જીવદયા સંસ્થાના સિનિયર સીટીઝન ઉપપ્રમુખને ઢોર માર મારી લોહીલુહાણ કરવાના ચકચારભર્યા કેસમાં વલસાડના તત્કાલીન પીઆઇ અને હાલ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરજ બજાવતાં પીઆઇ વી.ડી.મોરી વધુ એક વિવાદમાં
અગાઉ મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં નહી લઇ, લકઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને પાર્કિંગ કરવા દઇ ખુદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના હુકમનો અનાદર કરનાર પીઆઇ વી.ડી.મોરી તેમની ઉધ્ધતાઇ અને અહંકારી મિજાજથી પોલીસતંત્રમાં કાળા ધબ્બા સમાન
જીવદયા સંસ્થાના ઉપપ્રમુખ રાજેશભાઇ હસ્તીમલ શાહે પીઆઇ વી.ડી.મોરી વિરૂધ્ધ કરેલી ફરિયાદમાં એક મહિનામાં પગલાં લેવા ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટીને ફરમાન, ગૃહવિભાગને ચુકાદાની નકલ મોકલવા પણ હુકમ
પીઆઇ વી.ડી.મોરીને છાવરવા અને બચાવવાના પ્રયાસ બદલ હાઇકોર્ટ દ્વારા ઉપરી પોલીસ અધિકારીઓ અને સત્તાવાળાઓની પણ ટીકા, સરકારને પણ મહત્વના આદેશો જારી
પોલીસ અત્યાચાર, પોલીસ દ્વારા સત્તાના દૂરપયોગ અને દિન પ્રતિદિન આવા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ વધતી જતી ફરિયાદોને લઇ સુપ્રીમકોર્ટે અગાઉ જારી કરેલા અગત્યના ચુકાદાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા રાજય સરકારને પણ હાઇકોર્ટે ફરમાન કર્યું
હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો કે, રાજયમાં ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી એકદમ યોગ્ય અને અસરકારક રીતે કામ કરે તે માટેના પગલાં લો
અમદાવાદ,તા.25
થોડા સમય પહેલાં જ શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ નહી હટાવી ખુદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના હુકમનો અનાદર કરનાર ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરી ફરી એક મોટા વિવાદમાં ફસાયા છે. પીઆઇ વી.ડી.મોરીએ અગાઉ વલસાડ પીઆઇ તરીકેના કાર્યકાળ દરમ્યાન એક જીવદયા સંસ્થાના સિનિયર સીટીઝન ઉપપ્રમુખને પોલીસ સ્ટેશનમાં પોતાની કેબીનમાં બોલાવી ઢોર માર મારી કાનમાં બહેરાશ આવી ગઇ તેટલી હદે માર મારી લોહીલુહાણ કરી નાંખવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે પીઆઇ વી.ડી.મોરી વિરૃધ્ધ પીડિત જીવદયા સંસ્થાના ઉપપ્રમુખે આપેલી ફરિયાદ પરત્વે ગુજરાત પોલીસ એકટની કલમ-૩૨ એચ અને ૩૨આઇ હેઠળ પગલાં ભરવા ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટીને મહત્ત્વનો આદેશ કર્યો છે.
જસ્ટિસ હસમુખ ડી.સુથારે આ મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સત્તાના સરેઆમ દૂરપયોગ અને પોલીસ વિરૃધ્ધ દિન પ્રતિદિન વધી રહેલી ફરિયાદો સહિતના મામલે ખુદ સુપ્રીમકોર્ટે અગત્યના ચુકાદા અને માર્ગદર્શિકા જારી કર્યા છે અને આ ચુકાદાઓ-માર્ગદર્શિકા નાગરિકો માટે અને ફોજદારી ન્યાય માટે બહુ અગત્યના છે, પરંતુ આ ચુકાદાઓના લાંબા સમય પછી પણ તે તંત્રના બહેરા કાને અથડાય છે પરંતુ પરિસ્થિતમાં કોઇ નોંધપાત્ર સુધાર જોવા મળતો નથી.
રાજયભરમાં ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી પણ સરખી રીતે ફરજ કે જવાબદારી નહી નિભાવતી હોવાનું હાઇકોર્ટના ધ્યાન પર આવતાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે રાજય સરકારને બહુ અગત્યનો આદેશ કર્યો હતો કે, ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી સાચા અને ખરા અર્થમાં યોગ્ય અને અસરકારક રીતે કામ કરે તે માટેના પગલાં લો. પોલીસ દ્વારા સત્તાના દૂરપયોગ, પોલીસ અત્યાચાર અને પોલીસ વિરૃધ્ધની ફરિયાદો સહિતની બાબતોને લઇ સુપ્રીમકોર્ટે જારી કરેલા આદેશો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવા અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અસરકારક કામગીરી રીતે કામ કરે તે હેતુથી આ ચુકાદાની નકલ રાજયના ગૃહવિભાગના સચિવને પણ મોકલી આપવા હુકમ કર્યો હતો.
સોસાયટી ઓફ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ સંસ્થાના ઉપપ્રમુખ રાજેશભાઇ હસ્તીમલ શાહ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, અરજદાર પ્રાણીઓની સેવા, પ્રાણીઓને કતલખાને જતા બચાવવા અને પ્રાણીઓને લગતા કાયદાની જાગૃતિ સહિતના સેવાકાર્ય સાથે સંકળાયેલા છે અને વર્ષોથી આ કામગીરી કરી રહ્યા છે. ગત તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ તેમણે મૂંગા-અબોલ પશુઓને કતલખાને લઇ જતી ત્રણ ટ્રકોને રોકી હતી અને પોલીસને જાણ કરી હતી. જેથી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ વી.ડી.મોરીએ તેમને પોલીસ મથકે બોલાવ્યા હતા અને ત્યાં તેમને આ પ્રકારે ટ્રકો આંતરવા બદલ બિભત્સ ગાળો બોલી ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતા. પીઆઇ વી.ડી.મોરીએ તેમને એટલા જોરથી કાન પર લાફા માર્યા કે જાણે તેમના કાનનો પડદો ફાી ગયો હોય, કાનમાંથી લોહી નીકળવા માંડયુ અને એક તબક્કે કાનમાં બહેરાશ આવી ગઇ હતી. છેવટે અરજદારને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
અરજદાર સિનિયર સીટીઝન હોવાછતાં પીઆઇ વી.ડી.મોરીએ કાયદો હાથમાં લઇ તેમને કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બનાવ્યા હતા. આ મામલે અરજદારે ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી, રાજયના પોલીસ વડા સહિતના સંબંધિત સત્તાવાળાઓ લઇ સુધી રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહી લેવાતા અરજદારને હાઇકોર્ટમાં રિટ કરવાની ફરજ પડી છે. જસ્ટિસ હસમુખ ડી.સુથારે પીઆઇ વી.ડી.મોરીના કાયદો હાથમાં લેવાના અને પોલીસ તંત્રની ગરિમાને હણનારા ગુનાહિત કૃત્યની ભારોભાર આલોચના કરી હતી અને આખરે પીઆઇ વી.ડી.મોરી વિરૂધ્ધ એક મહિનામાં પગલાં લેવા ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટીને ફરમાન કર્યુ હતું. હાઇકોર્ટે ચુકાદાની નકલ ગૃહવિભાગને પણ મોકલવા હુકમ કર્યો હતો.
બોક્ષ ઃ હાઇકોર્ટે ગુજરાત પોલીસ એકટની જોગવાઇને લઇ સરકાર પાસે ખુલાસો માંગ્યો
પ્રસ્તુત કેસમાં અરજદારની ફરિયાદ ડિસ્ટ્રીકટ પોલીસ ક્મ્પ્લેઇન ઓથોરીટી દ્વારા નિર્ણિત કરવાને બદલે સ્થાનિક ડીવાયએસપીએ નિર્ણય લઇને જાણ કરી હતી કે, પીઆઇ વી.ડી.મોરી દ્વારા અરજદારને મારવાના કિસ્સામાં કલમ-૩૨૩ હેઠળ ગુનો બને છે, જે નોન કોગ્નીઝેબલ છે અને તેઓ સક્ષમ કોર્ટ સમક્ષ યોગ્ય રાહત મેળવી શકે છે. અરજદારે આ હકીકત હાઇકોર્ટના ધ્યાન પર મૂકતાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે સાફ શબ્દોમાં જણાવ્યું કે, અરજદારને જાણ કરાઇ તે પત્રવ્યવહાર ગુજરાત પોલીસ એકટની કલમ-૩૨ એચ અને ૩૨ આઇની જોગવાઇ વિરૃધ્ધનો હોઇ રદબાતલ ઠરાવવામાં આવે છે. એટલું જ નહી, હાઇકોર્ટે ગુજરાત પોલીસ એકટની કલમ- ૩૨ એચ અને ૩૨ આઇની જોગવાઇના પાલન માટે શું પગલાં લેવાયા તેને લઇને રાજય સરકારનો ખુલાસો માંગ્યો હતો. જેના જવાબમાં સરકારપક્ષે રિપોર્ટ રજૂ કરી જણાવ્યું હતું કે, તા.૧૭-૧-૨૦૨૩ના જાહેરનામાથી જિલ્લા પોલીસ વડાના ચેરમેનપદે પાંચ સભ્યોની ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી રચાઇ ગઇ છે. પરંતુ કેટલીક વિગતો બ્લેન્ક અને અધૂરી હોવાને લઇ હાઇકોર્ટે ટીકા કરી હતી. ખાસ કરીને અરજદારની ફરિયાદની કિસ્સામાં સત્તાવાળાઓએ શું તપાસ કરી..? ડોકટરનો રિપોર્ટ મંગાવ્યો.? તે સહિતના વેધક સવાલોને લઇ સરકાર કોઇ સંતોષજનક ખુલાસો કરી શકી ન હતી.
બોક્ષ ઃ અગાઉ પીઆઇ વી.ડી.મોરીએ મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જ હાઇકોર્ટના હુકમનો અનાદર કર્યો
થોડા દિવસો પહેલાં જ હાલ ઘાટલોડિયા પોલીસમથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેકટર વી.ડી.મોરીને તેમના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતાં મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગને લઇને જયારે ખુદ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જયારે પીઆઇ વી.ડી.મોરીનું ધ્યાન દોર્યું કે, અમદાવાદ શહેરમાં લકઝરી બસોના પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગને લઇ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા છે અને આ રીતે લકઝરી બસોને જાહેર રસ્તા-ફુટપાથ પર ગેરકાયદે પાર્ક કરવા દઇ તમે કેમ હાઇકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો ત્યારે પીઆઇ વી.ડી.મોરીએ ઉધ્ધતાઇપૂર્વક બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ કેલ્લાને ઉડાઉ જવાબ આપ્યો હતો કે, હાઇકોર્ટના ચુકાદાની તેમને ખબર નથી અને લકઝરી બસો વાળાને અમે હટાવીએ તો એ લોકો અમારી જોડે બબાલ કરે છે અને હાઇકોર્ટે એવું કયાં કહ્યું છે કે, અહી લકઝરી બસો ઉભી ના રાખવી. લક્ઝરી બસો ઉભી રહેશે, તમારાથી થાય એ કરી લો. પીઆઇ વી.ડી.મોરીના આ ઉધ્ધતાઇભર્યા વર્તનને લઇ ભારે વિવાદ જાગ્યો હતો કારણ કે, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મતવિસ્તારમાં જ તેમના જ વિસ્તારના પીઆઇ વી.ડી.મોરી સરેઆમ હાઇકોર્ટના ચુકાદાનો અનાદર કરી અદાલતી તિરસ્કારને આવકારી રહ્યા છે. જેને લઇ હવે પીઆઇ વી.ડી.મોરીને લઇ પોલીસતંત્રની થઇ રહેલી બદનામીના કારણે ચોમેર ગંભીર વિવાદ વકર્યો છે.
બોક્ષ ઃ વિવાદોમાં રહેવા પંકાયેલા પીઆઇ વી.ડી.મોરીને લઇ હાઇકોર્ટની અન્ય બેંચોએ ટીકા કરી હતી
લકઝરી બસોને અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત કરતો સીંગલ જજ વૈભવી ડી.નાણાવટીનો અને ત્યારબાદ ખુદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેંચનો સ્પષ્ટ ચુકાદો હોવાછતાં પીઆઇ વી.ડી.મોરીને તેની અવગણના કરતાં અગાઉ લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ, પરમીટ વિનાના વાહનો સહિતના મુદ્દે એક કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટના સીંગલ જજે પીઆઇ વી.ડી.મોરીના વર્તન અને વર્તણૂંકની ભારે ટીકા કરી હતી અને સરકારને ટકોર કરી હતી કે, પોલીસને કાયદાનું ભાન ના હોય તો તેમને એ ભાન કરાવવાની તમારી ફરજ છે, તેમને ભાન કરાવો. એ પછી શહેરમાં ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોની કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમ્યાન જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે પણ પીઆઇ વી.ડી.મોરીના અદાલતી તિરસ્કારભર્યા વર્તનની ગંભીર નોંધ લઇ ભારોભાર આલોચના કરી હતી અને સરકારને આવા અધિકારીઓ વિરૂધ્ધ પગલાં લેવા ટકોર કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું કે, હાઇકોર્ટના હુકમનો અનાદર કોઇપણ સંજોગોમાં સાંખી શકાય નહી, આવા અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવી જરૂરી બને છે. એ પછી હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પણ એક કેસમાં ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો બહુ જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો.
બોક્ષ ઃ સામાન્ય નાગરિકને હેરાન કરવાના કેસમાં હાઇકોર્ટે પીઆઇ વી.ડી.મોરીનો જોરદાર ઉધડો લીધો હતો
થોડા મહિના પહેલાં ઘાટલોડિયા પોલીસમથકના ચાંદલોડિયા બ્રિજ નીચે રોંગ સાઇડમાં આવતાં બે નાગરિકોને ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ જનક ઉપેન્દ્રપ્રસાદ ગોરે રોકતાં તેમની સાથે બોલાચાલી થઇ હતી. બંને યુવકોને ક્રાઇમબ્રાંચની ઓફિસે લઇ જવાયા અને ત્યાં તેમને માર મારવામાં આવ્યો. એટલું જ નહી, ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીએ બનાવના 19 દિવસ પછી જનક ગોરના ઇશારે ફરિયાદ નોંધી અને બીજા જ દિવસે અજાણ્યા સાક્ષીઓ પણ ઉભા કરી દીધા. આ કેસમાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો બહુ જબરદસ્ત રીતે ઉધડો લઇ નાંખ્યો હતો અને કેસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ નિર્ઝર દેસાઇએ બહુ ગંભીર શબ્દોમાં ચેતવણી આપી હતી કે, નિર્દોષ લોકો સામે તમારી શકિત બતાવશો નહી. જો પોલીસ એમ માનતી હોય કે, તેઓ કોર્ટ સામે બહુ સ્માર્ટ રીતે રમી શકે છે તો, પછી કોર્ટ તેમને સમજાવશે કે, હાઇકોર્ટ પણ તેની સત્તાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે.
બોક્ષ ઃ ડીસીપી, રાજય પોલીસ વડા કે સરકાર કેમ પીઆઇ વી.ડી.મોરીની કરતૂતોને છાવરી રહ્યા છે…
આમ, એક કરતાં વધુ કેસોમાં ભારે વિવાદમાં રહેલા અને પોલીસ તંત્રની ગરિમાને લાંછન લગાડનારા આવા પીઆઇ વી.ડી.મોરીની કરતૂતોની ડીસીપીથી લઇ સંબંધિત સત્તાવાળાઓને જાણ હોવાછતાં શા માટે પીઆઇ વી.ડી.મોરી વિરૂધ્ધ પગલાં નથી લેવાતા અને ડીસીપી, રાજય પોલીસ વડા કે ખુદ સરકાર આવા શિસ્તતાભર્યા પોલીસ તંત્રની ગરિમના લીરેલીરા ઉડાડનાર પીઆઇ વી.ડી.મોરીને કેમ છાવરવામાં આવી રહ્યા છે, તેને લઇને હવે ગંભીર સવાલો અને ચર્ચા ઉઠી રહ્યા છે. ખાસ કરીને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની કર્તવ્યનિષ્ઠા અને જવાબદેહીને લઇને લોકો તેમની સામે પણ આંગળી ચીંધી રહ્યા છે. એક વિવાદીત પોલીસ અધિકારીને લઇ કેમ સમગ્ર પોલીસ તંત્ર બદનામ થઇ રહ્યં છે અને પોલીસની છાપ ખરડી રહ્યું છે તેને લઇ હવે ડીસીપી, રાજય પોલીસ વડા અને ગૃહવિભાગના સત્તા સ્થાને બેઠેલા જવાબદાર લોકોની કામગીરીને લઇને પણ સ્થાનિક લોકોથી માંડી, પોલીસ વર્તુળ અને ન્યાયતંત્રમાં પણ ભારે ચર્ચા જાગી છે.