તા. 31 મે, 2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક સુધી ફોટો એક્ઝિબેશન ખુલ્લું રહેશે
મયંક માંડલિયા, અમદાવાદ:
21 મે 2025
ભગવાન શિવ અને માતા પાર્વતીનાં નિવાસસ્થાન એવાં કુલ આઠ કૈલાસ પર્વતનું પૃથ્વી પર અસ્તિત્વ છે. જેને કૈલાસ માન સરોવર, બાબા કૈલાસ, આદિ કૈલાસ, શ્રી કૈલાસ, મણિમહેશ કૈલાસ, શ્રીખંડ કૈલાસ, કિન્નાર કૈલાસ અને કુબેર કૈલાસનાં નામથી ઓળખવામાં આવે છે. આ પૈકી પાંચ કૈલાસ પર્વત કૈલાસ માન સરોવર, આદિ કૈલાસ, મણિમહેશ કૈલાસ, શ્રીખંડ કૈલાસ અને કિન્નાર કૈલાસ તરીકે ઓળખાય છે. આ પાંચ કૈલાસની યાત્રા કરીને તેની અદભૂત તસવીરોને જાણીતાં તસવીરકાર શ્રીસલિલ મહેતાએ પોતોના કેમેરામાં કેદ કરી છે.

નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં શ્રી સલીલ મહેતાનાં પંચ કૈલાસ યાત્રા અંગેનાં ફોટો એક્ઝિબિશન ‘ઝલક’ નો તા.12 મે, 2025 થી આરંભ થયો છે. આ ફોટો એક્ઝિબિશન તા. 31 મે 2025 સુઘી ચાલશે અને બપોરે 12 થી 9 કલાક દરમિયાન તે ખુલ્લું રહેશે.

‘ઝલક’ માં કુલ 48 ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. શ્રી સલીલ મહેતા જણાવે છે કે આ પાંચે કૈલાશની યાત્રાઓને છેલ્લા દોઢેક દાયકાઓથી સારી એવી પ્રસિધ્ધિ મળી રહી છે. હજારો યાત્રીઓ આ પાંચે યાત્રાઓનું અનુષ્ઠાન ખૂબ શ્રધ્ધાપૂર્વક આદરે છે અને જ્યારે બધી જ યાત્રાઓને સફળતાપૂર્વક સંપન્ન કરી લે છે ત્યારે પોતાને પંચ કૈલાશી તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અલબત્ત હવે રસ્તા બની ગયા હોવાથી આ પૈકીની કેટલીક યાત્રાઓ હવે વાહન દ્વારા થવા લાગી છે પણ આજથી અમુક જ વર્ષો પહેલા સુધી આ બધી જ યાત્રાઓ પગે ચાલીને જ કરવી પડતી અને આ તમામ યાત્રાઓ હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશનની શ્રેણીમાં મૂકાતી. સ્વાભાવિક છે કે મહાદેવના ઘર સુધી જે જાય એ માર્ગ આસાન તો ન જ હોય. મહાદેવના પ્રાંગણ સુધી લઈ જતો આ પ્રત્યેક માર્ગ મહાદેવના રંગે રંગાયેલો છે અને મહાદેવના અનેકાનેક રૂપને ક્યારેક ક્યારેક, ક્યાંક ક્યાંક, કોઈક ને કોઈક રીતે પ્રતિબિંબિત કરતો રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #salilmehta’sphotoexhibition #panchkailashyatra #satyaartgallery #photoexhibition #navjivantrust #ahmedabad
