- વકીલઆલમમાં જોરદાર ઉત્સાહ, ઉત્તેજના અને ઇન્તેજારીનો માહોલ, સવા લાખ જેટલા મતદારો મતદાન કરશે
- મોડી રાત સુધીમાં પરિણામો આવી જવાની શકયતા, ચૂંટણીને લઇ ગુજરાત બાર કાઉન્સીલ પર એલર્ટ, ઇલકેશન કમીટીની રચના કરાઇ
- કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 19 ડિસેમ્બર 2025:
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના ૨૮૨ જેટલા વકીલમંડળો(બાર એસોસીએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આવતીકાલે તા.૧૯મી ડિસેમ્બરે રાજયભરમાં એકસાથે એક જ દિવસે યોજાનાર છે, જેને લઇ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી ફેલાઇ છે. સમગ્ર વકીલઆલમમાં હાલ ઇલેકશન ફિવર જોવા મળી રહ્યો છે. વકીલમંડળોની ચૂંટણીના આવતીકાલના પ્રતિષ્ઠાભર્યા જંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને કોરોબારી સભ્યોના હોદ્દા માટે ગળાકાપ સ્પર્ધા અને મરણિયા પ્રયાસો જોવા મળી રહ્યા છે. તેથી આવતીકાલની ૨૮૨ વકીલમંડળોની ચૂંટણી ભારે રસાકસીભરી અને ઉત્તેજનાભરી બની રહેશે. આવતીકાલની ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની શકયતા છે.

જો કે, કારોબારી સભ્યોની ચૂંટણી માટે એક વકીલ મતદારે ૧૪-૧૪ મતો આપવાના હોવાથી તેની મતગણતરીમાં થોડી વાર લાગે છે, તેથી તેના અંતિમ પરિણામો આવતાં બે થીત્રણ દિવસ લાગશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનની આવતીકાલની ચૂંટણી માટે પ્રમુખપદ માટે હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, એડવોકેટ બી.એમ.મંગુકીયા, એડવોકેટ યતીન ઓઝા, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે જંગ જામશે. તો, ઉપપ્રમુખના પદ માટે એડવોકેટ વિરાટ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી વચ્ચે સ્પર્ધા રહેશે. જયારે ખજાનચીના મહિલા અનામત પદ માટે ભકિત જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જોઇન્ટ સેક્રેટરીના પદ માટે દર્શન દવે, ઓમ કોટવાલ, રેખા કાપડિયા સહિત દસ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આવતીકાલની હાઇકોર્ટ સહિત નીચલી કોર્ટના તમામ ૨૮૨ વકીલમંડળોની ચૂંટણીમાં આશરે સવા લાખ જેટલા મતદારો ભાગ લેશે. ૨૪ કલાક પહેલાથી ચૂંટણી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, જેથી કોઇ ઉમેદવાર પોતાનું પ્રચાર કાર્ડ, પત્રિકા,પોસ્ટર કે અન્ય માધ્યમોથી પ્રચાર ના કરી શકે. રાજયના વકીલમંડળોની ચૂંટણીમાં ગેરરીતિ સહિતની કોઇપણ પ્રકારની ફરિયાદ ઉભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર એસોસીએશન ઓફ ગુજરાત નિયમો- ૨૦૧૫ ની રૃલ-૪૯ હેઠળ ઇલેકશન કમીટીની રચના કરાઇ છે. જો કે, પરિણામના દસ દિવસમાં ઇલેકશન કમીટી સમક્ષ ફરિયાદ કરી દેવાની હોય છે. જો મતદાનના દિવસે જ કોઇ ગડબડી કે અન્ય ફરિયાદ ઉભી થાય તો સ્થળ પર ચૂંટણી અધિકારી(રિટર્નીંગ ઓફિસર)ને પોતાની ફરિયાદ આપી શકાશે.

ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, રાજયના સૌથી મોટા બાર એસોસીએશન એવા ઘી કાંટા ફોજદારી કોર્ટના અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખપદ માટે ઇશ્વર દેસાઇ અને હેમંત નવલખા વચ્ચે સીધો જંગ છે, તો સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અમદાવાદ બાર એસોસીશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ હરેશ શાહ અને જગત ચોકસી વચ્ચે સીધી હરિફાઇ છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં પ્રમુખપદની રેસમાં રમેશ ચૌહાણ, પ્રજ્ઞોશ ભટ્ટ, પંકજ રાઠોડ અને કેતન પટેલ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. ઉલ્લેખનીય છે કે, બાર એસોસીએશન ઓફ ગુજરાત-૨૦૧૫ના નિયમો મુજબ, વન બાર, વન વોટ નિયમો મુજબ કોઇપણ વકીલ મતદાર કોઇપણ એક જ એસોસીએશનમાંથી મત આપી શકશે. એટલે કે, કોઇ વકીલ ભલે એકથી વધુ બાર એસોસીએશનનો સભ્ય હોય પરંતુ તે કોઇપણ એક બાર એસોસીએશનમાંથી જ મતદાન કરી શકશે. મતદાનમાં વન બાર, વન વોટ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલો માટે અનામત
આ વખતની ચૂંટણીમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલ પ્રતિનિધિઓ માટે અનામતની જોગવાઇ કરવી પડશે. જેમાં હાઇકોર્ટ એડવોકેટ્સ બાર એસોસીએશન સહિત તમામ જિલ્લા વકીલમંડળોમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવી પડશે. તો, કારોબારી સભ્યોની ચૂંટણીમાં પણ મહિલા વકીલ પ્રતિનિધિના ૩૦ ટકા સભ્યોને ફરજિયાતપણે સમાવવાના રહેશે એમ ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #HighCourtAdvocatesAssociationBarAssociationElections #GujaratHighCourt #AdvocatesAssociation #BarAssociations #BarAssociationElections #Elections #trending #ahmedaba



