નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 મે 2024:
મસ્કતી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય “FABEXA – ધ ફેબ્રિક સોર્સિંગ એક્સપો” ની 9મી આવૃત્તિનું આયોજન થયેલ છે. નાગરિકો આ એક્સપોનો લાભ તારીખ 21 મે થી 24 મે સુધી લઇ શકશે. દેવરાજ-2 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ આયોજનના એસોસિયેટ પાર્ટનર છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આ ઈવેન્ટના સપોર્ટ પાર્ટનર છે. “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)” તેમજ “ATIRA” આ એક્સ્પોના નોલેજ પાર્ટનર છે. આ એક્સ્પો દ્વારા તેમજ તેને પ્રાપ્ત થયેલ સહયોગ દ્વારા દિલ્હી, મુંબઈ અને અમદાવાદના આ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓને
આંતરદૃષ્ટિ પૂર્ણ પેનલ ચર્ચા અને વિવિધ વાર્તાલાપ માટે સુંદર તક પ્રાપ્ત થયેલ છે.
આજે તારીખ 21 મે, 2024 ના રોજ માનનીય મુખ્યમંત્રી, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ચાર દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ એક્સ્પો કાપડ ઉદ્યોગ માટે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સમાન છે. શ્રી સંજીવ ચતુર્વેદી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ (ટેક્સટાઇલ) તેમજ અન્ય ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં અન્ય મહાનુભાવો, શ્રી સોમાભાઈ મોદી, અગ્રણી સામાજિક વ્યક્તિ; શ્રી અમીશ શાહ, ચેરમેન, FABEXA કમિટી; ડૉ. સમીર સૂદ, નિયામક, NIFT ગાંધીનગર, સુશ્રી દિપાલી પ્લાવત, નાયબ નિયામક, ATIRA, શ્રી ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી કાપડ મહાજન; શ્રી અપૂર્વ શાહ, માનદ્દ મંત્રી GCCI તેમજ મસ્કતી ક્લોથ મહાજનના અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
ફેબ્રિક સોર્સિંગ ના આ એક્સ્પોને ખુબ જ સુંદર પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે તેમજ જેમાં 800થી વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સ દ્વારા ભાગીદારી કરવામાં આવેલ છે. આ ઈવેન્ટમાં અમદાવાદ, સુરત અને મુંબઈ સહિત મુખ્ય ટેક્સટાઈલ હબના મોટા ઉત્પાદકોની વિવિધ શ્રેણીને પ્રસ્તુત કરતા 93 સ્ટોલ છે. “FABEXA 2024” B2B અને B2C માટે એક ઉમદા તક પુરી પડે છે તેમજ એક મજબૂત પ્લેટફોર્મ ઓફર કરી રહેલ છે કે જેમાં નિકાસ, ખરીદી, અને ગાર્મેન્ટ ઉત્પાદકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કુલ 10,800 ચોરસ મીટરના બે ડોમમાં ફેલાયેલા, FABEXA 2024 દ્વારા તેઓના સ્થાનિક સહભાગીઓ માટે 1,000 જેટલી એર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માનનીય મુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવીનતાને પ્રોત્સાહન આપવા, વેપાર સંબંધો વધારવા અને ભારતીય કાપડ ઉદ્યોગને વૈશ્વિક મંચ પર આગળ વધારવામાં આવા પ્રદર્શનોની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ટેક્સટાઇલ ઇકોસિસ્ટમના વિવિધ પાસાઓના હિતધારકોને એકસાથે લાવીને આ મહત્વાકાંક્ષી એક્સ્પોના આયોજન માટે મસ્કતી ક્લોથ માર્કેટ મહાજન તેમજ GCCIના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે GCCI ના માનદ ખજાનચી તેમજ પ્રમુખ, મસ્કતી ક્લોથ મહાજન શ્રી ગૌરાંગ ભગતે આ દીર્ઘદ્રષ્ટિ પ્રયાસ વિષે વિગતો પુરી પાડી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ એક્સ્પો દ્વારા સહભાગીઓને વિવિધ પેનલ ચર્ચાઓ અને કોન્ફરન્સ સહિત શ્રેણીબદ્ધ ઇવેન્ટ્સ નો લાભ પ્રાપ્ત થશે કે જ્યાં ઉદ્યોગના દિગ્ગજો વર્તમાન પ્રવાહો, પડકારો અને ટેક્સટાઇલ સોર્સિંગના ભાવિ વિશે તેમની આંતરદૃષ્ટિ વિશે વાત કરશે. એક્સ્પોના આ વિવિધ પાસા મૂલ્યવાન જ્ઞાન પ્રદાન કરવા અને સહભાગીઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવેલ છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે 1906માં સ્થપાયેલ મસ્કતી ક્લોથ મહાજન, આઝાદી પૂર્વેના સમયથી કાપડના વ્યવસાયના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
FABEXA 2024 તમામ ઉદ્યોગ વ્યાવસાયિકો, ખરીદદારો અને ઉત્સાહીઓ માટે ખુલ્લું છે, જેમાં સામેલ દરેક માટે આ એક ઉત્તમ લ્હાવો સાબિત થશે.