નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 મે 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ SIDBI અને ONDC સાથે મળીને “ઈ-કોમર્સ: થ્રેટ ઓર ઓપોર્ચ્યુનિટી” વિષય પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારનો પ્રાથમિક ઉદ્દેશ MSMEsને ડિજિટલ કોમર્સ દ્વારા પ્રાપ્ત થનાર અનેકવિધ સંભાવના વિશે પરિચિત કરાવવાનો હતો તેમજ આ માધ્યમનો અસરકારક ઉપયોગ કરવા માટે જરૂરી જ્ઞાન અને સાધનોથી અવગત કરાવવાનો હતો.
શ્રી મિહિર પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ, GCCI એ તેઓના વક્તવ્યમાં ભારતીય ઈ-કોમર્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર તરીકે ONDC ના માધ્યમની પ્રશંસા કરી હતી. તેઓએ વ્યાપારના કદ અથવા સંસાધનોને ધ્યાનમાં લીધા વિના, તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને બજારના તમામ ખેલાડીઓને સમાન સ્તર પ્રદાન કરવામાં ONDCની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા GCCI ના કોષાધ્યક્ષ શ્રી ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે MSME એકમોને સશક્ત કરવા તેમજ સ્પર્ધકો અને ગ્રાહકો ને આ માધ્યમ દ્વારા એક ખાસ ઇનસાઈટ પુરી પાડવાની આ માધ્યમની ક્ષમતા નિઃશંકપણે ભારતીય MSMEs માટે પરિવર્તનશીલ ભવિષ્યને આકાર આપશે તેમજ MSME એકમોની વૃદ્ધિ ને પ્રોત્સાહન આપશે તેમ તેઓએ જણાવ્યું હતું.
શ્રી નરેશ બબુતા, જનરલ મેનેજર, SIDBI એ ONDC ના અમલીકરણને ટેકો આપવા માટે SIDBIની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. તેઓએ પરંપરાગત ઈ-કોમર્સ પ્લેટફોર્મની તુલનામાં ONDCની ખર્ચ-અસરકારકતા પર ખાસ ભાર મૂક્યો હતો તેમજ અલગ-અલગ વ્યવસાય અને ખાસ તો MSME એકમો માટે ONDC માધ્યમ પરત્વે પ્રેરણાત્મક રજૂઆત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે SIDBI નો ઉદ્દેશ્ય ONDC માં જોડાવામાં રસ ધરાવતા MSME ને ટેકનિકલ સહાય પૂરી પાડવાનો છે અને MSME ઓનબોર્ડિંગની સુવિધા માટે GCCI જેવી સંસ્થાઓ સાથે સહયોગ કરવાનો હેતુ છે, જે થકી SIDBI ના પ્રશિક્ષિત કર્મચારીઓ આ પ્રક્રિયા બાબતે માર્ગદર્શન પૂરું પાડશે.
ONDC ખાતે B2B માટેના કેટેગરી મેનેજર શ્રી હર્ષ ગુપ્તાએ ONDC ની કાર્યક્ષમતાઓ અને વિશેષતાઓ વિશે વિગતવાર માહિતી આપતાં સહભાગીઓને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું.