ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ પોતાના રથમાં બેસી નગરચર્ચાએ નીકળશે અને શ્રધ્ધાળુ ભકતોને ઘેરબેઠા દર્શન આપશે.
અમદાવાદ: 26 જૂન 2025:
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ મામાના ઘેર સરસપુરથી મોસાળથી નિજ મંદિર પરત ફર્યા હતા. મામાના ઘેર વધુ પડતી કેરી, જાંબુ, મીઠાઇઓ વધુ પડતી આરોગવાના કારણે ભગવાનને આંખો આવી ગઇ હતી, જેને લઇ ભારે ભકિતભાવ માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પંદર દિવસ બાદ ભગવાન નિજમંદિરે પરત પધારતાં નેત્રોત્સવ વિધિ વખતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.

સરસપુર મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને જમાલપુર સ્થિત નિજ મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. એ વખતે ભગવાનની પહેલેથી જ આતુરતાપૂર્વક રાહ જોઇને બેઠેલા હજારો શ્રધ્ધાળુ ભકતો જય જગન્નાથ…જય જગન્નાથનો જયઘોષ કરતાં ઝુમી ઉઠયા હતા. મહંત દિલીપદાસજી દ્વારા ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ સાથે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં આજે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગજરાજોનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
ભગવાનની આંખો પરના આ પાટા રથયાત્રાના દિવસે તા.૨૭મીએ પરોઢે મંગળા આરતી વખતે વિધિવત્ રીતે ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ પોતાના રથમાં બેસી નગરચર્ચાએ નીકળશે અને શ્રધ્ધાળુ ભકતોને ઘેરબેઠા દર્શન આપશે. બીજીબાજુ, રથયાત્રાને લઇ દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા અનેક સાધુ-સંતો, વિભૂતિઓ અને સામાન્ય જનતા માટે કાળી રોટી, ધોળી દાળનો વિશેષ ભંડારો યોજાયો હતો. કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક જેની પ્રસાદી આજે તમામ પધારેલા ભાવિકભકતોને પીરસવામાં આવી હતી. કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ પામી સાધુ-સંતો સહિત સામાન્ય જનતાના શ્રધ્ધાળુ ભકતો તૃપ્ત થયા હતા. પવિત્ર નેત્રોત્સવ વિધિને લઇ આજે દિવસ દરમ્યાન જગન્નાથજી મંદિરમાં ભકતોની ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #lordjagannathji #jagannathmandir #jagannathtemple #jamalpur #puri #orissa #shobhayatra #bhagvanagannath #rathyatra #148th_rathyatra #lordjagannathji #bahensubhadraji #bhaibalramji #netrotsav #nagaracharya #nagarcharcha #vasnaarea #mameru #specialdance #action #ahmedabad
