નીતા લીંબાચિયા, અમદાવાદ:
09 જાન્યુઆરી 2025:
લકુલીશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો આરંભ થયો હતો. તા- 9 અને 10 જાન્યુઆરી -2025 દરમિયાન ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સ્વામીનારાયણ રિસર્ચ સેન્ટર-વડતાલ ધામ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સ પ્રત્યક્ષ(ઓફલાઈન) અને ઓનલાઈન એમ બંને પ્રકારે યોજાશે.
આ પ્રસંગે લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી વિવેક મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, આધુનિક સમયમાં યોગનો પ્રચાર-પ્રસાર વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. ત્યારે ‘વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા’ આ અંગે સમાજમાં વ્યાપક સ્તરે અને ખાસ યોગના અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા રસ ધરાવનારા સૌ કોઈને પાયાનુ જ્ઞાન મળે, આ દિશા તરફ પણ તેમની દૃષ્ટિ કેળવાય તે હેતુથી આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(2020)માં પણ ભારતીય જ્ઞાન ગ્રંથો, ભારતીય સનાતન પરંપરા વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે આ પરિસંવાદ અત્યંત જરૂરી અને આવકાર્ય બની રહેશે.
આ પ્રસંગે લકુલીશ યોગ યુનિવર્સિટી, ઇન્ડિયા નોલેજ સિસ્ટમ(IKS) વિભાગના અધ્યક્ષ અને આ આંતરાષ્ટ્રીય પરીસંવાદના મુખ્ય આયોજક(સેક્રેટરી) ડો. નેહલ દવેએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં યોગ એટલે માત્ર આસન-પ્રાણાયામ જ નહીં, પરંતુ યોગ આધારિત ભારતીય જ્ઞાન પ્રણાલીમાં રોજિંદા જીવનના મોટાભાગના પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ‘માનવ અને સામાજિક મૂલ્યો પર AI ના પડકારો સામે યોગ આપણને કેવી રીતે મદદરૂપ થશે?’ ‘તણાવ ભરેલા આધુનિક જીવનમાં માનસિક સ્વાસ્થ્યમાં યોગની ઉપયોગીતા’, ‘યોગ અને મનોવિજ્ઞાન’ વગેરે જેવાં આશરે 50થી પણ વધારે વિવધ વિષયો અંગે સંશોધન પેપર રજૂ થશે અને નિષ્ણાતો દ્વારા તેના ઉપર જ્ઞાનસભર ચર્ચાઓ પણ થશે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સંસ્કૃત અને ભારતીય જ્ઞાન પ્રણાલીના પ્રચાર-પ્રસારમાં ગુજરાત સાહિત્ય અકાદમીની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ‘આજે આધુનિક યુગમાં AI ની સાથે સંસ્કૃતનો સમન્વય કરીને જીવનને વધારે સુગમ કેવી રીતે બનાવી શકાય? ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંસ્કૃત વિષયના પરંપરાગત જ્ઞાન અંગેની રજૂઆત આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં થશે. આ ઉપરાંત ભારતીય જ્ઞાનને સાચવવા અને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે સંસ્કૃત ભાષા અને તેના શિક્ષણની અગત્યતા પર પ્રકાશ પાડતા સંશોધન પેપર પણ આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં રજૂ થવાના છે.
ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતા શાસ્ત્ર ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. યોગની જેમ સંસ્કૃત ભાષાને પણ દુનિયામાં આવકાર મળી રહ્યો છે. વિશ્વની સુખાકારી માટેના વિવિધ પાસાઓની સમજણ ભારતીય જ્ઞાન ગ્રંથોમાં આપવામાં આવી છે.
સમગ્ર ભારતભરમાંથી અને ગુજરાતથી આશરે 350 થી વધુ વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં જોડાયા. આ પરિસંવાદમાં ઓનલાઈન માધ્યમ દ્વારા વિદેશથી આશરે 50થી વધુ લોકો જોડાયા હતા.