@ વિયતજેટ એરલાઇન ભારત અને વિયેતનામ વચ્ચે મોટા ભાગના રુટ્સ – સપ્તાહ દીઠ 60 થી વધુ ફ્લાઈટ્સ સાથે
@ ભારત થી વીએટજેટ વિમાન દ્વારા 5:30 થી 6 કલાકમાં પહોંચી શકાતા નાનકડા દેશ વિયેતનામ લોકોનું અત્યંત શિસ્તભર્યું વર્તન જોવા મળે છે
@ શાકાહારી વાનગીઓ સહિત નવ ગરમ ભોજનના વિકલ્પો
@વિયેતનામ શિસ્તમાં નંબર વન આ અત્યંત મહત્વપૂર્ણ શહેરમાં મોટાભાગના ચાર રસ્તા ઉપર સિગ્નલો જરૂર જોવા મળે છે પરંતુ તેની આસપાસ ક્યાંય ટ્રાફિક પોલીસ જોવા મળશે નહી.
@ વિયેતનામના રોડ પર રખડતાં કે પાલતું પ્રાણી (ઢોર, કૂતરાં જેવા) ક્યાંય જોવા નહીં મળે..
અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
03 ફેબ્રુઆરી 2025:
વિયેતનામની વાત આવે એટલે હેનોઈ અને સાયગોન (હો ચી મીન્હ સીટી) જ સામે આવે. વળી વિમાનની કન્કેટિવીટી ઓછી હોઈ દા નાંગ જવાનું મોટા ભાગે બધા ટાળતા હતા. અમને તો ખુબજ સુંદર તક મળી અને અમે હો ચી મીન્હ સિટીથી દા નાંગ ગયા. વિયેતનામના પાંચ મોટા શહેરોમાંના એકને જોવાનો અમારામાં અનેરો ઉત્સાહ હતો. શહેરના કુદરતી સૌંદર્ય, અહીંના રિસોર્ટસ, ભોજન અને જોવા લાયક સ્થળો અંગે બહુ સાંભળ્યું હતું પણ આ શહેરની મુલાકાતે અને ખૂબજ પ્રભાવિત કરી દીધા. શહેરને કુદરતી સૌંદર્યનું તો વરદાન છે જ પણ અહીંના લોકોની શિસ્ત – સ્વસ્છતા આંખે ઊડીને વળગે એવા છે. 10 લાખથી વધુની વસતી સાથે વિયેતનામના આ શહેરમાં ખરેખર મોજ માણવાના દિવસો અમને ઓછા પડ્યા એમ કહી શકાય.
નાનું-શાંત શહેર
હનોઈ અને હો ચી મિન્હ સીટી જે તમામ મોજ મજા કરવા મળી તે તમામ અમે આ શહેરમાં કરી શક્યા. આ ઉપરાંત અહીં સૌથી મહત્વની બાબત તો શાંત વાતાવરણ રહ્યું. ગમે એવા સમયે શહેરમાં ટ્રાફિક તો ભાગ્યે જ ક્યાંક વધુ જોવા મળે. બીચના શહેરના કેન્દ્રથી અલગ પાડતી હાન નદી શહેરને કુદરતી સીમા પ્રદાન કરે છે. ઉપરાંત અહીંના બાર, ઉદ્યાનો અને અને જોવા લાયક સ્થળો માટે બહારથી આવનારા લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળે છે.
વિશાળ અને સ્વચ્છ રસ્તા
દા નાંગને જોઈને લાગે જ નહીં કે આ શહેરમાં અન્ય મોટો શહેરોની સરખામણીએ કોઈ કમી હશે. પહોળા, પાકા રસ્તાની સ્વચ્છતા જોઈને કોઈ પણ કહી શકે કે આ માત્ર તંત્રના પ્રયાસોને લીધે શક્ય ન હોઈ શકે, લોકોની શિસ્તને લીધે અહીં વાયુ પ્રદૂષણ તો નહીવત છે વળી કચરો પણ ક્યાંય જોવા મળતો નથી. શહેરનું તાપમાન પણ ખૂબજ રમણિય રહે છે. અહીં સૌથી ઠંડુ 19 ડીગ્રી અને સૌથી વધુ 24 ડીગ્રી વચ્ચે મોટા ભાગની ઋતુમાં તાપમાન જળવાઈ રહે છે. જેના લીધે બહુ ઠંડી કે ગરમીનો અનુભવ થતો નથી. પર્વતો, બગીચાઓ અને મહાસાગરોથી ઘેરાયેલું દા નાંગ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે.
ટ્રાફિકની સમસ્યા નહિવત
સમય ઓછો હોવા છતાં અમે દા નાંગમાં કોઈ જોવાલાયક સ્થળ ચૂકી ન જવાય તેની ખાસ તકેદારી રાખી. હાની નદીની પશ્ચિમે આવેલા સિટી સેન્ટરની મુલાકાત શક્ય ન બની પણ આ સ્થળેથી જ શહેરના તમામ વહીવટી કાર્યો થતાં હોવાનું જાણવા મળ્યું. મુખ્ય શહેરમાં કાફે, રેસ્ટોરન્ટ્સ, માર્કેટપ્લેસ, એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ અને ફેમિલિ હાઉસ શહેરના અદભૂત આયોજનનો બોલતો પુરાવો છે. યોગ્ય આયોજન અને સ્વંયમ શિસ્તને લીધે શહેરમાં ગમે એવા વ્યસ્ત સમયમાં પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી નથી. શહેરમાં નાઈટક્લબોનું કલ્ચર ખાસ નથી પણ બાર અને ક્રાફ્ટ બિયરનું શહેર આને જરૂર કહી શકાય. નદીને સમાંતર દા નાંગની નાઈટ લાઈફ તેના ટ્રેન્ડી કોકટેલ બાર કે પછી ક્રાફ્ટ બિયર પબમાં જોવા મળે છે.
માય ખે વિશાળ બીચ
હાન નદી પરના ચાર પુલમાંથી એક પુલને પાર કરો એટલે માય ખે બીચ આવે. સફેદ રેતીથી પથરાયેલા આ સ્વચ્છ અને વિશાળ બીચની ખૂબજ લોકપ્રિયતા છે. જોકે, બપોર સુધી આ બીચ પર ઓછી અવર-જવર રહે છે. સનસેટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ આ બીચનો આનંદ માણવા સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
પર્વતોથી ઘેરાયેલું શહેર દા નાંગની મોટા ભાગે તમામ બાજુએ પહાડો જોવા મળે છે. માનવ શહેરની મર્યાદાઓને વામણા બનાવતા દા નાંગની ઉત્તર-પૂર્વમાં સોન ટ્રા પેનિનસ્યુલા, દક્ષિણમાં માર્બલ માઉન્ટેન અને પશ્ચિમમાં બા ના પહાડો જોવા મળે છે. 29 દુર્લભ અને ભયંકર પ્રાણીઓ સહિત 200થી વધુ વિવિધ પ્રાણીઓની પ્રજતીઓ માટે આશ્રયસ્થાન સમાન સોન ટ્રા નેચર રિઝર્વ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. શહેરમાં અનેક ગગનચૂંબી ભવ્ય ઈમારતો છે. પહાડની ટોચ પરની લેડી બુદ્ધાની સફેદ પ્રતિમાની ભવ્યતા દરિયા કિનારેથી તો જોઈ જ શકાય છે પણ પહાડની ટોચ પરની આ પ્રતિમાને નિહાળવા પ્રવાસીઓ મોટરબાઈક રાઈડ પણ કરે છે. લેડી બુદ્ધની વિશાળ પ્રતિમા દા નાંગને તોફાનો અને ખરાબ હવામાનથી બચાવવા માટે હોવાનું કહેવાય છે. શહેરની દક્ષિણથી ઉપરની બાજુએ આવેલા માર્બલ માઉન્ટેન પર પેગોડા અને મંદિરો છે. કોતરેલા પગથિયાથી ચઢીને આ સ્થળે પહોંચી શકાય છે જ્યાં સદીઓ જૂના મંદિરો, કોતરણિઓ, ગુફાઓ સહિતની સ્થળો આકર્ષણ ઊભું કરે છે.
માર્બલ પર્વતો અને હૈ વેન પાસ
માર્બલ પર્વતો શહેરથી દૂર નથી અને હોઈ એન જવાના માર્ગે આવેલું આ સ્થળ પર પ્રવાસીઓ માત્ર ચૂનાના પાંચ પર્વતોના ઝુંડને જોવા જ નથી જતા પણ અદભૂત કુદરતી સૌંદર્ય પણ માણે છે. આરસના પર્વતો દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિથી તેની ભવ્ય ગુફાઓ, ટનલ, મંદિરો અને પેગોડાથી પરિચય કરાવે છે. બીજી બાજુ, હૈ વાન પાસ એ દા નાંગથી હ્યુ સુધીનો સૌથી મનોહર માર્ગ છે. હૈ વાન પાસ એ માત્ર વિયેતનામનો સૌથી ઊંચો પાસ નથી, તે વિશ્વના ટોચના દસ સૌથી સુંદર દરિયાકાંઠાના રસ્તાઓમાંથી એક તરીકે પણ ઓળખાય છે.
ગોલ્ડન બ્રિજ
દા નાંગની ટોચ પર નુઈ ચુઆ પર્વત, બા ના હિલ્સ પર સ્થિત ગોલ્ડન-જાયન્ટ હેન્ડ બ્રિજ છે. વિશ્વના ટોચના 10 અનોખા આર્ટિચેક્ચરમાં સ્થાન મેળવનારો આ બ્રિજ હકીકતમાં કોઈ નદી કે તળાવ પર નથી આવેલો, તે પહાડોની વચ્ચે બનેલો છે. આ પુલમાં માર્સેલી સ્ટેશન અને થિએન થાઈ ગાર્ડનમાં બોર્ડેક્સ સ્ટેશન પર બે માથા મૂકવામાં આવ્યા છે. હવામાં મેઘધનુષ્ય જેવો વક્ર આકાર ધરાવતો ગોલ્ડન બ્રિજ 1414 મીટરની ઊંચાઈ પર છે. આ સ્થળે પહોંચવા કેબલ કારમાં જવું પડે છે. કેબલ કારમાંથી દા નાંગનો અદભૂત નજારો પણ માણવા મળે છે. જોકે, એના માટે વાતાવરણ સ્વચ્છ હોય એ જરૂરી છે, મોટે ભાગે અહીં વાદળો હોઈ નીચેનો નજારો બહુ ખાસ જોવા મળતો નથી. ગોલ્ડન બ્રિજ પરથી પર્વતોનો ચારે બાજુનો નજારો અને નીચેની તરફ દા નાંગ શહેરના દ્રશ્યો માણવાની તક જરૂર ક્યારેક મળે છે.
વાહન વ્યવહાર સરળ
દા નાંગમાં શહેરની બહાર આવેલા કેટલાક ધોધ અને પહાડોને બાદ કરતા દરેક જરૂરી સ્થળના અંતર બહુ લાંબા નથી તેથી અહીં સાયકલથી પણ કામ ચાલી જાય છતાં પ્રવાસી માટે ગ્રેબ ટેક્સીઓ ઝડપી અને સસ્તું માધ્યમ છે. અહીં દરેક જરૂરી સ્થળે પહોંચવાનું અંતર પંદર મિનિટની ડ્રાઈવ કરતા વધુ નથી. ભોજનને લાગે વળગે છે ત્યાં સુધી અહીં મધ્ય વિયેતનામી સ્વાદમાં નોનવેજ ઉપરાંત કેટલિક વેજ ડિશ પણ મળી રહે છે. આ ઉપરાંત અહીં કેટલાક સ્થળે શુદ્ધ ભારતીય ભોજન પણ હવે મળતું થયું છે. બીયરના શોખીનો માટે અહીંની લારુ અને હુડ જેવી સ્થાનિક બ્રાન્ડ પણ ઉપલબ્ધ છે.
કોકોનટ કોફી
ભોજનની વાત કરીએ તો જૂના શહેરના મધ્યમાં અને શોપિંગ મોલ્સમાં મશરૂમિંગ હિપસ્ટર કાફે અને રેટ્રો-ચીક સ્વાદના શોખીનોને આકર્ષે છે. વિયેતનામની કોકોનટ કોફીની પણ અહીં ખાસ લહેજત માણી શકાય છે. વિયેતનામીસ નૂડલ બાઉલ્સ અને ડમ્પલિંગ માંસાહારીઓ માટે મળી રહે છે. દરિયાકિનારે સળંગ આવેલી હોટેલોમાં માછલીઓની તાજી વાનગીઓ પિરસાય છે.
ડ્રેગન બ્રિજ
ડ્રેગન બ્રિજ 2,185-ફૂટ-લાંબો અંડ્યુલેટિંગ ગોલ્ડન ડ્રેગન જેવો આકાર ધરાવે છે, તે દા નાંગમાં હાન નદી પરનો સૌથી પ્રખ્યાત પુલ છે. પુલના બન્ને છેડે વિશાળ ડ્રેગનના માથા જોવા મળે છે. સુંદર લાઈટિંગથી સજ્જ આ બ્રિજનો નજારો રાતના સમયે માણવા લાયક છે.
સંસ્કૃતિ અને ઇતિહાસ
ઉત્તરમાં હનોઈ અને દક્ષિણમાં હો ચી મિન્હ વચ્ચેના લગભગ અડધા રસ્તે, દા નાંગ હાન નદીના પશ્ચિમ કિનારે એક મહત્વપૂર્ણ બંદર છે. હોઈ એન, હ્યુ અને માય સન સાથેની નિકટતા તેને વિવિધ સંસ્કૃતિઓ અને વિયેતનામની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓને વાગોળવા માટેનું યોગ્ય સ્થાન છે. ચમ મ્યુઝિયમ ઑફ સ્કલ્પચર ખાતે માય સન, ટ્રા કિયુ, ડોંગ ડુઓંગ અને થાપ મામમાં ભૂતપૂર્વ ચંપા સાઇટ્સમાંથી મેળવેલા અદ્ભુત પથ્થરના ટુકડા અને ખોદકામ એક અનોખો અનુભવ કરાવે છે. તે દેશના ટોચના સંગ્રહાલયોમાંનું એક છે. દા નાંગ મ્યુઝિયમ ખાતેની ઐતિહાસિક ગેલેરી પણ મુલાકાત લેવા જેવી છે કારણ કે તે વિયેતનામ યુદ્ધ દરમિયાન ભયાનક અમેરિકન વ્યૂહરચના અને બોમ્બમારા અંગેની માહિતી આપે છે.
બાના હિલ્સ
બાના હિલ્સની એક દિવસની ઓછો પડી શકે છે. સામાન્ય રીતે ત્યાં સવારે જાઓ તો બપોરે ચારેક વાગ્યા સુધીમાં પરત ફરવું પડતું હોય છે. હવે ત્યાં પણ રહેવાની વ્યવસ્થા હોઈ અનેક હોટલ્સમાં નાઈટ સ્ટે કરી શકાય છે. દા નાંગ શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે આશરે 1 કલાક દૂર બાના હિલ્સ પ્રવાસીઓની પહેલી પસંદ છે. બા ના હિલ્સ પર ગાર્ડન, પગોડા, ગેમ ઝોન, ફૂડ કોર્ટ, બીયર ફેકટરી પણ આવેલી છે. દા નાંગના પ્રવાસનમાં બા ના હિલ્સ નવું આકર્ષણ છે. અહીં 150-મીટર-લાંબા ગોલ્ડન હેન્ડ બ્રિજ છે જે તેના આર્કિટેક્ચર માટે જાણીતો સૌથી અનોખો માનવસર્જિત પુલ છે. બા ના હિલ્સ ખાતે, વિશ્વ-સ્તરની કેબલ કાર (ઘણા વિક્રમો સ્થાપિત કર્યા છે) ખરેખર રોમાંચક સફર કરાવે છે.
બિયર ફેક્ટરી
બા ના હિલ્સ પરની બિયર ફેક્ટરીની મુલાકાત અવિસ્મરણીય બની રહે એમ છે. બિયર ફેક્ટરીમાં બિયર બનતું તો જોવા મળે જ છે વળી અહીં લાઈવ મયુઝિક કોન્સર્ટ પણ મુલાકાતીઓ માણી શકે છે. એક તરફ લાઈવ બિયર બનતા જોવું અને બીજી બાજુ લાઈવ મ્યુઝિકનાના તાલે ઝૂમતા મુલાકાતીઓને જોવાની મજા કંઈક ઓર જ છે. સૌથી નીચેના ફ્લોર પર બિયરની ફેક્ટરી છે એના પછી બિયર બાર છે અને ઉપરના ફ્લોર પર કલાકારો દ્વારા લાઈવ મ્યુઝિક પ્રસ્તુત કરવામાં આવે છે. બહાર નિકળતા પહેલા વિશાળ વેજ-નોન વેજ રેસ્ટોરન્ટ છે જેમાં મુલાકાતીઓ તેમના સ્વાદ મુજબના ભોજનનો આનંદ માણી શકે છે. ભારતીય ભોજન પણ અહીં મળે છે.
કોકોનટ વિલેજ
હોઈ-એન કોકોનટ વિલેજ શહેરમાં સૌથી વધુ ઇન્ટરલેસ્ડ વોટરવે સિસ્ટમ ધરાવે છે. ચાર નદીઓથી ઘેરાયેલું અને નાની નાની નહેરો સાથે જોડાયેલું આ પાણીનું નેટવર્ક છે. આખું વર્ષ રહેતા તાજા પાણીને કારણે અહીં પામ જંગલો આવેલા છે.
બાસ્કેટ બોટની મોજ
હોઈ એનની હોઈ નદીમાં સામાન્ય બોટની સાથે બાસ્કેટ બોટનું ખાસ આકર્ષણ છે. આ બોટમાં નારિયેળીન વૃક્ષોની વચ્ચેથી પસાર થતી નદીમાં મુસાફરી કરવાનો રોમાંચ માણવા મળે છે. આ ઉપરાંત અહીં બાસ્કેટ બોટ પર સ્થાનિક બોટ ચાલકો દ્વારા કરાતા કરતબો તો પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દે છે.
અનેક પુલ
દા નાંગને કેટલીકવાર ‘સિટી ઓફ બ્રિજીસ’ કહેવામાં આવે છે, અને તેના સાત ઓવર-ધ-વોટર સ્ટ્રક્ચર્સ શહેરના આકર્ષણનો પ્રતિકાત્મક ભાગ છે. પીળા રંગનો ડ્રેગન બ્રિજ સૌથી વધુ જાણીતો છે, જો કે સેલ્ફીના શોખીનોમાં લવ બ્રિજ વધુ પ્રિય છે. આ બ્રિજની રેલિંગ્સ પરના દરેક લોખંડની જાળી પર અનેક રંગના અસંખ્ય તાળાઓ લગાવાયા છે. આ તાળાં પ્રેમિ પંખિડા તેમની મનોકામના પુરી થાય એ માટે લગાવતા હોય છે.
હાન નદી અને પુલ
હાન નદી દા નાંગના સૌંદર્યમાં એક અનોખું પ્રકરણ ઉમેરે છે. તે અસંખ્ય રોમાંચક પુલોથી પણ સજ્જ છે જેના પરન લાઇટ શો અને વોટર પર્ફોર્મન્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવે છે. અગ્નિ અને પાણીનો અદભૂત શો જોવા માંગતા હોઈએ, તો સપ્તાહના અંતે રાત્રે 9 વાગ્યે ડ્રેગન બ્રિજની આસપાસ રહેવું જરૂરી છે. ચમકદાર શોનો આનંદ માણવા માટે રિવરફ્રન્ટ સાથેના બાર અને કાફેમાં અથવા હાન નદી પરની ફેન્સી યાટ્સમાં બેસીને સુંદર નજારો નિહાળી શકાય છે.
વિયેતનામમાં પ્રવાસી માટેના નવા આકર્ષણ તરીકે દા નાંગ ખૂબજ ઝડપથી ઊભરી રહ્યું છે. અગાઉ હેનોઈ અને હો ચી મિન્હ સીટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હતો. જોકે, વિયેતજેટે અમદાવાદથી દા નાંગની સિધી વિમાની સેવા શરૂ કરતા દા નાંગમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.