નીતા લીંબાચિયા, અમદાવાદ:
02 જાન્યુઆરી 2025:
GCCIના “મહાજન સંકલન ટાસ્ક ફોર્સ” દ્વારા વિવિધ સંલગ્ન સંગઠન તેમજ ભારતીય રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી તારીખ 1 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી, 2025 સુધી “દ્વિવાર્ષિક મેગા રક્તદાન ડ્રાઇવ” નું આયોજન થયેલ છે. પ્રસ્તુત “દ્વિવાર્ષિક મેગા રક્તદાન ડ્રાઇવ” નું આયોજન GCCI દ્વારા ખાસ સંસ્થાની સ્થાપના ના 75માં વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે તેમજ GCCI ની “સમુદાય કલ્યાણ” પરત્વેની પ્રતિબદ્ધતા બાબતે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સમાન છે.
પ્રસ્તુત “દ્વિવાર્ષિક મેગા રક્તદાન ડ્રાઇવ” નું ઉદ્ઘાટન આજરોજ તારીખ જાન્યુઆરી 1, 2025 ના દિવસે “અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન” ખાતે GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સંદીપ એન્જિનિયર, પ્રમુખ, GCCIની સાથે શ્રી આશિષભાઈ ઝવેરી, અધ્યક્ષ, મહાજન સંકલન સમિતિ, શ્રી ચિંતન શેઠ, પ્રમુખ, અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તેમજ એસોસિએશનના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સંદીપ એન્જિનિયરે તેઓના પ્રાસંગિક ઉદબોધન માં અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન ને રક્તદાન કેમ્પના ઝીણવટભર્યા આયોજન અને અમલીકરણ માટે બિરદાવ્યું હતું.
તેઓએ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીથી ઉદ્ભવતા અનેકવિધ સ્વાસ્થ્ય પડકારો વિષે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આવા પડકાર સમયે ખાસ સહાયભૂત થવા “રક્તદાન” ખુબ થઇ પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે GCCI દ્વારા કરવામાં આવેલ આ પહેલ GCCI ના સામાજિક કલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ અને આરોગ્ય વિષયક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંસ્થાના સક્રિય વલણને પ્રતિબિંબિત કરે છે.
GCCI એ તેઓના બધા સભ્યો અને સંકળાયેલ એકમોને ઉપરોક્ત રક્તદાન ડ્રાઈવ દરમિયાન તેઓની ઓફિસ અથવા ફેક્ટરી પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરીને આ ઉમદા હેતુ માં ભાગ લેવા અપીલ કરી છે.
અમદાવાદ ટીમ્બર મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ શ્રી ચિંતનભાઈ શેઠ દ્વારા આ ઉમદા કાર્યમાં યોગદાન આપવા બદલ તમામ સહભાગીઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કરીને સમારંભનું સમાપન થયું હતું.