પથિક લીંબાચિયા, અમદાવાદ:
14 ઓક્ટોબર 2025:
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ઓફિસર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું એક પ્રતિનિધિમંડળ, 14 થી 17 ઓક્ટોબર દરમિયાન અમદાવાદની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં 25 દેશોના 85 સભ્યોનો સમાવેશ થાય છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એપી સિંહના નેતૃત્વમાં, આ પ્રતિનિધિમંડળ તેમની મુલાકાત દરમિયાન, કેટલીક પ્રભાવશાળી સેવાકીય પહેલોનો અભ્યાસ કરશે.

લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક અગાઉ ભારતમાં ત્રણ વખત થઈ યોજાઇ છે, પરંતુ ગુજરાતમાં આ બેઠક પ્રથમ વખત યોજાઈ રહી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય, લાયન્સ દ્વારા સંચાલિત સર્વશ્રેષ્ઠ સેવા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવાનો અને પ્રતિનિધિઓને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરાવવાનો છે.

તેમની આ મુલાકાતના ઉદ્દેશ્યો અંગે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એપી સિંહે જણાવ્યું હતું કે, “લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વનું સૌથી મોટું સેવા સંગઠન છે, જે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણમાં માનવતાવાદી કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. અમારું મિશન લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. અમદાવાદમાં લાયન્સ સમુદાયે ઉલ્લેખનીય પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને અમે તેનો અભ્યાસ કરવા અને વિશ્વના અન્ય ભાગોમાં તેને લાગુ કરવા માટે ખુબજ ઉત્સુક છીએ.”
શ્રી સિંહે જણાવ્યું કે સમગ્ર ભારતમાં લાયન્સ ક્લબના 60 ડાયાલિસિસ સેન્ટર, 55 બ્લડ બેંક, 175 આંખની હોસ્પિટલ, 200થી વધુ શાળાઓ અને 100થી વધુ પર્યાવરણ પ્રોજેક્ટ કાર્યરત છે. આ સંસ્થા સુરતમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે કેન્સર હોસ્પિટલ વિકસાવી રહી છે.
આ ચાર દિવસની યાત્રા દરમિયાન, વૈશ્વિક પ્રતિનિધિઓ પ્રોજેક્ટ પ્રવાસો, પરોપકારી પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજ્યના અગ્રણી નેતાઓ સાથે વિવિઘ બેઠકોમાં ભાગ લેશે.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવીણ છાજેડે જણાવ્યું હતું કે, “લાયન્સ ઇન્ટરનેશનલ બોર્ડ એવા પ્રદેશોની મુલાકાત લે છે, જ્યાં અસાધારણ કાર્ય થઈ રહ્યું છે અને અમદાવાદ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમારા પ્રોજેક્ટ્સ માત્ર તેમના કદમાં જ નહીં, પરંતુ સામુદાયિક સેવાની ભાવનામાં પણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. અમે અમારા કાર્યને શેર કરવામાં અને અમારા આંતરરાષ્ટ્રીય સાથીદારો સમક્ષ ગુજરાત અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં ખુબજ ગૌરવ અને આનંદ અનુભવી રહ્યા છીએ.”
આ પ્રવાસના પહેલા દિવસે, પ્રતિનિધિઓ અમદાવાદમાં રોહિત મહેતા લાયન્સ મેડિકલ હબ અને લાયન્સ હબની મુલાકાત લેશે. એના પછી, એક સમૂહ સ્વાગત સમારોહ અને સાંસ્કૃતિક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના કલાત્મક વારસા અને પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવશે.
બીજા દિવસે લાયન્સ કર્ણાવતી આંખની હોસ્પિટલ, લાયન્સ કર્ણાવતી ડાયાલિસિસ સેન્ટર, લાયન્સ કર્ણાવતી બ્લડ બેંક અને લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની મુલાકાત કરવામાં આવશે. આ ગ્રુપ એક સેવા પ્રોજેક્ટમાં પણ ભાગ લેશે, જેમાં 100 થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે. પ્રતિનિધિઓ શાળાના પુસ્તકાલયને સમૃદ્ધ બનાવવા માટે પોતપોતાના દેશોના પુસ્તકોનું દાન કરશે.
તે જ દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં હાઇ ટીનું આયોજન કરશે, જ્યાં તેમને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મેડલિયન પ્રદાન કરવામાં આવશે. સાંજે, લાયન્સ લીડર્સનાં ઘરે નાના-નાના ગ્રુપ ડિનરમાં મુલાકાતીઓને દિવાળીના તહેવારોનો અનુભવ કરવાનો અવસર મળશે.
16 ઓક્ટોબરના રોજ, આ પ્રતિનિધિઓ લાયન્સ હોલ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, ડેફ એન્ડ ડમ્બ સ્કૂલ, વિશ્રાંતી ગૃહ, નરોડા સ્કૂલ અને ગોઝારિયા હોસ્પિટલ સહિત હાલમાં જારી વિવિઘ સેવા પહેલોની વિઝીટ કરશે.
આ પ્રવાસ 17 ઓક્ટોબરના રોજ આંબલી અને કાસિન્દ્રામાં વરિષ્ઠ નાગરિકોના ઘરોમાં વિશેષ દિવાળી ઉજવણી સાથે સમાપ્ત થશે, જ્યાં પ્રતિનિધિઓ 110 થી વધુ વૃદ્ધ રહેવાસીઓને ઉત્સવની કીટનું વિતરણ કરશે.
અડાલજ ની વાવ નજીક જલ તરંગ ખાતે યોજાનાર સમાપન સમારોહમાં વૃંદાવનનું 35 સભ્યોનું સાંસ્કૃતિક જૂથ જન્માષ્ટમી, હોળી, દિવાળી, ગણેશ ચતુર્થી અને શિવરાત્રી જેવા તહેવારોની પરંપરાગત પ્રસ્તુતી આપશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #LionsInternational #DiwaliCelebration #LionsClubsInternational #LionsClub
