ગુજરાતના નોટરીઓ, મહિલા વકીલો માટે વિશેષ બેઠક વ્યવસ્થા સહિતના અનેકવિધ મુદ્દે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીને રજૂઆત કરાઇ

રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વકીલોના કલ્યાણ અર્થે રૂ. પાંચ કરોડની રકમનો ચેક બાર કાઉન્સીલને એડવોકેટ વેલ્ફેર ફંડમાં અર્પણ કરાયો
ચેરમેન જે.જે.પટેલની સાથે ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, સિનિયર એડવોકેટ વિજય એચ.પટેલ સહિતના મહાનુભાવો પણ પ્રતિનિધિમંડળમાં જોડાયા, ગુજરાત સરકારના વકીલો પ્રત્યેના હકારાત્મક અભિગમ અને વેલ્ફેર ફંડમાં અપાયેલી પાંચ કરોડની રકમના નિર્ણયની બાર કાઉન્સીલ દ્વારા ભારે સરાહના
અમદાવાદ, તા.24
ગુજરાતમાંથી ઇન્ટરવ્યુ આપનાર નોટરીઓની નિમણૂંક પ્રક્રિયા સત્વેર પૂર્ણ કરવા, અમદાવાદ સહિત તમામ જિલ્લા-તાલુકા મથકોએ કોર્ટોમાં મહિલા વકીલો માટે વિશેષ બેઠક વ્યવસ્થા સહિતના વિવિધ પ્રશ્નોને લઇ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન શ્રી જે.જે.પટેલના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે રૂબરૂ મુલાકાત કરી યોગ્ય રજૂઆત કરી હતી. બીજીબાજુ, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વકીલોના કલ્યાણ અર્થે રૂ. પાંચ કરોડની રકમનો ચેક બાર કાઉન્સીલને એડવોકેટ વેલ્ફેર ફંડમાં અર્પણ કર્યો હતો.. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, વિજય એચ.પટેલ સહિતના મહાનુભાવોએ સરકારના આ હકારાત્મક અભિગમને હૃદયપૂર્વક આવકાર્યો હતો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો.

તો, ગુજરાત સરકાર તરફથી ફરી એકવાર રાજયભરના વકીલોના કલ્યાણ અર્થે રૃપિયા પાંચ કરોડની આર્થિક સહાય વેલ્ફેર ફંડ હેઠળ બાર કાઉન્સીલને પ્રાપ્ત થતાં સમગ્ર વકીલઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. અત્યારસુધીમાં રાજય સરકાર તરફથી વકીલોના કલ્યાણ માટે કુલ રૂ. ૨૮ કરોડથી વધુની રકમ આપવામાં આવી છે, જે બહુ નોંધનીય અને બહુમૂલ્ય યોગદાન કહી શકાય એવું છે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન શ્રી જે.જે.પટેલના વડપણ હેઠળ ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, વિજય એચ.પટેલ સહિતના મહાનુભાવોના ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે રૂબરૂ મુલાકાત લઇ કરાયેલી રજૂઆતમાં એ મુદ્દાઓ પરત્વે ખાસ ધ્યાન દોરાયું હતું કે, ગુજરાત રાજયમાં જે નોટરીઓની પસંદગી કરવામાં આવી છે અને જેઓના ઇન્ટરવ્યું લેવાઇ ગયા છે, તેમની નિમણૂંકને લઇ ઝડપથી નિર્ણય કરવામાં આવે કારણ કે, તે પ્રક્રિયા વિલંબિત થઇ રહી છે. તો, મહિલા વકીલો માટે તમામ જિલ્લા-તાલુકા મથકોએ બેસવાની કે અન્ય કોઇ યોગ્ય વ્યવસ્થા નથી તો મહિલા વકીલોને પ્રાધાન્યતા આપી તેઓના માટે વિશેષ બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે.

આ સિવાય બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ દ્વારા રાજના ગૃહમંત્રીનું એ બાબત પરત્વે પણ ધ્યાન દોરાયું કે, વકીલો જયારે અસીલોના કામ અર્થે પોલીસ સ્ટેશન કે જેલમાં જાય ત્યારે ઘણીવાર અગવડ પડતી હોય છે અને પોલીસ તરફથી જોઇએ તે પ્રકારનો સહકાર મળતો નથી હોતો, જેને લઇ કયારેય નાનુ-મોટુ ઘર્ષણ થતુ હોય છે, જેથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ આ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપતાં જણાવ્યું કે, તેઓ આગામી દિવસોમાં જયારે પણ જિલ્લા-તાલુકા કક્ષાની મુલાકાત લેશે ત્યારે ત્યાંના સ્થાનિક બાર એસોસીએશનના હોદ્દેદારોને રૂબરૂ મળી ત્યાંના રેન્જ આઇજી, સ્થાનિક જિલ્લા એસપી અને જેલ અધિક્ષકને હાજર રાખી સ્થળ પર જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.
જેના ભાગરૂપે આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી ગાંધીધામ ખાતેની મુલાકાત લેવાના છે ત્યારે ત્યાંના સ્થાનિક વકીલમંડળને રૂબરૂ મળી ઉપરાંત, ત્યાંના સ્થાનિક રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને જેલ અધિક્ષકને પણ બોલાવી તેઓની સાથે રૂબરૂ પરામર્શ કરી આ સમસ્યાનું હકારાત્મક નિરાકરણ લાવવાની સૂચનાઓ આપશે. તો, આવતીકાલે ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી રાજકોટની મુલાકાત લેવાના છે અને આ જ પ્રકારે ત્યાંના સ્થાનિક બાર એસોસીએશનના હોદ્દેદારોને રૂબરૂ મળી ત્યાંના સ્થાનિક રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને જેલ અધિક્ષકને પણ બોલાવી તેઓની સાથે રૂબરૂ પરામર્શ કરી આ સમસ્યાનું હકારાત્મક નિરાકરણ લાવવાની સૂચનાઓ આપશે.

દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તરફથી ગુજરાત બાર કાઉન્સીલને વકીલોના કલ્યાણ અર્થે અપાયેલા રૂ. પાંચ કરોડની રકમના ચેક સાથે અત્યારસુધીમાં રાજય સરકાર તરફથી વકીલોના કલ્યાણ માટે કુલ રૂ. ૨૮ કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ તરફથી સમગ્ર વકીલઆલમ તરફથી આભાર વ્યકત કરાયો હતો. બાર કાઉન્સીલ પ્રતિનિધિમંડળની મુલાકાત દરમ્યાન રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલના નેજા હેઠળ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા 11 હજારથી વધુ વકીલોના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઇ શાહના મુખ્ય મહેમાનપદે યોજાયેલા શપથગ્રહણ સમારોહ કાર્યક્રમને અભૂતપૂર્વ અને ઐતિહાસિક રીતે સફળ બનાવવા બદલ બાર કાઉન્સીલના ચેરમેન અને ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલને વિશેષ અભિનંદન પાઠવી તેમની કામગીરીને પ્રશંસનીય શબ્દોમાં બિરદાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news
