નીતા લીંબાચિયા, અમદાવાદ:
28 ઓગસ્ટ 2025:
સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, દીદી કૃષ્ણા કુમારી, હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ લોકોને કરુણા, એકતા અને સેવાના શાશ્વત સંદેશથી પ્રેરણા આપી રહ્યા છે. સુરત, વડોદરા, રાજકોટ અને જૂનાગઢની મુલાકાત પછી પૂજ્ય દીદી કૃષ્ણા કુમારી હવે અમદાવાદ પધાર્યા છે, જ્યાં તેઓ શ્રેણીબદ્ધ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુરુવારે અહીં એક કાર્યક્રમમાં, તેમણે માતાપિતાઓ માટે તેમના બાળકો માટે સમય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મીડિયાકર્મીઓને સંબોધતા દીદીએ કહ્યું હતું કે, “આજે, આપણે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ. જોકે, આપણે તેમને સમય નથી આપી રહ્યા. આપણે તેમને ગેજેટ્સ તો આપી રહ્યા છીએ, પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી આપતા. બાળકો સ્પોન્જ જેવા છે અને માતાપિતાનું અવલોકન અને અનુકરણ કરે છે.”
તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઉપકરણોનો ઉદ્દેશ જીવનને સરળ બનાવવાનો હતો, પરંતુ તે આજે વિક્ષેપ અને સંબંધો તોડવાના સ્ત્રોત બની ગયા છે. તેમણે કહ્યું હતું કે, “ફોન આપણો સમય બચાવવા માટે નિર્મિત થયા હતા, પરંતુ આજે તે સમય બગાડનારા ઉપકરણો બની ગયા છે. માતાપિતા પણ પરિવારના ભોજન દરમિયાન, તેમના ફોન પર ઘણો સમય વિતાવે છે અને સ્વાભાવિક રીતે બાળકો તેમને અનુસરે છે. જો આપણે ઇચ્છીએ છીએ કે, આપણા બાળકોમાં પરિવર્તન આવે તો આપણે આપણા પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ. માતાપિતાએ બાળકો માટે રોલ મોડેલ બનવાની જરૂર છે.”

દીદીએ મૂલ્ય આધારિત શિક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માતાપિતા અને શિક્ષકોને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે યુવાનોના મનમાં પ્રેમ, કરુણા, સ્વ-શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિ કેળવવા વિનંતી કરી હતી. તેમણે આગળ કહ્યું હતું કે, “આપણે, એક સમયે ચારિત્ર્યને સૌથી વધારે માન આપતા હતા. આજે, સંપત્તિ, પદ અને શક્તિ આપણા નવા દેવતાઓ બની ગયા છે. પરંતુ સાચી ખુશી ખરીદી શકાતી નથી અને તેને પ્રેમ, સાદગી અને સેવાભાવી જીવન દ્વારા અંદરથી જ કેળવવી જોઈએ.”
દીદીની આ ગુજરાત યાત્રા, હાલમાં જ, ન્યુ જર્સીના સેકોકસ સિટીમાં “રેવ. દાદા વાસવાણી વે” અને “ટ્રુથ એન્ડ લવ ગાર્ડન” ના ઉદ્ઘાટન પછી આયોજીત થઈ છે. દીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક પત્ર પણ મળ્યો છે, જેમાં તેમણે આ વિકાસ પર પોતાનો આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે.
તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, દીદી શ્રેણીબદ્ધ અનેક બેઠકો અને વાર્તાલાપ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. શાળાના બાળકો અને શિક્ષકોને સંબોધતા, તેમણે સહાનુભૂતિ, દયા અને નૈતિક જવાબદારીના મૂલ્યો વિશે વાત કરી હતી.
દરેક વિદ્યાર્થીએ કઈ એક આદત વિકસાવવી જોઈએ..? એ પ્રશ્નના જવાબમાં દીદીએ કહ્યું હતું કે, “દરેક કામ જાગરૂકતા સાથે કરો. જાગૃતિ સાથે અભ્યાસ કરો, જાગૃતિ સાથે બોલો, તમારા મોબાઇલનો પણ જાગૃતિ સાથે ઉપયોગ કરો. જાગૃતિ સ્પષ્ટતા લાવે છે અને સ્પષ્ટતા શાંતિ લાવે છે.”
દીદી અહીં સિંધી સમુદાયના અગ્રણીઓને મળવાના છે અને સાર્વત્રિક પ્રેમની ભાવના સાથે સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપતા વિવિઘ શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. 30 ઓગસ્ટના રોજ, તેઓ સરદાર પટેલ મેમોરિયલ ખાતે સિંધી ભાષા પર વ્યાખ્યાન રજૂ કરશે, ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ, સિંધુ ભવનમાં જાહેર સંબોધન કરશે, જ્યાં તેઓ ગુજરાતભરમાં તેમની યાત્રા પર ચિંતન કરશે અને દાદાના ઉપદેશો શેર કરશે. તેમની મુલાકાત, 1 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર યુનિવર્સિટી ખાતે એક ખાસ સત્ર સાથે સમાપ્ત થશે, જ્યાં તેઓ સારા ભવિષ્યના ઘડતરમાં, આધ્યાત્મિક મૂલ્યોની ભૂમિકા પર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધન કરશે.
દીદીની આ યાત્રા સાધુ વાસવાણી મિશનની બે મુખ્ય વૈશ્વિક પહેલ પર પણ પ્રકાશ પાડે છે. જેમાં પહેલી પહલ, વિશ્વ માંસરહિત દિવસ છે, જે દર વર્ષે 25 નવેમ્બરે સાધુ વાસવાણીની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ પહેલ હેઠળ, અત્યાર સુધીમાં 25.80 કરોડથી વધુ લોકોએ માંસાહારી ખોરાકથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે.
બીજી પહેલ ‘ધ મોમેન્ટ ઓફ કાલ્મ’ (શાંતિની ક્ષણ) છે, જે માનવતાના વ્યથિત હૃદયમાં ક્ષમા, પ્રેમ અને આંતરિક શાંતિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક વૈશ્વિક શાંતિ આંદોલન છે. તે 2 ઓગસ્ટના રોજ, બપોરે 2:00 વાગ્યે, રેવ.દાદા જે.પી. વાસવાનીના જન્મ સમયે ઉજવવામાં આવે છે. આ ક્ષણ લોકોને થોભવા, બધું ત્યજી દેવા અને તેમની અંદરની શાંતિને અપનાવવાનું આહ્વાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, સાધુ વાસવાણી મિશન શિક્ષણ, આરોગ્યસંભાળ, સામાજિક સેવાઓ, ગ્રામીણ વિકાસ, આપત્તિ રાહત અને સિંધી ભાષાના પ્રમોશન સંબંધિત અનેક પહેલોમાં પણ સામેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #Dada #Compassion #Unity #SadhuVaswaniMission #GlobalHeadDidiKrishnaKumari #DidiKrishnaKumari #Spiritual Journey #Journey #Eternal Service #Surat #Vadodara #Rajkot #Junagarh #gandhinagar #ahmedabad
