અમદાવાદ. 18 ઓગસ્ટ 2024:
તહેવારોેની મોસમ આવી છે અને દિવાળીને આડે પણ હવે માંડ બે મહિના બચ્યા છે ત્યારે રાજયમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા જૂના ડબ્બા(રિસાઇકલ ટીન)ના વપરાશ પર પ્રતિબંધ હોવાછતાં નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રિપેકર્સ દ્વારા તહેવારોનો ફાયદો ઉઠાવી તગડી કમાણી કરવાની લાલચમાં જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તે પ્રકારે આવા જૂના ડબ્બા અને રિસાઇકલ ટીનનો ઉપયોગ બહુ સિફતતાપૂર્વક ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઇ અને તહેવારોને ધ્યાનમાં લઇ હવે સેન્ટ્રલ એફએસએસએઆઇ(ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા) હરકતમાં આવ્યું છે.
સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજયના રિસાઇકલ્ડ ટીનનો વપરાશ કરતા આવા મેન્યુફ્રેકચરર્સ અને રિપેકર્સ વિરૃધ્ધ તવાઇ બોલાવવાનું શરૃ કર્યું છે. જેના ભાગરૃપે સેન્ટ્રલ એફએસએસએઆઇ તરફથી રાજયના આવા ૪૮ જેટલા મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સ સહિતના એકમોને કાયદસર નોટિસ ફટકારી ચેતવણી આપવામાં આવી છે. સેન્ટ્રલ એફએસએએસએઆઇ તરફથી પહેલા તબક્કામાં રાજયના જે ૪૮ ઉત્પાદકો અને રિપેકર્સને નોટિસ ફટકારાઇ તેમાં સાણંદ, ચાંગોદર, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોના એકમોનો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગના સૌરાષ્ટ્ર બાજુના મેન્યુફ્રેકચરર્સ અને રિપેકર્સને આવરી લેવાયા છે. એટલું જ નહી, રાજયમાં રીસાઇકલ્ડ ટીનનો વેપલો ચલાવતાં અને જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં આશરે ૬૫૦ વધુ મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સ, ટ્રેડર્સની યાદી સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાઇ છે અને બીજા તબક્કામાં આ ૪૮ સિવાયના બાકીના મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સને નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવનાર છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ એફએસએસએઆઇના અધિકારીઓ તરફથી રીસાઇકલ્ડ ટીનનો વપરાશ કરતા ઉત્પાદકો, રિપેકર્સ અને ટ્રેડર્સ સહિતના એકમોને ફટકારાયેલી નોટિસમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ(પેકેજીંગ) રેગ્યુલેશન ઓફ ૨૦૧૮ની જોગવાઇ અને નિયમોનું કડકાઇથી પાલન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સેન્ટ્રલ એફએસએસએઆઇ તરફથી કડક ચેતવણી આપવામાં આવી છે કે, ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ(પેકેજીંગ) રેગ્યુલેશન ઓફ ૨૦૧૮ની અનુચ્છેદ- ૩(૭)ની જોગવાઇ મુજબ, એક વખત ટીન કે ડબાનો ઉપયોગ થયો હોય તો પછી કોઇપણ ખાદ્ય ચીજવસ્તુ કે પદાર્થના પેકેજીંગ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ તરફથી આવા મેન્યુફ્રેચરર્સ અને રિપેકર્સને લાલ આંખ સાથે તાત્કાલિક અસરથી રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ અને વપરાશની પ્રથા બંધ કરવા ફરમાન જારી કરવામાં આવ્યું છે કારણ કે, કાયદામાં તે પ્રતિબંધિત છે.
સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ તરફથી રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ કે વપરાશ કરતાં આવા ઉત્પાદકો, રિપેકર્સ, ટ્રેડર્સ સહિતના એકમોને રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ બંધ નહી કરે અને ડિપાર્ટમેન્ટના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો સેન્ટ્રલ એફએસએસએઆઇ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અને તે હેઠળ ઘડાયેલા રૃલ્સ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ દ્વારા દિવાળી પહેલાં જ રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ કરતાં ઉત્પાદકો, રિપેકર્સ સહિતના એકમો પર નોટિસથી લઇ દરોડા સહિતની આકરી કાર્યવાહી સાથે તવાઇ બોલાવવાનું આયોજન હાથ ધરાયું છે.
બોક્સ રીસાઇક્લ્ડ ટીનનો વપરાશ બંધ નહી કરે તેવા એકમોના લાયસન્સ રદ થશે સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ તરફથી પહેલા તબક્કામાં ૪૮ એકમોને નોટિસ ફટકારી બીજા તબક્કામાં ૬૦૦થી વધુ ઉત્પાદકો, રિપેકર્સ, ટ્રેડર્સ સહિતના એકમોને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરાઇ છે. સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના નિર્દશો છતાં જો આવા મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સ કે ટ્રેડર્સ તેને અવગણીને રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ કે વપરાશ ચાલુ રાખશે તો સેન્ટ્રલ એફએસઅએસએઆઇ દ્વારા આવા કસૂરવાર મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સ, ટ્રેડર્સ સહિતના એકમોના લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીના પગલાં લઇ શકે છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને પછી દિવાળીના તહેવારોને લઇ હવે સેન્ટ્રલ એફએસએસએઆઇ હવે આકરા પાણીએ છે અને આવા એકમો પર તવાઇ બોલાવવાનું નક્કી કર્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #centralfssaidepartment #foodsafetyandstandardsauthorityofindia #edibleoil-vegetablegheeoldcansforpacking #ahmedabad