નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 જાન્યુઆરી 2025:
પરિવર્તનશીલ સમયમાં યુવા વર્ગને સાંકળી લેતી કોમ્યુનીકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ (એનપીએફ) એડીશન–II નું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએફ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે.
આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં ચેરમેન શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે “નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલમાં સામાજીક અને સાંસ્કૃતિક સંદેશામાં ગાઢ અસર ધરાવતા દેશનાં વિવિધ ભાગોનાં આર્ટિસ્ટસનું કાર્ય પ્રદર્શિત થશે. એનપીએફમાં ટોક્સ, ફિલ્મ સ્ક્રીનીંગ્સ, પોર્ટફોલિયો રિવ્યુઝ, પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને આર્ટિસ્ટસ સાથે વાર્તાલાપ જેવાં વિવિધ કાર્યક્રમો યોજાશે.”
શ્રી વિવેક દેસાઈએ કાર્યક્રમની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે “એનપીએફ એડીશન–IIમાં દેશનાં ચુનંદા આર્ટિસ્ટસનાં કુલ આઠ એક્ઝિબિશન છે. વિઝ્યુઅલ આર્ચાઇવ્ઝ ઓફ કુલવંત રોયનું ક્યુરેટિંગ આદિત્ય આર્ય, નિમાઈ ઘોષ- ડાયલોગ વીથ ધ કેમેરાનું ક્યુરેટિંગ ઈના પુરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુકેશ પારપિયાનીનું ટ્રેજેડી એટ મિડનાઈટ્સ, આશા થડાણીનું બ્રોકન, તરૂણ ભરતિયાનું ઇએમ/એનઓ, સુનીલ આદેશરાનું ધ આણંદ પેટર્ન, યશપાલ રાઠોરનું ટાઇગર-ટાઈગર અને પ્રસેનજીત યાદવના ‘શેન: ધ લેપર્ડ ઓફ ધ માઉન્ટેન્સ/લિવિંગ ટ્રી બ્રિજીઝ ઇન એ લેન્ડ ઓફ ક્લાઉડ્સ’નો એક્ઝિબિશનમાં સમાવેશ થાય છે.”
એનપીએફ એડીશન–II નો તા. 2 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 5.00 કલાકે આરંભ થશે. તા. 3 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન મુકેશ પારપિયાનીનો વિવેક દેસાઈ સાથે વાર્તાલાપ અને 7 થી 7.45 કલાક દરમિયાન ઈના પુરીનો અનુજ અંબાલાલ સાથે વાર્તાલાપ યોજાશે.
તા. 4 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન આશા થડાણીનો અનુજ અંબાલાલ સાથે અને સાંજે 7 થી 7.45 કલાક દરમિયાન યશપાલ રાઠોરનો સૌરભ દેસાઈ સાથે વાર્તાલાપ યોજાશે.
તા. 5 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 7.00 કલાકે સોનાલી ડી સાથે ફોટોગ્રાફી યોજાશે. બપોરે 2.30 થી 4.30 કલાક દરમિયાન હિમાંશુ પંચાલ દ્વારા પિકસેલ ટુ પ્રિન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 5.30 કલાક દરમિયાન ધેર્યકાંત ચૌહાણ મેમોરિયલ ઓલ ઇન્ડિયા ફોટો કોમ્પીટીશનનાં એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5.45 થી 6.30 કલાક દરમિયાન તરૂણ ભરતિયાનો વાર્તાલાપ મિતુલ કજારિયા સાથે યોજાશે. સાંજે 6.45 થી 7.45 કલાક દરમિયાન સોનાલી ડીની ફિલ્મ ‘ધ નેઇમ ઇઝ લિન્કડ ઇન ફેઇથ’નું સ્ક્રીનીંગ કરવામાં આવશે.