નીતા લીંબાચિયા, અમદાવાદ.
10 સપ્ટેમ્બર 2024:
GCCIની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ 09મી સપ્ટેમ્બર, 2024ના રોજ શ્રી સુજલ મયાત્રા, IAS, અધિક કમિશનર, ગ્રામીણ વિકાસ સાથે “ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્ર”નું આયોજન કર્યું હતું, જેમાં GCCIના રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીના સભ્યોએ હાજરી આપી હતી. શ્રી સંદીપ એન્જિનિયર, પ્રમુખ, GCCI અને શ્રી સુધાંશુ મહેતા, માનદ ખજાનચી, GCCI સત્ર દરમિયાન હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCIના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહે ગુજરાતના એકંદર આર્થિક વિકાસમાં ગ્રામીણ ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્ર એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે જે થકી કૃષિ, પરંપરાગત ઉદ્યોગો અને સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ સાહસિકતા ને ખુબ જ મહત્વનું પ્રોત્સાહન મળી રહેલ છે.
શ્રી વરુણ પટેલ, ચેરમેન, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં GCCIનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આગળ વધારવા માટે સમગ્ર કમિટીની અનોખી રીતે રચના કરવામાં આવી છે. ગામડાઓ ભારત દેશનું હૃદય છે અને તેમની પ્રગતિ માટે માળખાગત વિકાસ ખુબ મહત્વનું છે.
શ્રી સુજલ મયાત્રા, IAS, અધિક કમિશનર, ગ્રામીણ વિકાસ, ગુજરાત સરકાર, તેમના મુખ્ય વક્તવ્યમાં ગ્રામીણ વિકાસને વેગ આપવાના હેતુથી નીતિઓ અને પહેલો માહિતી શેર કરી હતી. તેઓએ ગ્રામીણ સમુદાયોને સશક્ત કરવા અને રાજ્યના પાયાના આર્થિક માળખાને વધારવા માટે સરકાર કેવી રીતે કામ કરી રહી છે તે વિષે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગ્રામીણ ગુજરાતનો સસ્ટેનેબલ અને સર્વસમાવેશક વિકાસ એ દેશનું વિઝન છે. તેમણે નીચે મુજબની ગ્રામીણ ક્ષેત્રની યોજનાઓનો વિષે સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો:
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)
- પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY-G)
- સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ (SBM-G)
- પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)
- સંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY)
આ પ્રસંગે આયોજિત “પેનલ ચર્ચા” દરમિયાન, ગ્રામીણ ક્ષેત્રના વિકાસમાં તકો અને પડકારો વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીના કો-ચેરમેન શ્રી નિશિત શાહ દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.