અશ્વિન લીંબાચિયા, અમદાવાદ.
22 ઓક્ટોમ્બર 2024:
દાનાંગ
વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો ઊભી કરી રહી છે. આ આકર્ષણોમાનું એક છે ભારતીય ભોજનનો તડકો. દેશના સાઈગોન શહેરની વાત કરીએ તો અહીં 20થી વધુ ભારતીય રેસ્ટોરન્ટો જોવા મલે છે. હવે વિયેત નામના મોટાભાગના શહેરોમાં ભારતીય રેસ્ટોરન્ટ છે.આ રેસ્ટોરન્ટોમાં શાકહારી ભારતીય ભોજન માણવાની તક મળે છે.
૧૯૯૬માં ભારતીય રેસ્ટોરન્ટ શરૂ થયું
વિયેતનામના એક પ્રતિષ્ઠિત ગાઈડ ટીમે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે સાઈગોન શહેરમાં ૧૯૯૬માં તંદુર નામના એક ભારતીય રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી. હાલમાં અહીં 20થી વધુ ભારતીય ભોજન પીરસતા રેસ્ટોરન્ટ છે. આ ભારતીય રેસ્ટોરન્ટ મોટેભાગે માત્ર ભારતીય ભોજન પીરસે છે. તેમાં નોનવેજ ભોજન પણ અપાય છે.
ઉત્તર અને દક્ષિણ ભારતના ભોજનનો ક્રેઝ
વિયેતનામ ફરવા આવતા ભારતીયો ઉપરાંત અન્યને પણ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ભોજનનો ભારે ક્રેઝ હોય છે. ખાસ કરીને પંજાબી સબ્જી, પરોઠા અને સાઉથ ઇન્ડિયનમાં ઢોસા જેવી વસ્તુઓની અહીં વધુ ડિમાન્ડ જોવા મળે છે. આ ઉપરાંત લોકો અહીં ગુજરાતી ભોજન પણ માંગતા હોય છે. જેને લઈને અહીં એક ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે.
રેસ્ટોરન્ટના ભારતીય નામ
સાઈગોનમાં તંદુર, બાબાસ્ કિચન અને બનારસ જેવા ભારતીય નામ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતી રેસ્ટોરન્ટ કરીને પણ એક ખાસ રેસ્ટોરન્ટ અહીં આવેલું છે.
વિયેતનામમાં ભારતીય રસોયાની બોલબાલા
સાઈગોનમાં આવેલા બાબાસ્ કિચનમાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે. જે મોટેભાગે ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલા રસોઈયાઓ જ બનાવે છે. આ અંગે બાબાસ કિચનના મેનેજર કમલ કહે છે કે 14 વર્ષ પહેલા કેરળના રોબીન નામના શખ્સે આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. જેમાં હાલ 30થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને નોર્થ અને સાઉથની વાનગીઓ તૈયાર કરવા માટે ભારતના ઉત્તરાખંડ, યુપી અને કેરળના કારીગરો અહીં લાવવામાં આવ્યા છે.
નાતાલમાં થોડી મંદી જોવા મળે
બાબાસ કિચનના મેનેજર કમલનું કહેવું છે કે સામાન્ય રીતે વિયેતનામમાં પ્રવાસનમાં ક્યારે કમી આવતી નથી. જોકે રેસ્ટોરન્ટને લાગે વળગે છે ત્યાં સુધી નાતાલના સમયે લોકો પોતાના સ્વદેશ પાછા ફરતા હોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં થોડી મંદીનો માહોલ જોવા મળે છે. અન્ય એક ગાઈડ એન્ડીએ વધુ માહિતી આપતા કહ્યું કે દા નાંગ શહેરમાં આઠથી વધુ જ્યારે હોઈ આન શહેરમાં દસથી વધુ રેસ્ટોરન્ટ છે. દેશમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય રેસ્ટોરન્ટ વધ્યા છે.
વિયેતનામી અને ચાઈનીઝ ફૂડ પણ મળે
વિયેતનામમાં સારું વિયેતનામી શાકાહારી ફૂડ પણ આસાનીથી ઉપલબ્ધ હોય છે. જે શુદ્ધ વેજિટેરિયન પણ હોય છે. આ ઉપરાંત અહીં વેજીટેરિયાનો માટે ચાઈનીઝ ફૂડ પણ ઉપલબ્ધ હોય છે. જોકે ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ માટે વિયેતનામી ભોજન કરતા તેમને પોતાના દેશના ભોજનનો સ્વાદ અહીં પણ માણવો ગમે છે. વિદેશથી આવનારોમાં વિયેતનામ અને ચાઈનીઝ વેજ વાનગીઓને લઈને પણ સારું આકર્ષણ જોવા મળે છે.
લસ્સી અને આઈસ્ક્રીમ પણ મળે છે
વિયેતનામમાં આ રેસ્ટોરન્ટોમાં લસ્સી, છાશ અને આઈસ્ક્રીમ પણ મળી રહે છે. જોકે ભારતમાંથી ગયેલા પ્રવાસીઓને લસ્સી અને છાશ તો સારા લાગે છે પરંતુ આઈસ્ક્રીમમાં ભારતીય સ્વાદનો અભાવ જોવા મળે છે. આઈસ્ક્રીમ અહીં ચોક્કસ મળે છે પણ તેના સ્વાદમાં ઘણો ફેર જોવા મળે છે. જ્યારે છાશ તો ભારત જેવી જ આસાનીથી મળી રહે છે.
ભારત અને વિયેતનામ વચ્ચે – સપ્તાહ દીઠ 60 ફ્લાઈટ્સ
વિયેતજેટ એરલાઈન ભારત અને વિયેતનામ વચ્ચે મોટા ભાગના રુટ્સ – સપ્તાહ દીઠ 60 ફ્લાઈટ્સ સાથે આઠ રુટ્સ- ઓફર કરી રહી છે, જે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે જોડે છે. પ્રવાસીઓ પરિપૂર્ણ શાકાહારી વાનગીઓ સહિત ગરમ ભોજનના વિકલ્પો માણી શકે અને પ્રદેશમાં સ્પર્ધાત્મક દૈનિક ફ્લાઈટ્સમાંથી લાભ મેળવી શકે છે.
વિયેતનામ પ્રવાસી પર વધુ નિર્ભર
વિયેતનામનું અર્થતંત્ર પ્રવાસન પર વધુ નિર્ભર છે. જોકે અહીંની મુખ્ય આવક ખેતી જ છે એટલે કે આ દેશ પણ ખેતી પર વધુ નિર્ભર છે. અહીંના મુખ્ય પાક ચોખા, કોફી અને ચા છે. પ્રવાસીઓ વિયેતનામમાંથી કાપડ, બુટ,ચંપલ અને કોફીની ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે
#bharatmirror #bharatmirror21 #news #vietnam #danang #Indiancuisine #vietjet #ahmedabad #tourism