નીતા લીંબાચિયા, અમદાવાદ:
03 જાન્યુઆરી 2025:
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સંદીપ એન્જીનીયર, પ્રમુખ, GCCIએ તેમના સ્વાગત પ્રવચનમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની આકાંક્ષાને આગળ વધારવામાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ વેપારની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતની પ્રગતિશીલ EXIM નીતિ તેમજ “મેક ઇન ઇન્ડિયા” જેવી અનેક પહેલોની વૈશ્વિક વેપાર પર સકારાત્મક અસર થઇ છે તેવું જણાવ્યું હતું.
વધુમાં તેઓએ વેપાર અને ઉદ્યોગના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સરકાર તરફથી અનેક પગલાં લેવામાં આવ્યા છે જેના કારણે ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું વાતાવરણ ઉભરી આવ્યું છે, તેવું જણાવ્યું હતું. તેઓએ GCCI ની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટીને આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી સુરેન્દ્ર શાહ, ચેરમેન, બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી, GCCI, એ તેમના પ્રાસંગિક સંબોધનમાં વૈશ્વિક આર્થિક ગતિશીલતા માટે વેપાર પ્રણાલી સાથે નવીન નીતિઓને સંકલિત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સંજય રુદ્રએ ગુજરાત રાજ્યએ ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે તેવું જણાવ્યું હતું અને દેશની આર્થિક વૃદ્ધિનો શ્રેય રાજ્યના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશ એ ભાવિ વૈશ્વિક આર્થિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. તેમણે મેક ઇન ઇન્ડિયા જેવી પહેલની પ્રશંસા કરી અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ફાઇનાન્સમાં બીજા ક્રમની સૌથી મોટી બેંક છે તેવું જણાવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગ અને વેપાર ની અનેક તકો છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, રોકાણને પ્રોત્સાહન આપવા અને મુક્ત વેપાર કરારો (FTAs) જેવી નીતિઓ એ નિકાસ વૃદ્ધિ અને આર્થિક ઉન્નતિ માટે ચાવીરૂપ છે તેવું જણાવ્યું હતું.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ હેડ શ્રી અખિલેશ કુમારે ભારતની નિકાસ અર્થવ્યવસ્થામાં મુખ્ય યોગદાન આપનાર તરીકે ગુજરાતની મહત્ત્વની ભૂમિકાને ઉજાગર કરતા ક્રોસ બોર્ડર વેપાર અંગે વિગતવાર પ્રેઝેન્ટેશન આપ્યું હતું. તેમણે રાજ્યના વ્યૂહાત્મક ફાયદાઓ દર્શાવ્યા, જેવા કે, ગુજરાત રાજ્યની ઔદ્યોગિક શક્તિ, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધનિક બંદરોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક વેપારમાં તેની સ્થિતિને મજબૂત બનાવે છે. તેમણે ઉભરતા પ્રવાહો, મુખ્ય પડકારો અને વૃદ્ધિની તકોને સંબોધતા ભારતના એકંદર વેપાર પ્રદર્શનની પણ સમીક્ષા કરી.