અમદાવાદ. 01 જુલાઈ 2024:
મેડિકલમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા નીટની પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓના પૂરેપૂરા માર્કસ આવતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલના આરોપી સંચાલક-ટ્રસ્ટી દીક્ષિત પટેલને સીબીઆઇ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયો છે. સીબીઆઇ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ખુદ સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ જ વિદ્યાર્થીઓને પેપર લખવામાં મદદગારી કરી હતી. આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થવાની પણ શકયતા છે.
આ સમગ્ર કૌભાંડમાં ગોધરા તાલુકા પોલીસમથકમાં આઇપીસીની કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ બી, ૩૪ અને ૨૦૧ મુજબ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭એ, ૭ચ અને ૧૩(૨) મુજબ ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર કૌભાંડમાં ગોધરા ખાતેની જલારામ સ્કૂલ ખાતેના પરીક્ષા સેન્ટર ખાતે પણ કૌભાંડ આચરાયાની હકીકત ખુલતાં સીબીઆઇએ અહીં પણ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. આ કૌભાંડમાં અગાઉ આરોપી આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા, વિભોરપ્રસાદ અને તુષાર ભટ્ટની ધરપકડ કરી હતી અને તેઓને ગોધરા કોર્ટે રિમાન્ડ પર સોંપ્યા હતા.
દરમ્યાન આ પ્રકરણમાં હવે ગોધરાની જય જલારામ સ્કૂલના આરોપી સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ થતાં તેને મોડી રાત્રે સરકીટ હાઉસ ખાતે સીબીઆઇ સ્પેશ્યલ જજ આર.એમ.ચૌધરી સમક્ષ રજૂ કરાયો હતો. સીબીઆઇ તરફથી આરોપી દીક્ષીત પટેલના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવાયું કે, ગોધરાની જય જલારામ સ્કૂલમાં એક હજાર કિલોમીટર દૂર રહેતા ઉમેદવારોએ સેન્ટર પસંદ કર્યું હતું અને એમાં મેનેજમેન્ટના સભ્યોએ જ આરોપીઓને પેપર લખવામાં મદદ કરી હોય એવી વાત સામે આવી છે, તેથી આ બાબતે તપાસ કરવાની છે.
પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઓરિસ્સાના પણ હતા. આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી છે અને દિલ્હી, હરિયાણા, ઝારખંડ, ગુજરાત સહિતના રાજયોમાં તેના તાર જોડાયેલા છે. સમગ્ર કૌભાંડમાં દીક્ષીત પટેલની પણ સક્રિય ભૂમિકા સામે આવી છે, તેથી તેને લઇને પણ તપાસ કરવાની છે. ખાસ કરીને નીટની પરીક્ષા પહેલા તે નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી ખાતે ગયો હતો અને તે સંબંધી પૂછપરછ અને જાણકારી મેળવવાની છે. સીબીઆઇએ આ કેસમાં ઘણા મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. કૌભાંડની ગંભીરતા જોતાં આરોપીના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.
બોક્સ ઃ દીક્ષિત પટેલના વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો
દરમ્યાન આરોપી સંચાલક દીક્ષીત પટેલના વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે, નીટનું પેપર ગોધરામાંથી લીક થયુ નથી. તેમની આ ગુનામાં સીધી કોઇ સંડોવણી પ્રસ્થાપિત થતી નથી. વળી, એનટીએ દ્વારા જ સેન્ટર પર સીસીટીવી લગાવાયા હતા અને આ એજન્સીએ જ પરીક્ષા લીધી છે. દીક્ષીત પટેલ તો પરીક્ષાના દિવસે સેન્ટર પર હાજર પણ ન હતો. તમામ રજૂઆત ધ્યાને લીધા બાદ સીબીઆઇ સ્પેશ્યલ જજ આર.એમ.ચૌધરીએ આરોપી દીક્ષીત પટેલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
bharatmirror #bharatmirror21 #news #neetexam #jaijalaramschoolgodhra #principaldixitpatel #dixitpatel #godhra #ahmedabad