- ઘીકાંટા મેટ્રોકોટ સંકુલની સામેના ભાગે જ ચેક રીટનના કેસો માટે સાત માળનું નવું બિલ્ડીંગ દોઢ બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા
- ચેક રીટર્નના અંદાજે પાંચ લાખથી વધુ કેસો હજુ પણ પેન્ડિંગ
અમદાવાદ: 26 ઓક્ટોબર 2025:
અમદાવાદમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોના નોંધપાત્ર ભરાવાને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની નવી કોર્ટો શરૃ કરાયા બાદ પણ કેસોનો ભરાવો ક્રમશઃ વધતો જઇ રહ્યો છે. હાલ ચેક રિટર્નની ૨૦ જેટલી કોર્ટો શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે કાર્યરત છે પરંતુ હવે ચેક રિટર્નની આ તમામ કોર્ટો માટે ઘી કાંટા સ્થિત ફોજદારી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ) સંકુલની સામેના ભાગે જ અંદાજે રૃ.૩૦થી ૩૫ કરોડના ખર્ચે સાત માળના નવા બિલ્ડીંગને ઉભુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સાત માળના આ નવા સંકુલની કામગીરી શરૃ કરી દેવાઇ છે, જે પૂર્ણ થતાં આશરે દોઢ-બે વર્ષનો સમય લાગી જાય તેમ છે. આ સમગ્ર સંકુલ માત્ર ને માત્ર ચેક રિટર્નના કેસોની કોર્ટો માટે જ તૈયાર થઇ રહ્યુ છે.

અંગે ગુજરાત બાર કાઉન્સિલની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, મેટ્રોપોલીટન કોર્ટના સામેના ભાગમાં જ જે સાત માળનું આ નવુ કોર્ટ બિલ્ડીંગ ઉભુ થનારું છે, તેમાં ચેક રિટર્નની તમામ ૨૦ કોર્ટો અપનાબજાર બહુમાળી બિલ્ડીંગથી ટ્રાન્સફર કરી અહીં ધમધમતી કરવામાં આવશે. નવા બિલ્ડીંગને ઉભુ કરવાની કામગીરી શરૃ કરી દવાઇ છે. બેઝમેન્ટમાં પાર્કિંગ સહિત સાત માળના સંકુલમાં દરેક માળ પર ત્રણ કોર્ટો સ્થાપવાનું આયોજન છે. આ સિવાય રેકર્ડ રૃમ સહિતની જરૃરી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ બનાવાશે. તો, પક્ષકારોને પણ કોઇ અગવડ ના પડે અને યોગ્ય સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. અંદાજે રૃ.૩૦થી ૩૫ કરોડના ખર્ચે તૈયાર થનારા આ બિલ્ડીંગની કામગીરી પૂર્ણ થવામાં દોઢથી બે વર્ષનો સમય લાગી જાય તેમ છે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, ચેક રિટર્નની કોર્ટો વધવાની સાથે સાથે સામે કેસો પણ બહુ નોધનીય રીતે વધી રહ્યા છે. ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોમાં બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ગૃહ મંડળીઓ અને નાણાં ધિરાણ આપતી સંસ્થાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી છે તો, ચીટીંગના કેસો પણ એ જ રીતે વધી રહ્યા છે, ફુલ્યાફાલ્યા છે. જેના કારણે ચેક રિટર્નના કેસોમાં વધારાનું આ સૌથી મોટુ કારણ છે. સૌથી વધુ કેસો બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ અને શરાફ પેઢીઓ-મંડળીઓ દ્વારા જ મોટા પ્રમાણમાં દાખલ કરવામાં આવતા હોય છે. જેના કારણે કેસોનો ભરાવો પણ એટલી જ હદે વધી રહ્યો છે.

ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા હજુ ત્રણ મહિના પહેલા જ ચાર નવી કોર્ટો અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ, લાલ દરવાજા ખાતે શરૃ કરવામાં આવી હતી. ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોની હાલ કુલ ૨૦ કોર્ટો આવેલી છે, જે તમામ અપનાબજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ સિવાય અમદાવાદની બે સહિત રાજયમાં કુલ પાંચ ઓનલાઇન કોર્ટો પણ ચેક રિટર્નના કેસો માટે ઉપલબ્ધ બનાવાઇ છે. અપનાબજાર બહુમાળી બિલ્ડીંગમાં બોર્ડ ઓફ નોમનીઝ કોર્ટ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ, લેબર કોર્ટેો, અન્ય સરકારી કચેરીઓ અને ઓફિસ હોવાના કારણે ઘણીવાર વકીલો-પક્ષકારોને ભારે અગવડોનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે મેટ્રોપોલીટન કોર્ટની સામેના ભાગે જ તૈયાર થઇ રહેલા સાત માળના બિલ્ડીંગમાં ચેક રિટર્નની આ તમામ કોર્ટો ટ્રાન્સફર થવાથી વકીલો-પક્ષકારો સાથે સાથે બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ સહિતની સંસ્થાઓને પણ મોટી રાહત થશે. કારણ કે, આખુંય નવુ સંકુલ માત્ર ચેક રિટર્નની કોર્ટો માટે જ અલાયદુ હશે. હાલ ચેક રિટર્નની કોર્ટોમાં કરોડો-અબજો રૃપિયાની કિંમતના કેસો પડતર બોલી રહ્યા છે, જેના નિકાલની પક્ષકારો રાહ જોઇને બેઠા છે. ચેક રિટર્નની કોર્ટો માટે કરોડોના ખર્ચે તૈયાર થનારા આ સંકુલને ઉભુ કરવાની કામગીરી શરૃ કરી દેવાઇ છે.
સૌથી નોંધનીય વાત તો એ છે કે,સમગ્ર ગુજરાત રાજયમાં ચેક રિટર્નના પડતર કેસો પૈકી સૌથી વધુ આશરે પાંચ લાખથી વધુ કેસો અમદાવાદમાં પડતર છે. એટલે કે,રાજયમાં ચેક રિટર્નના જે કુલ પડતર કેસો છે, તેમાં એકલા અમદાવાદમાં જ આશરે ૬૦ ટકા કેસો તો પડતર બોલી રહ્યા છે. નવી કોર્ટો શરૃ થયા બાદ ચેક રિટર્નના પડતર કેસોના ઝડપી નિકાલ માટે પણ અભિયાન હાથ ધરાયુ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #GhikantaMetroCourtComplete #ChequeReturn #FinanceCommitteeofGujaratBarCouncil #NewbuildingofSeventhFloorforChequeReturncasesPossibilityofReadyinginOneandAhalfYears #ApnaBazarBahumaaliBuilding #LalDarwaja #Ghikanta #CriminalCourt #MetropolitanCourt #NegotiableInstrumentActinAhmedabad #GujaratHighCourt #ahmedaba



