અમદાવાદ: 26 એપ્રિલ 2025:
અમદાવાદના એક પુસ્તકપ્રેમી યુવાન શ્રી તુષારભાઈ શાહનું તેઓના પુસ્તક પ્રેમને ઉજાગર કરવા માટે સન્માન થયું હતું. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત એક સમારંભમાં સિદ્ધહસ્ત લેખકોની વચ્ચે, ‘ધર્મ જાગૃતિ કેન્દ્ર’ સંસ્થા દ્વારા મોમેન્ટો અને પુસ્તકો આપી તેઓનુ અભિવાદન કરવામાં આવ્યું હતું.

કોઈ પુસ્તકો ખરીદે, કોઈ વાંચે, તો કોઈ પુસ્તકો ભેટ આપે. પરંતુ અમદાવાદના તુષારભાઈ શાહ એવા પુસ્તક પ્રેમી છે કે જેઓ પુસ્તકો ખરીદે પણ છે, વાંચે પણ છે, અને જરૂરિયાતમંદોને ભેટ પણ આપે છે. આજે 55 વર્ષના તુષારભાઈનું નામ એક પુસ્તક સંગ્રાહક અને અખબાર સંગ્રાહક તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થયું છે. તેઓ માને છે કે આજના મોબાઇલના અને ઇન્ટરનેટના જમાનામાં પુસ્તકોનું મહત્વ ઘટી ગયું છે, ત્યારે પુસ્તક પ્રેમીઓએ પુસ્તકોના મહત્વનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પોતે પુસ્તકો વસાવવા જોઈએ અને બીજાને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ. તેઓ યુવાનોને સલાહ આપે છે કે તમારા જન્મદિવસ કે અન્ય ઉજવણીઓમાં તમે બીજાને પુસ્તકોની ભેટ આપો.
તુષારભાઈ પાસે ખૂબ મોટી સંખ્યામાં મૂલ્યવાન પુસ્તકો ઉપરાંત 5000 મેગેઝીનો અને લગભગ છેલ્લા 45 વર્ષના અખબારોનો કલ્પનાતીત સંગ્રહ છે. આ સંગ્રહ થકી તેઓ સેંકડો લોકોને ઉપયોગી બની ચૂક્યા છે. તેઓના પુસ્તકપ્રેમના પ્રતાપે જળવાઈ રહેલા આ સંગ્રહની વાતો ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય છે.
વાંચનનો શોખ ધરાવતા તુષારભાઈ માને છે કે પુસ્તકો એ ઉધઈનો નહીં પણ માનવના મનનો ખોરાક છે. વિશ્વ પુસ્તક દિવસે આપણે સૌએ રોજ કોઈ પણ એક પુસ્તકના ઓછામાં ઓછા પાંચથી દસ પાના નિયમિત વાંચવાનો સંકલ્પ કરવો જોઈએ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #tusharbhaishah #booklove #celebrating #worldnookday #siddhahastauthor #dharmajagritikendra #momento #books #ahmedabad
