં છાશવારે જાહેરમાં પેશાબ, ગંદકી અને કચરો નાંખી જવા સહિતની અનેક ન્યુસન્સભરી પ્રવૃત્તિઓ થતી હોય છે, જેના કારણે આ વિસ્તારમાં પોલીસ પોઇન્ટ પણ બેસાડવામાં આવ્યો છે, જે આ રોડ પર સ્થાનિક મહિલાઓ ખાસ કરીને સ્કૂલની વિદ્યાર્થીનીઓ, છાત્રાલયની યુવતીઓ સહિત બાળકોને સ્કૂલે મૂકવા આવતાં મહિલાઓ-વાલીઓની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખતા હોય છે પરંતુ કેટલાક આવા માથાભારે તત્વો અને ઓળખાણના જોરે દમ મારતા તત્વો જાણે પોલીસે કે કાયદાનો પણ ડર ના હોય તેવું વર્તન કરતા હોય છે ત્યારે આજે પ્રકાશમા આવેલા વધુ એક કિસ્સામાં ઘાટલોડિયા પોલીસે આ શખ્સને સારી પેઠે સબક શીખવાડી કાયદાનું ભાન કરાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, વિવેકાનંદ સર્કલથી લઇ એઇસી બ્રિજ સુધીના પટ્ટામાં હાઇકોર્ટના નિર્દેશાના પાલનના ભાગરૃપે ઘાટલોડિયા પોલીસ દ્વારા લારી-ગલ્લા, ફેરિયાવાળા, ગેરકાયદે પાર્કિંગ સહિતના જાહેર ન્યુસન્સને લઇ અસરકારક કામગીરી કરવામાં આવતી હોય પરંતુ કયારેક આવા માથાભારે તત્વો પસા અને ઓળખાણના નશામાં પોલીસને પણ દમ મારી કાયદાની ઐસી તૈસી કરી જયારે ન્યુસન્સની મર્યાદા વટાવતા હોય છે ત્યારે પીલસને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૃપે આવા તત્વોને સારી પેઠે પાઠ ભણવાી, સબક શીખવાડી કાયદાનું ભાન કરાવવાની ફરજ પડે છે કે જેથી આવા અન્ય તત્વો આ પ્રકારનું વર્તન કરતાં અને પોલીસ તેમ જ સરકારી ફરજમાં રૃકાવટ કરતાં પહેલા સો વખત વિચારે. દરમ્યાન આ અંગે ઘાટલોડિયા પીઆઇ સી.જી.જોષીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઓલરેડી લારી-ગલ્લા, પાથરણાવાળા, ગેરકાયદે પાર્કિંગ સહિતની જાહેર ન્યુસન્સની પ્રવૃત્તિઓ સ્કૂલ એરિયા અને કન્યા છાત્રાલય હોઇ પ્રતિબંધિત છે તેમછતાં આવા માથાભારે તત્વો જો પોલીસ કે પોઇન્ટ પરના હોમગાર્ડઝ જવાનો સાથે ઘર્ષણ કે પોલીસ કે સરકારી ફરજમાં રૂકાવટની પરિસ્થિતિ ઉભી કરશે તો તેઓની વિરૂધ્ધ કાયદાનુસાર સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવશે.


