- નૂતન વર્ષ નિમિત્તે રાજ્યભરના મંદિરોમાં અને દેવસ્થાનોમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો
- ભારે હર્ષોલ્લાસ અને નવી આશા ઉમંગ સાથે બેસતા વર્ષ ભાઈબીજની ઉજવણી
અમદાવાદ: 26 ઓક્ટોબર 2025:
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પ્રજાજનોએ ફટકડા-આતશબાજી, ઝળહળતી રોશનીઓ અને મીઠાઇ-ફરસાણની મિજબાની વચ્ચે ભારે હર્ષોલ્લાસ અને એક નવી આશા-ઉમંગ સાથે બેસતાવર્ષ-ભાઇબીજની ઉજવણી કરી હતી. લોકોએ બેસતા વર્ષના દિવસે દેવી-દેવતાઓના દર્શન કરી, વડીલોના આશીર્વાદ મેળવી એકબીજાને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી, મોં મીઠુ કરાવી નૂતન વર્ષના વધામણાં કર્યા હતા અને બીજા દિવસે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન એવા ભાઇબીજના પર્વની પણ ખુશી સાથે ઉજવણી કરી હતી.

બેસતા વર્ષ અને ભાઇબીજના તહેવારોને લઇ રાજયભરના મંદિરોમાં ખાસ કરીને ડાકોર, દ્વારકા, શામળાજી, સાળંગપુર કષ્ટભંજન દેવ, અંબાજી, ચોટીલા, પાવાગઢ, ખોડલધામ સહિતના તીર્થધામોમાં શ્રધ્ધાળુઓ-દર્શનાર્થીઓનું જાણે ઘોડાપૂર ઉમટયુ હતું. તો નવા વર્ષે અનેક મંદિરોમાં અન્નકુટ અને વિશેષ પ્રસાદનું આયોજન કરાયું હતું.

દિવાળીનાા પર્વની ઉજવણી બાદ પ્રજાજનોએ બેસતા વર્ષ અને ભાઇબીજના પર્વની પણ ફટાકડા ફોડી, આતશબાજી કરી ભારે ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મીની વેકેશનનો માહોલ બન્યો હોઇ પ્રજાજનોના તહેવારની ઉજવણીમાં જાણે બમણો વધારો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નૂતન વર્ષને લઇ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ઝળહળતી રોશનીઓ, લાઇટીંગ, ફુલ-હારના તોરણો, ફુગ્ગા સહિતના અનેક આકર્ષણો સાથે મંદિરોને સજાવવામાં આવ્યા હતા. નવા વર્ષના દિવસે વહેલી સવારથી જ મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોએ દેવી-દેવતાઓના દર્શન માટે ભારે પડાપડી કરી હતી. મંદિર પ્રશાસન દ્વારા પણ હજારો લાખો ભકતોના ધસારાને પહોંચી વળવા સુરક્ષા સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

નૂતન વર્ષ નિમિતે શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ૧૫૧ વાનગીઓ અને ફરસાણો, ખીચડી-કઢી, શાક અને જાતજાતની અને ભાતભાતની મનભાવન એવી અનેક મીઠાઇઓ સાથે ભવ્ય છપ્પનભોગ અન્નકુટ ધરાવાયો હતો. તો, ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પણ બેસતા વર્ષ નિમિતે ભવ્ય ગોવર્ધન પૂજા અને ૧૫૦થી વધુ મીઠાઇઓ, વાનગી અને વ્યંજનો સાથે ભવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે શાહીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર સહિતના અન્ય સ્વામિનારાયણ મંદિરોમાં પણ નવા વર્ષ નિમિતે ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે પણ દાદાની વિશેષ પૂજા-આરતી સાથે છપ્પનભોગ અન્નકુટનું આયોજન કરાયું હતું. હજારો-લાખો શ્રધ્ધાળુ ભકતોએ તમામ મંદિરો કે જયાં અન્નકુટ મહોત્સવનું આયોજન કરાયું તેના દર્શનનો ખાસ લાભ લીધો હતો.

બીજીબાજુ, રાજયના જગવિખ્યાત ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી, ચોટીલા, પાવાગઢ, બગદાણા(બાપા સીતારામ), ખોડલધામ, મોગલધામ સહિતના અનેક તીર્થસ્થાનોમાં તો, મીની વેકેશન અને તહેવારોને લઇ બહુ જબરદસ્ત માનવ મહેરામણ ઉમટયો હતો. લાખો શ્રધ્ધાળુ-ભકતોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી, ભારે પડાપડી કરી હતી. દ્વારકામાં તો ભકતોના અભૂતપૂર્વ ધસારાના કારણે એક નંબરનો ઉભો કરાયેલો ગેટ તૂટી પડયો હતો. જો કે, સદ્નસીબે કોઇ જાનહાનિ નોંધાઇ ન હતી.
જગન્નાથજી મંદિરમાં ભાઇબીજના પર્વની વિશેષ ઉજવણી
શહેરના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં નૂતન વર્ષ બાદ ભાઇબીજના પર્વની વિશેષ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ એક જ મંદિર એવું છે જયાં ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામની સાથે બહેન સુભદ્રાજી બિરાજમાન છે. ભાઇબીજ એ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ હોઇ જગન્નાથજી મંદિરમાં ભાઇબીજના દિવસે મહિલાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી હતી. બહેનો-મહિલાઓએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી પોતાના ભાઇના દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની પ્રાર્થના કરી હતી અને ભગવાન જગન્નાથજીના વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા.
નૂતન વર્ષ નિમિતે ભકતજનોએ દાન-પુણ્યનો ધોધ વહાવ્યો
નૂતન વર્ષ(બેસતા વર્ષ)ના તહેવારને લઇ શ્રધ્ધાળુ ભકતજનો ખૂબ મોટી સંખ્યામાં દાન-પુણ્ય કરી પુણ્યફળનું ભાથુ બાંધ્યું હતું. મંદિરોની બહાર બેઠેલા ભિક્ષુકોને પણ નવા વર્ષે તડાકો પડી ગયો હતો. તો, બેસતા વર્ષને લઇ ભકતોએ ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી ગૌપૂજન કરી ગાય માતાના આશીર્વાદ મેળવ્યા હતા. બેસતા વર્ષ અને ભાઇબીજના તહેવારને લઇ ફુલહાર, પૂજા સામગ્રી અને સુશોભન વાળાઓએ મોં માંગ્યા દામ વસૂલી તગડો નફો રળી લીધો હતો. તહેવારનો લઇ મીની વેકેશનનો માહોલ હોઇ મોટાભાગના ધંધા-રોજગારના સ્થળો અને એકમો બંધ હોઇ રસ્તાઓ પણ જાણે સન્નાટાનો માહોલ છવાયો હતો. સામાન્ય દિવસોની સરખામણીએ માર્ગો પર વાહનવ્યવહાર પણ ખૂબ ઓછો જણાતો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Dakor #Dwarka #Shamlaji #Ambaji #Chotila #Pavagadh #Lakhsofdevoteesflocktopilgrimagesites #NewYear #SittingYear #BhaiBij #NewYearCongratulations #Diwali #SalangPurKashtabhanjanDev #KhodalDham #Temple #ahmedaba



