નીતા લીંબાચીયા, અમદાવાદ:
04 સપ્ટેમ્બર 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ઉદ્યોગ જગતની ચિંતાઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે GCCI દ્વારા રજૂ કરવામાં આવેલી ટેક્સ સંબંધિત અનેક દરખાસ્તો અને સૂચનોને સરકારે સ્વીકાર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બાબત સંવાદ પ્રત્યે સરકારના ખુલ્લાપણા અને ઉદ્યોગ જગત સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે GST ૨.૦ માત્ર એક તકનીકી સુધારો નથી, પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક સક્ષમકર્તા છે, જે નિશ્ચિતતા પૂરી પાડે છે, અવરોધો ઘટાડે છે, પ્રવાહિતા વધારે છે, અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આવા સુધારા આવશ્યક છે. તેમણે GCCIની પરોક્ષ કર સમિતિના અધ્યક્ષ શ્રી નયન શેઠ અને તેમની ટીમે સરકાર સમક્ષ કર સંબંધિત રજૂઆતો અને સૂચનો રજૂ કરવામાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

GST રિફોર્મ્સ ૨.૦ની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા શ્રી એન્જિનિયરે જણાવ્યું:
ટેક્સના દર અંગે GCCI દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો એક નોંધપાત્ર હિસ્સો સરકારે સ્વીકાર્યો છે.
ટેક્સના દરોને વ્યાપક સ્તરે તર્કસંગત બનાવવાથી વ્યવસાયોને જોરદાર વેગ મળશે અને સામાન્ય માણસને પણ રાહત મળશે. તેનાથી વર્ગીકરણ સંબંધિત વિવાદો પણ નોંધપાત્ર રીતે ઘટશે. ગ્રાહક ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, કૃષિ ચીજવસ્તુઓ અને માળખાકીય સુવિધાઓ, જેમાં સિમેન્ટ પરના જીએસટી દરમાં ઘટાડા દ્વારા તેમજ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પણ મજબૂત લાભ મળશે તે પ્રશંસનીય છે. આ ઘટાડાથી નાગરિકોને રાહત મળશે અને કૃષિ તેમજ કન્સ્ટ્રક્શન ક્ષેત્રની વેલ્યુ ચેઇન પણ મજબૂત થશે.
સુધારેલા દરોનો અમલ નવરાત્રિના પ્રથમ દિવસથી કરવાનો વિચારપૂર્વકનો નિર્ણય છે, જે આવનારા તહેવારોના સમય સાથે સકારાત્મક રીતે સુસંગત છે. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કિસ્સામાં ૯૦% કામચલાઉ રિફંડની જોગવાઈથી પ્રવાહિતાનું દબાણ ઘટશે. ટેક્સના દરોમાં ઘટાડા સાથે આ પગલું વ્યવસાયો, ખાસ કરીને MSME અને નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે.
જ્યાં માસિક ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર ₹૨,૫૦,૦૦૦થી ઓછી હોય તેવા કિસ્સાઓ માટે સરળ નોંધણી પ્રક્રિયા દાખલ કરવાથી નાના વેપારીઓ માટેનું પાલન સરળ બનશે.
વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અંગે GCCIની ભલામણને સ્વીકારવાથી ઉદ્યોગોમાં પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં વધુ સ્પષ્ટતા અને ન્યાયીપણું આવશે. સેવાઓની નિકાસમાં “વચેટિયા”ના ખ્યાલને દૂર કરવો એક મુખ્ય સુધારો છે. તેનાથી બિનજરૂરી વિવાદો દૂર થશે અને વૈશ્વિક સેવા વેપારમાં ભારતની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે.
વ્યાપક આર્થિક પરિપ્રેક્ષ્યમાં, GST ૨.૦થી સ્થાનિક વપરાશને વેગ મળવાની, વધુ રોકાણ આકર્ષવાની અને GDPના મજબૂત વિકાસમાં યોગદાન મળવાની અપેક્ષા છે. સુવ્યવસ્થિત ટુ-ટાયર માળખું પારદર્શિતા, અનુમાનિતતા અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોમાં વિશ્વાસ પ્રેરિત કરશે. આ સુધારાઓ પાલનને સરળ બનાવી અને ખર્ચ ઘટાડીને વૈશ્વિક વેપારમાં ભારતની સ્પર્ધાત્મકતા પણ વધારે છે.
GCCI માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરે છે, જેમની આગેવાની હેઠળ આ સુધારાઓ વિકસિત ભારત ૨૦૪૭ના રાષ્ટ્રીય વિઝન સાથે એકીકૃત રીતે સુસંગત છે. નાગરિકો, ઉદ્યોગ અને અર્થતંત્ર એમ ત્રણેયની જરૂરિયાતોને એકસરખી રીતે સંબોધિત કરીને, GST ૨.૦ એક વિકસિત, સર્વસમાવેશક અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા તરફનું એક નિર્ણાયક પગલું રજૂ કરે છે.
GCCI તમામ ક્ષેત્રોના વ્યવસાયોને આ સુધારાઓને તેના સાચા અર્થમાં અપનાવવા, તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા અને વપરાશ, રોકાણ તથા ટકાઉ વિકાસના મજબૂત ચક્રમાં યોગદાન આપવા વિનંતી કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gstreforms2.0 #DevelopedIndia #ViksitBharat #ViksitGujarat #GST2.0 #ViksitBharat2047 #GujaratChamberofCommerce&Industry #pm_modi #PrimeMinisterShriNarendrabhaiModi #gcciPresidentSandeepEngineer #Tax #tax #ahmedabad
