માછલી વિયાણી દરિયાને બેટ શ્રવણ રહ્યો એની માને પેટ,
કાળી પછેડીને ભમ્મરિયાળી ભાત, શ્રવણ જન્મ્યો માઝમ રાત.
અડી કડી વાવને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ,
લાંબી પીંપળને ટૂંકાં પાન, શ્રવણ ધાવે એની માના થાન.
સાત વરસનો શ્રવણ થયો, લઈ પાટીને ભણવા ગયો,
ભણીગણીને મોટો રે થયો, સુગરી નારને પરણી ગયો.
સુગરી નાર મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની સેવા કરો,
તારાં માબાપને કૂવામાં નાંખ, મને મારા પિયરમાં વળાવ.
આગળ શ્રવણ ને પાછળ ના૨, શ્રવણ ચાલ્યો એના સસરાને ઘેર,
ઓ રે સસરાજી મારાં વચન સુણો, તમારી દીકરીને ઘરમાં પૂરો.
આવો જમાઈરાજ જમતા જાવ, મારી દીકરીના અવગુણ કહેતા જાવ,
એ રે અભાગણીનું મોં કોણ જુએ, મારાં આંધળાં માબાપને નાખે કૂવે.
ત્યાંથી શ્રવણ ચાલ્યો જાય, દરજીભાઈને મળતો જાય,
દરજીભાઈ મારાં વચન સુણો, મારાં માબાપનાં કપડાં સીવો.
કપડાં સીવજો બંધ બેસતા ઘાટ, સોહ્યલાં પહેરે મારાં મા ને બાપ.
ત્યાંથી શ્રવણ હાલતો થાય, મોચીભાઈને મળતો જાય,
ઓરેમોચીભાઈ મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની મોજડી સીવો,
મોજડી સીવો રંગબેરંગી ઘાટ, સોહ્યલા પહેરે મારાં મા ને બાપ.
આમ સર્વને મળતો જાય, આંધળાં માબાપને આનંદ થાય.
ડગલે ને પગલે પંથ કપાય, આંધળા માબાપ તરસ્યાં થાય,
બેટા સાંભળ મારા શ્રવણરાય, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,
ખભે કાવડને હાથમાં તીર, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,
નાહ્યા યમુનામાં નિર્મળ નીર, ઘડુલો ભરવા યમુનાને તીર,
એવા ચોકીએ બેઠા દશરથરાય, બુડબુડ અવાજ નીરમાં થાય.
અવાજ થતામાં છૂટ્યું તીર, શ્રવણનો ત્યાં નીકળ્યો જીવ,
મરતાં પહેલાં બોલી ગયો, મારાં આંધળાં માબાપને પાણી પાઓ.
તરસ્યા મા-બાપ તમે પાણી પીઓ, તમારો શ્રવણ સ્વર્ગે ગયો,
આંધળા માબાપે સાંભળી વાત, દશરથરાયને શાપ દીધો.
અમારો આજ જીવ જ જાય, તેવું થજો ઓ દશરથરાય,
રાજા દશરથને શાપ જ થાય, રામ વિયોગે જીવડો રે જાય.
#Bhajan #bharatmirror #bharatmirror21 #gujarati