પ્રશ્નો અને આન્સર કીની વિસંગતતાના કારણે વકીલ ઉમેદવારોને પરિણામમાં બહુ મોટુ નુકસાન, હજારો ઉમેદવારોમાં વ્યાપક નિરાશા – પેટા હેડીંગ
નાપાસ થયેલા વકીલ ઉમેદવારોને ગ્રેસીંગ માર્કસ આપી પાસ કરવા ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાની બીસીઆઇ સમક્ષ તાત્કાલિક ઉગ્ર માંગણી
અમદાવાદ,
વકીલાતની પ્રેકટીસ કરવા માટે ફરજિયાત પાસ કરવી પડતી એવી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા થોડા સમય પહેલાં લેવાયેલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાંચ પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતા સામે આવતાં ૧૦૦ માર્કસના બદલે ૯૫ માર્કસનું પેપર ગણવામાં આવ્યું હતું. બીસીઆઇ દ્વારા જાહેર થયેલા પરિણામમાં સૌપ્રથમવાર ગુજરાતમાંથી ૭૧૦૦ વધુ ઉમેદવારો(એનરોલ થયેલા લો સ્ટુડન્ટસ) એક-બે માર્કસના કારણે નાપાસ થયા છે. બીજીબાજુ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતનું પરિણામ ૪૬ ટકા જ આવતાં ઉમેદવારોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ છે. જેને પગલે નારાજ ઉમેદવારો તરફથી બાર કાઉન્સીલના માધ્યમ દ્વારા હવે એક-બે માર્કસના ગ્રેસીંગ આપી તેઓને પાસ કરવા માંગણી કરી છે.
ઓલ ઇન્ડિયા બાર એકઝામમાં સૌપ્રથમવાર ૭૧૦૦થી વધુ ઉમેદવારો નાપાસ થતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વાસ્તવમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પ્રશ્નોની વિસંગતતાની ચૂકના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડી હતી. પ્રશ્નપત્રમાં આન્સર કીની વિસંગતતાના વિવાદ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વકીલાતની પ્રેકટીસ માટે ફરજિયાત લેવાતી ઓલ ઇન્ડિયા બાર એકઝામેમાં ૧૦૦ માર્કસનું પેપર હોય છે અને તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાસ થવા માટે ૪૫ માર્કસ લાવવાના હોય છે, જયારે એસસી-એસટી ઉમેદવારોને ૪૦ માર્કસ લાવવાના હોય છે.
જો કે, હવે પરિણામ જાહેર થતાં વાત સામે આવી હતી કે, પાંચ પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. જેને પગલે બાર કાઉન્સીલ દ્વારા આ પાંચ માર્ક્સના પ્રશ્નો રદ કરી ૧૦૦ માર્કસના બદલે ૯૫ માર્કસનું પેપર ગણ્યું હતું અને તે મુજબ, જનરલ કેટગેરીના ઉમેદવારોને ૪૫ના બદલે ૪૩ માર્કસ લાવવાના થતા હતા, તો, એસસી-એસટી ઉમેદવારોને ૪૦ના બદલે ૩૮ માર્કસ લાવવાના થતા હતા. જો કે, ઉપરોકત ચૂક અને ફેરફારના કારણે ઘણા વકીલ ઉમેદવારો એવા હતા કે, જેઓ માત્ર એક-બે માર્કસના કારણે નાપાસ થયા હતા, જેને લઇ તેઓ ભારે હતાશ થઇ ગયા હતા. તેમણે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને તાકીદનો પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, પ્રશ્નોના જવાબની વિસંગતતામાં ઉમેદવારોનો કોઇ વાંક નથી. આ ચૂક માટે તેઓ જવાબદાર ના હોઇ તેમના પરિણામ પર તેની અસર આપી શકાય નહી. ઉમેદવારોએ આ સમગ્ર મામલે પુનઃવિચાર કરી તેઓને એક-બે માર્કસના ગ્રેસીંગ આપી પાસ કરવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને અનુરોધ કર્યો છે.
ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૩૦-૧૧-૨૦૨ના રોજ લેવાયેલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં સમગ્ર દેશમાંથી કુલ ૨,૫૧,૯૬૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧,૭૪, ૩૮૬ જેટલા ઉમેદવારો જ પાસ થઇ શકયા હતા. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાંથી એનરોલમેન્ટ થયેલા કુલ ૧૩,૧૫૨ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર ૬૦૦૮ ઉમેદવારો જ પાસ થયા હતા, જયારે ૭૧૪૪ ઉમેદવારો નાપાસ થયા હતા અને ગુજરાતનું પરિણામ માત્ર ૪૬ ટકા જેટલું જ આવ્યું હતું. જેને પગલે હજારો ઉમેદવારોમાં ભારે નિરાશાની લાગણી પ્રસરી ગઇ છે. બીજીબાજુ, ઉમેદવારોએ પણ રોષ ઠાલવ્યો હતો કે, પ્રશ્નો અને આન્સર કીની વિસંગતતાની ચૂકનો ભોગ તેઓને બનાવી શકાય નહી. આ પરિણામથી તેમની કારકિર્દીને ગંભીર અસર થઇ શકે છે. તેથી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ હજારો વકીલ ઉમેદવારોના વ્યાપક હિત અને કારકિર્દીને ધ્યાનમાં લઇ તાકીદે હકારાત્મક નિર્ણય લેવો જોઇએ એમ ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #allindiabarexam



