આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકિર્તીયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના સમુદાયના સાધુ-સાધ્વીઓ પર તેમ જ બે તિથી(ચાર થોય)સમુદાયના અનુયાયીઓ જૈનો વિરૂધ્ધ ઉશ્કેરણીજનક અને લાગણી દુભાય તે રીતે તેઓને હડધૂત કરી અશ્લીલ ગાળો બોલી ગુરુ મહારાજની ખાલી ડોલીની તોડફોડ કરવાના અને માલ મિલ્કતને નુકસાન કરવાના ચકચારભર્યા કેસમાં એફઆઇઆર નોંધાયાને સવા મહિનો વીતી જવા છતાં આરોપીઓની હજુ સુધી ધરપકડ નહી થતાં પોલીસની ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠયા
ફરિયાદપક્ષ અને જૈન શ્રાવકો તરફથી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી માટે વડાપ્રધાન કાર્યાલયથી માંડી નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશન, સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમીશન, રાજયના મુખ્યમંત્રી, ગૃહ વિભાગ, ડીજીપી સહિતના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી
અમદાવાદ,તા.1
થરાદમાં જૈન સંપ્રદાયના બે જૂથ વચ્ચેના આંતરિક રાગદ્વેષમાં ફેબ્રુઆરી-૨૦૨૪ દરમ્યાન જૈન ધર્મગુરુ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકિર્તીયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના સમુદાયના સાધુ-સાધ્વીઓ પર તેમ જ બે તિથી(ચાર થોય)સમુદાયના જૈનો વિરૂધ્ધ ઉશ્કેરણીજનક અને લાગણી દુભાય તે રીતે તેઓને હડધૂત કરી અશ્લીલ ગાળો બોલી ગુરુ મહારાજની ખાલી ડોલીની તોડફોડ કરવાના અને માલ મિલ્કતને નુકસાન કરવાના ચકચારભર્યા કેસમાં નવ-નવ મહિના બાદ પણ સ્થાનિક પોલીસે હજુ સુધી કોઇ ત્રણ થોય (ત્રિ સ્તુતિક સમુદાયના)આરોપીઓની ધરપકડ નહી કરતાં કે તપાસમાં કોઇ પ્રગતિ નહી કરતાં બે તિથિ જૈન સમુદાયમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે. જો પોલીસ હજુ પણ આરોપીઓને પકડવાના કે તપાસની ફળશ્રુતિના પગલાં નહી લે તો આ સમગ્ર વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચે તેવી પણ શકયતા છે.
બીજીબાજુ, ફરિયાદપક્ષ તરફથી હવે આ સમગ્ર મામલે વડાપ્રધાન કાર્યાલયથી લઇ નેશનલ અને સ્ટેટ હ્યુમન રાઇટ કમીશન, રાજયના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, રાજયના પોલીસ વડા, બનાસકાઠા ડીએસપી, થરાદ પોલીસ સહિતના ઉચ્ચ સત્તાવાળાઓને બનાવ વખતનો વીડિયો, અશ્લીલ અને ઉશ્કેરણીજનક ઉચ્ચારણો સહિતની ટ્રાન્સ્ક્રીપ્ટ સહિતના બહુ મહત્વના પુરાવાઓ પૂરા પાડી આ પ્રકરણમાં કસૂરવાર તમામ આરોપીઓની ધરપકડ કરી તેઓને સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ચકચારભર્યા આ કેસમાં કુલ આઠ આરોપીઓ વિરૃધ્ધ નામજોગ ફરિયાદ હોવા ઉપરાંત ટોળાના માણસો વિરૃધ્ધ ફરિયાદ નોંધાયાને સવા મહિના વીતી ગયા હોવાછતાં સ્થાનિક પોલીસ હાથ પર હાથ રાખીને બેસી રહી છે અને રાજકીય દબાણ અને વગના કારણે આરોપીઓની ધરપકડ નહી કરી રહી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયુ છે.
નોંધનીય વાત તો એ છે કે, ફેબુ્રઆરી-૨૦૨૪માં જૈન ધર્મગુરુ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકિર્તીયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના સમુદાયના સાધુ-સાધ્વીઓ પર તેમ જ બે તિથિ સમુદાયના લોકો વિરૃધ્ધ હુલ્લડ કરવાના અને હુમલો કરી તોડફોડ કરવાના પ્રકરણમાં રાજકીય દબાણ અને પ્રભાવના કારણે પોલીસે આઠ મહિના સુધી તો ફરિયાદ નોંધી ન હતી. છેવટે આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરતાં થરાદ પોલીસને આ સમગ્ર મામલામાં એફઆઇઆર દાખલ કરવાની ફરજ પડી હતી.
પોલીસે આ ચકચારભર્યા કેસમાં અમદાવાદના વાઘજીભાઇ વોરા, શશીભાઇ વોરા, નવીનચંદ્ર વીરવડિયા, સૂચિત સંઘવી, સ્વીતેશ સંઘવી, ભવ્ય વિજય વોરા, પ્રતિક દોશી, જગદીશ મફતલાલ દોશી એમ કુલ આઠ આરોપીઓ વિરૃધ્ધ નામજોગ ફરિયાદ નોંધી હતી. પોલીસે અજાણ્યા ટોળાના માણસોનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. જો કે, ફરિયાદ નોંધાયાને સવા મહિનો વીતી જવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કે પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહી આવતાં હવે જૈન સંપ્રદાયમાં ખાસ કરીને બે તિથિ સમુદાયના શ્રધ્ધાળુઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. બીજીબાજુ, ફરિયાદપક્ષ રજનીભાઇ જયંતિલાલ વોહેરાએ આ સમગ્ર પ્રકરણમાં બનાવ વખતના વીડિયો, રેકોર્ડીંગ, બિભત્સ-ઉશ્કેરણીજનક ઉચ્ચારણોની ટ્રાન્સ્ક્રીપ્ટ સહિતના મહત્ત્વના પુરાવા પોલીસને પૂરા પાડયા છે અને તેના આધારે હવે આરોપીઓની ધરપકડ કરી તેઓની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સખત નશ્યત કરવા માંગણી કરી છે.
બોક્સ ઃ ફરિયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવામાં ચોંકાવનારા ખુલાસો કરાયો
પોલીસને રજૂ કરાયેલા પુરાવાઓની સાથે ફરિયાદપક્ષ તરફથી બહુ ચોંકાવનારો ખુલાસો કરાયો છે કે, ઉપરોકત બનાવને અંજામ આપવા માટે આરોપીઓ અને તેમના મળતીયાઓએ વોટ્સએપ અને સોશ્યલ મીડિયા મારફતે તેમના સમર્થકોને મુંબઇ, અમદાવાદ, ડીસા, સુરત સહિતના વિવિધ સ્થળોએથી થરાદ બોલાવવા ઉશ્કેર્યા હતા. એટલું જ નહી, તે માટે તેઓને જે તે સ્થળેથી લાવવા-લઇ જવા બસો સહિતના વાહનોની વ્યવસ્થા કરાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં જે જે લોકો સામેલ છે, તે સંબંધિત તમામ લોકોના નામ, મોબાઇલ નંબર, સરનામા, વોટ્સએપ મેસેજ સહિતની વિગતો સહિતના પુરાવા પણ પોલીસને આપવામાં આવ્યા છે. એટલું જ નહી, ફરિયાદ અનુસંધાનમાં ફરિયાદપક્ષના જે જે સાક્ષીઓ છે, તેઓના પણ નામ-સરનામા, મોબાઇલ નંબર સહિતની માહિતી પોલીસને પૂરી પાડવામાં આવી છે., અને આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી પણ કરવામાં આવી છે.
બોક્સ શું હતો જૈન ધર્મગુરૂની ડોલીની તોડફોડ અને તેમના સાધુ-સાધ્વી, અનુયાયીઓ પર હુમલાનો કેસ….વાંચો
જૈન ધાર્મિક મહોત્સવના આયોજન દરમ્યાન ગત તા.23-2-2024ના રોજ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કિર્તીયશસૂરીશ્વરજી મહારાજ અને તેમના સમુદાયના 50થી વધુ સાધુઓ થરાદ પાસેના મોટી પાવડ સોમ ચિંતામણી તીર્થમાં પધાર્યા હતા ત્યારે વાઘજીભાઇ વોરા તથા અન્ય આરોપીઓએ અગાઉથી આયોજન કરેલ કાવતરા મુજબ, બહારથી બોલાવેલા ઘણા બધા માણસો સાથે ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી હુલ્લડ કરવાના ઇરાદે જૈન ધર્મગુરૂનું જાહેર માર્ગ પર ઘોર અપમાન કરી, તેમને હડધૂત કરી ધાર્મિક લાગણી દુભાઇ હતી. એટલું જ નહી, આરોપીઓએ બિભત્સ ગાળો અને અપમાનજક ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરી ગુરૂ મહારાજની ખાલી ડોલીની તોડફોડ અને માલ-મિલ્કતને ભારે નુકસાન પહોંચાડયુ હતુ. આ સિવાય આરોપીઓએ થરાદ ખાતે સભા કરી બે તિથી સમુદાય અને ગુરૂ મહારાજ વિરૂધ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપી વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી બે તિથિ સમુદાયના લોકોની અને જૈન સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાઇ હતી. આ સમગ્ર બનાવ અંગે રજનીભાઇ વોહેરાએ થરાદ પોલીસમથકમાં કાયદેસર એફઆઇઆર નોધાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news