નીતા લીંબાચિયા, અમદાવાદ:
09 જાન્યુઆરી 2025:
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત” ના વિઝનને 2047 સુધીમાં સાકાર કરવાની પ્રતિબદ્ધતા ના ભાગરૂપે ગુજરાતમાં ઉદ્યોગો સામેના પડકારોનો સામનો કરવા માટે નોંધપાત્ર પગલાં લીધેલ છે.
આ ઉદ્દેશ્યનાઅનુસંધાને,, ઉદ્યોગ કમિશનરે રાજ્યભરના અગ્રણી ચેમ્બર અને ઔદ્યોગિક એસોશિયેશનોના પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું, જેનો હેતુ ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમને સુધારવા માટે મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનો એકત્રિત કરવાનો હતો.
GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર; સિનિયર ઉપપ્રમુખ શ્રી રાજેશ ગાંધી; ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ અને માનદ મંત્રી શ્રી ગૌરાંગ ભગતે બેઠકમાં હાજરી આપી હતી, અને વેપાર અને ઉદ્યોગોને લગતા સૂચનો આપ્યા હતા..
શ્રી સંદીપ એન્જિનિયરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલા સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી, ઔદ્યોગિક પ્રશ્નોના ઉકેલ માટે તેમના દ્વારા કરવામાં આવેલ પહેલને આવકારી હતી. ગુજરાત રાજ્યના એકંદર વિકાસમાં ઔદ્યોગિક વિકાસ મુખ્ય ભૂમિકા ભજવે છે તેવું તેમને જણાવ્યું હતું.
માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બલવતસિંહ રાજપૂત; માનનીય MSME અને સહકાર રાજ્યમંત્રી, શ્રી જગદીશભાઈ પંચાલ; ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ, શ્રીમતી મમતા વર્મા, IAS; GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા, IAS; ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલે, IAS; અને સંબંધિત વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠક ખૂબ જ ફળદાયી સાબિત થઈ હતી, જેમાં મોટાભાગના ઉદ્યોગોને લગતા નાના મુદ્દાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વધુમાં, બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ ઝડપી બનાવવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા.
GCCI માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રશ્રીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા લેવામાં આવેલી સક્રિય પહેલની પ્રશંસા કરે છે. આ પ્રયાસો ઔદ્યોગિક ઇકોસિસ્ટમને આગળ વધારવા, વિકાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવા અને 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફરમાં ગુજરાત અગત્યની ભુમિકા ભજવશે.