નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 જુલાઈ 2024:
GCCI એ ICAI ની WIRC ની અમદાવાદ શાખા સાથે સંયુક્ત રીતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે “ફાઇનાન્સ બિલ, 2024” ના ટેકનિકલ એનાલિસિસ પર એક ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે આવકાર પ્રવચન આપતા, GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયરે , ફાયનાન્સ બિલ 2024 ની સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રો પર પડેલ નોંધપાત્ર અસરો વિષે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત ઈન્ટરેકટીવ સેમિનારનો ઉદેશ્ય બિલની વિવિધ જોગવાઈઓ વિષે વાત કરવાનો તેમજ આ અન્વયે સક્રિય સહભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને બજેટની અસર વિશે વધુ સ્પષ્ટતા પુરી પાડવાનો છે તેમજ આ બાબતે વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે. તેઓએ પ્રસ્તુત સેમિનાર થકી ઉદ્યોગોની પ્રગતિ અને વ્યાપક અર્થતંત્ર માટે સહયોગને પ્રોત્સાહન આપવા બાબતે પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે ICAIની WIRCની અમદાવાદ શાખાના ચેરમેન, સી.એ. સુનિલ સંઘવીએ સેમિનારના મુખ્ય વક્તા સી.એ.(ડૉ.) ગિરીશ આહુજાનો પરિચય આપતા કરવેરા બાબતે તેઓના ઊંડા અભ્યાસની પ્રસંશા કરી હતી. તેમણે ફાઇનાન્સ બિલ, 2024 વિષે વ્યાપક સમજ અંગે તેના મહત્વ પર ભાર મૂકતા સેમિનારના આયોજન માટે GCCI તેમજ ICAI WIRC ના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
સી.એ. (ડૉ.) ગિરીશ આહુજાએ ફાઇનાન્સ બિલ, 2024 પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં તેઓએ સ્પષ્ટતા અને કુશળતા સાથે વિવિધ જટિલ મુદ્દાઓને સંબોધતા મુખ્ય પ્રત્યક્ષ કર સુધારાઓ અને વહીવટી ફેરફારોની ચર્ચા કરી હતી. શેર બાયબેકની આસપાસની અસરો, કેપિટલ ગેઇન્સ ટેક્સેશનમાં સરળીકરણ, ચેરીટેબલ ટ્રસ્ટ અને મર્જરને સંચાલિત કરતા નિયમનકારી માળખાં, સમયની અવધિમાં ફેરફાર સહિત સર્ચ ઓપરેશન્સમાં ફેરફારોની સમીક્ષા, વિવાદ સે વિશ્વાસ 2024 સ્કીમ અને TDS/TCSની વિલંબિત ચુકવણી માટે રાહતનાં પગલાં, વગેરે ઉપર વિસ્તૃત માહિતી તેમજ સમજ પુરા પાડ્યા હતા.
ઇન્ટરેક્ટિવ સેમિનારના ભાગ રૂપ “પ્રશ્ન-જવાબ સત્ર” થકી ફાઇનાન્સ બિલ, 2024 વિશે બધાજ સહભાગીઓને વિશેષ સમજ આપવામાં આવી હતી.