- નોટરીઓ, વકીલો-પક્ષકારોને નોટરાઇઝ્ડ ડોકયુમેન્ટ્સ માટે ફરજિયાત લગાવવી પડતી સ્ટેમ્પ લેવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે
- શહેરી વિસ્તારની પોસ્ટ ઓફિસ અથવા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે નોટરીઓ અને વકીલો-પક્ષકારોના હિતમાં સ્ટેમ્પની વિતરણ વ્યવસ્થા ઉભી કરવા બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાની માંગણી
અમદાવાદ: 03 જાન્યુઆરી 2026:
કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સ પર ૫૦ રૃપિયાની સ્ટેમ્પ લગાવવી નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારો માટે ફરજિયાત હોય છે. વર્ષે દહાડે લાખોની સ્ટેમ્પનો વપરાશ થતો હોય છે અને હજારોની સંખ્યામાં આવા નોટરાઇઝ્ડ એફિડેવીટ્સ, કરાર, કોમર્શીયલ કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો થતાં હોય છે. એટલું જ નહી, ઘી કાંટા ફોજદારી કોર્ટથી લઇ ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઇ બધી કોર્ટો પણ શહેર વિસ્તારમાં છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નોટરીઓ માટે આ સ્ટેમ્પ વિતરણ માટે શહેરી વિસ્તારમાં કોઇ વ્યવસ્થા જ નથી. જેના કારણે નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારોને આવી સ્ટેમ્પ ફરજિયાત લગાવવી પડતી હોઇ તે મેળવવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે.

જેના કારણે શહેરના સેંકડો નોટરીઓને આ સ્ટેમ્પ ખરીદવાને લઇ છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત હાલાકી ભોગવવી પડે છે. હાઇકોર્ટ સુધી જવા માટે તેઓને ભંયકર ટ્રાાફિક, વળી ત્યાં જાય એટલે હાઇકોર્ટના પ્રવેશદ્વારમાં પ્રવેશવા માટે પાસ તથા વાહન પર હાઇકોર્ટનું સ્ટીકર, હાઇકોર્ટમાંથી સ્ટેમ્પ લેવા માટે નોટરીઓના લેટર હેડ અને સહી સિક્કા સાથેનો આગ્રહ સહિતની બાબતોને પણ લઇ નોટરીઓને જબરદસ્ત હાલાકી અને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે વારંવાર સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ નહી આવતાં નોટરીઆલમમાં રોષની લાગણી ફેલાઇ છે.

નોંંધનીય વાત એ છે કે, આ સ્ટેમ્પ લગાવ્યા વિના કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સની કાયદેસરતા રહેતી નથી. તેથી નોટરીઓ માટે ફરજિયાત અને બહુ જ અનિવાર્ય એવી આ સ્ટેમ્પ માટે શહેર વિસ્તારની પોસ્ટ ઓફિસ અથવા લાલ દરવાજા ખાતે અપના બજાર બહુમાળી બિલ્ડીંગમાં તેના વિતરણની વ્યવસ્થા અને સુવિધા ઉભી કરવાની માંગણી કરતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આશરે ૧૮૦૦થી ૨૦૦૦ નોટરીઓ પ્રેકટીસ કરી રહ્યા છે, જયારે રાજયભરમાં નોટરીઓનો આંકડો ૨૦ હજારથી વધુનો છે. નોટરીઓ પાસે રોજેરોજ જુદા જુદા પ્રકારના એફિડેવીટ્સ, પાવર ઓફ એટર્ની, એગ્રીમેન્ટ, ડેકલેરેશન, બોન્ડ, ભાગીદારીનો દસ્તાવેજ, બેંક અને કંપની સંબંધી દસ્તાવેજ, ભાડા કરાર, કોમર્શીયલ કોન્ટ્રાકટ સહિતના અનેક દસ્તાવેજો નોટરાઇઝ્ડ કરવા માટે આવતા હોય છે અને તેમાં રૃ.૫૦ની સ્ટેમ્પ લગાવવી ફરજિયાત હોય છે.
ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, નોટરીઓ, વકીલો-પક્ષકારો કે જેઓ કોર્ટ કામકાજના હેતુથી કોર્ટમાં આવતા હોય છે અને તેઓને કોઇપણ સમયે નોટરાઇઝ્ડ દસ્તાવેજ કરાવવાની જરૃ પડતી હોય છે. બીજું કે, બધી કોર્ટો પણ શહેરી વિસ્તારમાં આવેલી છે જેમ કે, ફોજદારી કોર્ટ ઘી કાંટા વિસ્તારમાં, સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ભદ્ર, લાલદરવાજા ખાતે, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ અને રેવન્યુ ટ્રિબ્યુનલ, લેબર કોર્ટો અને ચેક રિટર્નની કોર્ટો અપનાબજાર બહુમાળી બિલ્ડીંગમાં, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ મીરઝાપુર(હાલ જૂની હાઇકોર્ટ ઇન્કમટેક્સ) અને ફેમીલી કોર્ટ, ઇન્કમટેક્સ ખાતે શહેરના અંદરના વિસ્તારમાં આવેલી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, નોટરીઓ કે વકીલો-પક્ષકારોને સ્ટેમ્પની જરૃર પડે તો અહીં શહેરી વિસ્તારમાં સ્ટેમ્પ મેળવવાની કે કોઇ વિતરણ વ્યવસ્થા જ નથી. નોટરીઓને તો આવી સ્ટેમ્પ મેળવવા માટે છેક એસ.જી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે. તેના બદલે જો શહેરી વિસ્તારની પોસ્ટ ઓફિસો અથવા અપનાબજાર ખાતે સ્ટેમ્પ વિતરણ વ્યવસ્થા શરૃ કરાય તો બધાને ભારે સગવડ અને સાનુકૂળતા રહે કારણ કે, બે-ચાર કિલોમીટરના એરિયામાં જ સ્ટેમ્પ મળી રહે તો, કામગીરી સરળ અને ઝડપી બની શકે.
કોરોના પછી ઇ-સ્ટેમ્પીંગના લાઇસન્સ પણ અપાયા નથી, સ્ટેમ્પ વેન્ડર પણ નહીવત્
સ્ટેમ્પ મુદ્દે ભારે હાલાકી અને અગવડની સમસ્યાની જેમ ઇ સ્ટેમ્પ પેપર(પહેલા જૂના સ્ટેમ્પ પેપર હતા, તે હવે ઇ સ્ટેમ્પ આવે છે)ને લઇ જાહેરજનતા અને વકીલો-પક્ષકારો તેમ જ નોટરીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે. નોટરી,વકીલોને કે સામાન્ય જનતાને કોઇપણ ઇ સ્ટેમ્પ લેવા માટે સરકાર દ્વારા નિયુકત કરાયેલ સ્ટેમ્પ વેન્ડર પાસે જવું પડે છે પરંતુ અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજયમાં સ્ટેમ્પ વેન્ડરની સંખ્યા પણ બહુ જૂજ એટલે કે નહીવત્ છે. આખા રાજયમાં માંડ ૨૫૦૦થી વધુ સ્ટેમ્પ વેન્ડર હશે, જે શહેર અને રાજયની વસ્તીના પ્રમાણમાં કંઇ જ ના કહેવાય અને તેના કારણે સામાન્ય જનતા બહુ હેરાન થઇ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ નિયુકત થયેલા ૮૦૮૩ નોટરીઓ અને રાજય સરકાર દ્વારા નિમણૂંક પામેલા ૧૫૦૦ જેટલા નોટરીઓને આ સ્ટેમ્પ વેન્ડરના લાઇસન્સ ઇશ્યુ કરવા પણ ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લોએ માંગણી કરી છે. કારણ કે, તો સામાન્ય જનતાની રોજબરોજ ઇ-સ્ટેમ્પીંગ લેવાની જે સમસ્યા છે, તે હલ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, કોરોના પછી ઇ સ્ટેમ્પીંગના લાઇસન્સ સરકાર દ્વારા ઇશ્યુ જ થયા નથી, તેને લઇને હાલાકી ઘણી વધી ગઇ છે. આ સમગ્ર મામલે રાજયના સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, મહેસૂલ વિભાગ, તમામ જિલ્લા કલેકટરોથી માંડી રાજયના મુખ્યમંત્રીથી લઇ દેશના વડાપ્રધાન સુધી રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #notary #trending #ahmedaba



