- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા (ITPI) ના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા શહેરી વિકાસ અને આયોજનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
- આયોજનબદ્ધ શહેરીકરણ એ જમીનના વિવેકપૂર્ણ ઉપયોગ, માળખાગત સુવિધાઓનો કુશળ ઉપયોગ, જાહેર પરિવહનને પ્રોત્સાહન, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સામાજિક એકતાને મજબૂત કરવામાં મદદરૂપ બને છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ:
06 સપ્ટેમ્બર 2025:
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા (ITPI) ના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા “ડેન્સિફિકેશન ઓફ એક્ઝેસ્ટિંગ સીટીઝ : ઓપર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જીસ”
(શહેરીકરણ : તકો અને પડકારો) વિષય પર એક ઉચ્ચ-સ્તરીય વર્કશોપનું આયોજન 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના શહેરી આયોજકો, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વક્તાઓએ દેશના લાંબાગાળાના સ્થાયી વિકાસ માટે શહેરોના આયોજનબદ્ધ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ શહેરી વિકાસ વર્ષ 2025 ના ભાગરૂપે યોજાયેલા, આ કાર્યક્રમમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને યજમાન રાજ્ય ગુજરાતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ એક દિવસીય વર્કશોપમાં કોમ્પેક્ટ શહેરી વિકાસ, નીતિગત નવીનતાઓ, ડિજિટલ આયોજન ઉપકરણો અને સ્થાયી શહેરી વિકાસ માટેની વિશ્વ સ્તરીય શ્રેષ્ઠ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં સ્વાગત પ્રવચન આપતા, ITPI ના રાષ્ટ્રીય પ્રમુખ એન.કે. પટેલે શહેરો માટે કોમ્પેક્ટ ડેવલપમેન્ટ મોડેલ અપનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી પટેલે જણાવ્યું હતું કે, “ભારતમાં પ્રતિ નાગરિક એક એકર કરતાં ઓછી જમીન છે. શહેરી જમીન તો તેનાથી પણ ઓછી છે. ચીનમાં આપણા કરતાં પ્રતિ નાગરિક અઢી ગણી વધુ જમીન છે. 50 થી વધુ ભારતીય શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી છે. આડેધડ શહેરીકરણ ગંભીર પડકારો ઉભા કરે છે. આજે યોજનાપૂર્વક શહેરોનો વિકાસ (શહેરીકરણ) ફક્ત ઇચ્છનીય નથી, પણ જરૂરી છે. શહેરોના વિસ્તરણથી ખર્ચ વધે છે અને માળખાગત સુવિધાઓ અને જાહેર સેવાઓ પર વધુ દબાણ આવે છે. આયોજનબદ્ધ શહેરીકરણથી જમીનનો વિવેકપૂર્ણ ઉપયોગ, માળખાગત સુવિધાઓનો કુશળ ઉપયોગ, જાહેર પરિવહનને પ્રોત્સાહન, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સામાજિક એકતાને મજબૂતી મળી શકે છે.”
શ્રી પટેલે નોંધ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ યોજનાબદ્ધ શહેરી વિકાસનું મહત્વ સમજ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સુનિયોજીત વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ પણ શરૂ કરી છે.
મુખ્ય વકતવ્ય રજૂ કરતાં, CEPT યુનિવર્સિટીના પ્રમુખ બર્જોર મહેતાએ ભારતની આર્થિક આકાંક્ષાઓમાં શહેરોના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “ઘણાં દશકોથી, આપણે ભારતને ગામડાઓનો દેશ કહેતા આવ્યા છીએ, પરંતુ હવે તે વ્યાપકપણે સ્વીકારમાં આવી રહ્યું છે કે, શહેરો એ વિકાસનું એન્જિન છે. દુનિયાનો કોઈપણ દેશ શહેરીકરણ વગર વિકસિત થયો નથી. આપણો દેશ, 140 કરોડ લોકોનો દેશ છે અને શહેરો વગર, આપણે ક્યારેય પણ આપણા લોકોની સાચી ક્ષમતાનો અનુભવ કરી શકીશું નહીં. 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ જવા માટે, આપણા શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ બનવા આવશ્યક છે.”
શ્રી મહેતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જે શહેરો ગતિહીન થઈ જાય છે, તેઓ આર્થિક મૃત્યુનો ભોગ બને છે. તેમણે શહેરોના નિરંતર નવીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શહેરોના પુનર્વિકાસને સક્રિયપણે પ્રોત્સાહન આપવા માટે ‘આયોજન કાયદાઓ’ બનાવવાનું પણ આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર પ્રતિભા જૈનેઈ વૈશ્વિક નકશા પર શહેરની વધતી જતી પ્રતિષ્ઠાની નોંધ લીધી હતી.
તેણીએ કહ્યું હતું કે, “અમદાવાદ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે અને ભારતનું સૌથી સ્વચ્છ મોટું શહેર છે. 2036ના ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયાર થઈ રહેલા આ શહેરમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જરૂરી સુવિધાઓને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અપગ્રેડ કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ વર્ષ 2025 માં પ્રતિબિંબિત શહેરીકરણ પ્રત્યે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા, ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.”
કાર્યક્રમમાં આભારવિધિ વ્યક્ત કરતા, ITPI ગુજરાત ચેપ્ટરના પ્રોગ્રામ કોઓર્ડિનેટર રાજેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1,000 થી વધુ ટાઉન પ્લાનિંગ યોજનાઓ બનાવવામાં આવી છે. આગામી હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે ટાઉન પ્લાનિંગ યોજના ફક્ત 8-9 મહિનામાં તૈયાર કરવામાં આવી હતી. તેમણે જ્ઞાનના આદાન-પ્રદાન માટે આવા વર્કશોપના આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ વર્કશોપ દરમિયાન નીતિ અને નિયમનો, શહેરી આયોજનમાં ટેકનોલોજી અને વૈશ્વિક કેસ સ્ટડીઝ પર સત્રો પણ યોજાયા હતા. જેમાં મુખ્ય વક્તાઓમાં HCP ડિઝાઇન, ESRI ઇન્ડિયા, CEPT યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓના અગ્રણી આયોજકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો સામેલ થયા હતા.
આ વર્કશોપમાં શહેરી વિકાસની વ્યૂહરચનાઓ અને માળખાગત વિકાસ ક્ષેત્રે રોકાણનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિશેષજ્ઞો પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત, શહેરી વિકાસની વિવિધ યોજનાઓ, નોકરીના સ્થળો અને બજારો સુધી આવાગમન માટેની વ્યવસ્થા સુધારવા, જાહેર જગ્યાઓ વધારવા અને વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસના સર્જનમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે પણ અભિપ્રાય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નિયમનકારી માળખા, પુરાવા-આધારિત આયોજન માટે ડિજિટલ ઉપકરણો, શહેરી નવીકરણમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને પોષણક્ષમતા, ગતિશીલતા અને જાહેર જગ્યાઓ માટે સમાવિષ્ટ અભિગમો જેવા મુખ્ય વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ ચર્ચા-વિચારણાનો ઉદ્દેશ્ય, દેશમાં પર્યાવરણને અનુકૂળ ટકાઉ શહેરી પરિવર્તનને માર્ગદર્શન આપવા માટે નીતિ, નિયમન અને પાયલોટ હસ્તક્ષેપો માટેની યોગ્ય ભલામણોમાં આ વિચારોને સ્થાન આપવાનો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #AhmedabadcityMayorSmt.PratibhabenJain #EngineofUrbanDevelopment #InstituteofTownPlanners,India #itpiI #GujaratRegionalChapter #DensificationofExistingCities #OpportunitiesandChallenges #UrbanDevelopment #MentoringWorkshop #Workshop #UrbanPlanning #Technology #GlobalCaseStudies #HCPDesign #ESRIIndia #CEPTUniversity #GujaratTechnologicalUniversity #Academicians #IndustryExperts
