ગુજરાતભરમાં હોમગાર્ડ્સ-નાગરિક સંરક્ષણ સ્થાપના દિન નિમિતે વિશેષ ઉજવણી અને કાર્યક્રમો, આણંદમાં બોરસદ ચોકડી ખાતે રાજયકક્ષાનો સોથી મોટો કાર્યક્રમ
બોમ્બે પ્રાંત અસ્તિત્વમાં હતુ ત્યારે તા.૬-૧૨-૧૯૪૬ના રોજ હોમગાર્ડ્સ દળની સ્થાપના થઇ હતી, તમામ ક્ષેત્રે અને મોરચે હોમગાર્ડ્સ જવાનોની બહુ ઉમદા અને નોંધનીય કામગીરી
અમદાવાદ: 06 ડિસેમ્બર 2025:
આજે તા.૬ઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડસ સ્થાપના દિવસ છે, જેને લઇ શહેર સહિત રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકોના વડામથકોએ શિસ્તબધ્ધતા સાથે ઉજવણી કરવામાં આવનાર છે. હોમગાર્ડ્સ દળ(ગૃહ રક્ષક દળ)ની સેવા ઘણી નોંધનીય અને તેનો ઇતિહાસ એટલા માટે ગૌરવવંતો રહ્યો છે કારણ કે, આર્મી હોય કે, પોલીસ કે પછી સરકાર કે સામાન્ય નાગરિકો દેશમાં કુદરતી આફત, આપત્તિ કે માનવસર્જિત કટોકટી કે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની કે બંદોબસ્ત હોય કોઇપણ સંજોગોમાં હોમગાર્ડસ જવાનો નિષ્કામ સેવા માટે ખડેપગે તૈનાત રહ્યા છે.

ભારતની આઝાદી પહેલા અને ગુજરાતના સ્થાપના કાળ પહેલેથી બોમ્બે પ્રાંત અસ્તિત્વમાં હતો ત્યારે તા.૬-૧૨-૧૯૪૬ ના રોજ મુંબઇ પ્રેસીડેન્સીના તત્કાલીન ગૃહપ્રધાન મોરારજીભાઇ દેસાઇ દ્વારા આ હોમગાર્ડ્સ દળની સ્થાપના કરી હતી, ત્યારથી સતત કાર્યરત આ હોમગાર્ડ્સ દળ આજે પણ એટલું જ સક્રિય, કાર્યરત અને બહુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.
આવતીકાલે હોમગાર્ડ્સ સ્થાપના દિનની આણંદની બોરસદ ચોકડી ખાતે રાજયકક્ષાનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેની સાથે સાથે રાજયના તમામ જિલ્લા-તાલુકા મથકોએ પણ હોમગાર્ડ્સ-નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. સ્થાપના દિનને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં છેલ્લા એક સપ્તાહથી બાઇક રેલી, રકત દાન, વૃક્ષારોપણ, મશાલ રેલી અને હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સામગ્રી અને કીટ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમ્યાન આ અંગે અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડ્સ જિલ્લા કમાન્ડન્ટ કુમારભાઇ આર.પટેલે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજયમાં આશરે ૪૦,૦૦૦ થી વધુ હોમગાર્ડ સભ્યો તથા ૧૧,૦૦૦ નાગરીક સંરક્ષણ વોલિન્ટીયર્સ તથા ૪૪,૦૦૦ ગ્રામ રક્ષક દળના જવાનો પોતાની માનદ ફરજો બજાવી રહ્યા છે. આ દળમાં રાજ્યની મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાયેલી છે. જેમાંથી આશરે ૨૫૦૦ મહિલા હોમગાર્ડઝ અને ૭૩૦૦ ગ્રામ રક્ષક જવાનો તરીકે પોતાની ઘરની જવાબદારીઓ સાથે માનદ સેવાઓ પ્રદાન કરે છે. આમ કુલ એક લાખથી વધુ લોકોનો વિશાળ સમૂહ આ દળમાં જોડાયેલો છે. જરૃરિયાત પ્રમાણે વખતો વખત જુદા જુદા નેજાઓ હેઠળ જુદા જુદા કાર્યો દ્વારા સરકાર, પોલીસ, આર્મી તથા રાજ્યોના નાગરિકોને મદદરૃપ થવાના ઉદેશ્ય અને દુરંદેશીતા સાથે આ દળની સ્થાપના આઝાદી પહેલા બૃહદ મુંબઇ અસ્તિત્વમાં હતું ત્યારથી કરાઇ હતી. હોમગાર્ડઝ દળની સ્થાપનાનો મુખ્ય હેતુ માનદ સેવા આપવા ઇચ્છતા સમાજના જુદા જુદા વર્ગના લોકોને દળમાં સમાવેશ કરી અગત્યની તાલીમો જેવી કે સ્કોટડ્રીલ, આર્મ્સ-ડ્રીલ, લાઠી, પ્રાથમિક સારવાર, અગ્નિશમન બચાવ, રાહત કામગીરી, રાઇફલ તથા કાયદાનું સામાન્ય જ્ઞાાન આપી શિસ્તબધ્ધ નાગરિક તૈયાર કરવાનો છે.
હોમગાર્ડ્સ જવાનોને અદ્યતન તાલીમ માટે સેન્ટ્રલ તાલીમ કેન્દ્ર
હોમગાર્ડઝ જવાનોને અધ્યતન તાલીમ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના વડોદરા જીલ્લાના જરોદ ખાતે સેન્ટ્રલ તાલીમ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યુ છે. ઉપરાંત મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામ તેમજ સાણંદ(અમદાવાદ જિલ્લાના) માધવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. હોમગાર્ડઝ દળના જવાનોને હથિયારી તાલીમ પણ આપવામાં આવે છે અને તે માટે છોટા-ઉદેપુર જિલ્લાના બાદલપુર ગામે એક ફાયરીંગ રેન્જની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત હર્ષની વાત છે કે એક નવુ તાલીમ કેન્દ્ર ભાવનગર જિલ્લાના નારી ગામ ખાતે પણ કાર્યરત થવાની તૈયારીમાં છે.
બોક્સ ઃ ઉદય ચીનુભાઇ બેરોનેટે સૌપ્રથમ કમાન્ડન્ટ જનરલ તરીકે સેવા આપી
ગુજરાત હોમગાર્ડઝ દળના અમદાવાદ શહેરના ગર્ભ શ્રીમંત એવા શ્રી રણછોડલાલ છોટાલાલના પનોતા પૌત્ર ઉદય ચીનુભાઇ બેરોનેટ સૌ પ્રથમ સિવિલીયન તરીકે કમાન્ડન્ટ જનરલની સેવાઓ આપી હતી. તેજ સમયે સાબરકાંઠા જિલ્લાના ઇડર સ્ટેટના રાજવી મહારાજ ઉમેગસિંગજી નાયબ કમાન્ડન્ટ જનરલ તરીકે સેવાઓ બજાવેલ હતી. વધુમાં અમદાવાદ ખાતે ઓલમ્પિક ખેલાડી રહી ચુકેલા નાનુભાઇ સુરતી, વડોદરા ખાતે વિઠ્ઠલભાઇ પટેલ, ભરૃચ ખાતે વિજયસિંહ ઠાકોર, કચ્છ-ભુજ ખાતે ડા. રૃદ્રસિંહજી જાડેજા, જામનગર ખાતે ડા. ચુડાસમા, જુનાગઢ ખાતે ડા. વસાવડા, સુરેન્દ્રનગર ખાતે રમેશભાઇ ઓઝા વગેરે નામાંકીત વ્યક્તિઓ દ્વારા ભૂતકાળમાં આ દળને પોતાની સેવાઓ પ્રદાન કરી હતી.
બોક્સ ઃ ભારત-ચીન યુધ્ધ કે પાકિસ્તાન સામેના યુધ્ધમાં હોમગાર્ડ્સ જવાનોની સેવા સરાહનીય
વર્ષ ૧૯૬૨ નું ભારત ચીન યુધ્ધ હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાન યુધ્ધ હોય કે પછી કોમી રમખાણો હોય તે તમામ કટોકટીભર્યા સંજોગોમાં હોમગાર્ડઝ જવાનોની સેવાઓ બહુ સરાહનીય રહી છે. હાલમાં જ ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે ઓપરેશન સિંદૂર સમયે પણ હોમગાર્ડઝ તથા નાગરીક સંરક્ષણ દળના સભ્યોએ ખડે પગે રહી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું. સને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુધ્ધ પછી સરહદો પર પેટ્રોલીંગ માટે સમર્પિત દળની જરૃરિયાને માન્યતા આપી બોર્ડર વિંગ હોમગાર્ડ્સ ઉભા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વર્ષ ૧૯૭૯માં કચછના ભુજ અને બનાસકાંઠાના પાલનપુરમાં જમીન સરહદ પેટ્રોલીંગ માટે બે બટાલિયનની સ્થાપના કરાઇ છે તો, વર્ષ ૧૯૯૭માં દરિયાકાંઠાની સરહદી સુરક્ષા માટે કચ્છના નલિયા અને જામનગરમાં વધુ બે બટાલિયનની સ્થાપના કરાઇ રહતી.
બોક્સ ઃ કોરોનાકાળમાં કેટલાક હોમગાર્ડસ જવાનોએ સેવામાં જીવનનું બલિદાન આપ્યુ
હોમગાર્ડ્સ જવાનોએ કોરોના કાળની મહામારીની પરિસ્થિતીમાં પોતાના જીવન કે પરિવારના સભ્યોની ચિંતા કર્યા વગર દિવસ રાત જન-જાગૃતી, પેટ્રોલીંગ, વાહન ચેકીંગ, નાકાબંધી અને શ્રમિકોની સંભાળમાં ખડે પગે રહી પોતાની કર્તવ્ય નિા સાબીત કરી છે. કોરોના દરમ્યાન સમાજ સેવા કરતા દળના અમુક સભ્યો સંક્રમિત થઇ પોતાના જીવનનું બલિદાન આપી દીધુ હતું એમ ઘાટલોડિયા સહિત ચાર પોલીસ સ્ટેશનના હોમગાર્ડ્સ ઇન્ચાર્જ એસ.એ.ડામોરે જણાવ્યું હતું.
બોક્સ ઃ સરકાર દ્વારા અત્યાર સુધીમાં દળના જવાનો માટે રૃ.૨.૯૫ કરોડથી વધુની સહાય
સરકાર દ્વારા હોમગાર્ડઝ જવાનોના વેલ્ફેરને પણ મહત્વ આપી અત્યાર સુધી કુલ રકમ ૨,૯૫,૨૭,૪૪૩ જેવી માતબર રકમ હોમગાર્ડઝ દળના જવાનો અને તેમના પરીવારને વિવિધ સહાય તરીકે જેવી કે લગ્ન સહાય, શિષ્યવૃત્તિ સહાય, મરણોત્તર સહાય, મેડીકલ સહાય ચૂકવણી કરવામાં આવી છે.
bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Home MinisterofBombayPresidencyMorarjiDesaihadraisedtheHomeGuardsForce #BombayPresidency #MorarjiDesai #HomeGuards #HomeGuards-CivilDefenceFoundationDay #HomeGuardsForce #homeguardsforce #trending #ahmedaba



