નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 એપ્રિલ 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આજે, તારીખ 2જી એપ્રિલ, 2024 ના રોજ માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ.જયશંકરજી દ્વારા “ઇન્ટરનેશનલ પોલિસી – એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત” વિષય પર ઉદબોધન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના સ્વાગત પ્રવચનમાં GCCI ના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલે માનનીય વડાપ્રધાનશ્રી ની “વિકસિત ભારત” ની વિઝન વિષે વાત કરી હતી. તેમજ વિશ્વ કક્ષાએ ભારતનું સ્થાન તેમજ આપણી આર્થિક ક્ષમતા વધારવા આપણા વિદેશ નીતિ માળખાની મજબૂત ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે ભારતના વ્યૂહાત્મક જોડાણો, અનુકૂળ વ્યાપાર વાતાવરણ અને પ્રગતિશીલ નીતિ સુધારાઓને કારણે, છેલ્લા એક દાયકામાં એફડીઆઈમાં જોવા મળેલા નોંધપાત્ર ઉછાળા વિષે વાત કરી હતી. તદુપરાંત, તેમણે કઠિન પરિસ્થિતિ ના સમયમાં અન્ય દેશોમાંથી ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા સફળ સ્થળાંતર કામગીરીના પ્રશંસનીય પ્રયાસો માટે વિદેશ મંત્રાલયની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે તેઓના સંબોધનમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરજીએ ભારતની “વિકસીત ભારત” બનવાની યાત્રામાં ગુજરાતના વિશાળ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે “વિકસિત ભારત” બનવાની યાત્રામાં પાંચ બાબતના મહત્વ વિશે વાત કરી હતી જેમાં ઉત્પાદન, વપરાશ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ડેમોગ્રાફી નો સમાવેશ થાય છે.
માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે ભારતની વિદેશ નીતિની સૂક્ષ્મ જટિલતાઓ અને રાષ્ટ્રીય હિતોને આગળ વધારવામાં, વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા તેમજ વિકસતા ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપને નેવિગેટ કરવામાં વિદેશ નીતિની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

તેમણે વૈશ્વિક મંચ પર શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવા બાબતે આપણા રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમજ ભારતના આંતરરાષ્ટ્રીય જોડાણોના પાયાના પથ્થર તરીકે ડિપ્લોમસી ના મહત્વની પણ ચર્ચા કરી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ભારતના વિકાસના માર્ગને આગળ ધપાવવા અને આપણા દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આર્થિક ડિપ્લોમસીનો લાભ લેવા બાબતે પણ સક્રિય છે.

 આ પ્રસંગે આયોજિત ઇન્ટરેક્ટિવ સેશન GCCIના માનદ મંત્રી, શ્રી અપૂર્વ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં GCCI ના સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો, જે દરમિયાન માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકરજીએ વિવિધ પ્રશ્નોના જવાબ આપતા દેશની વિદેશ નીતિ વિષે વિસ્તૃત વાત કરી હતી.
 
GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મિહિર પટેલે આભારવિધિ કરતા માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકરજીની વિદેશ નીતિ અંગેની આગવી સૂઝ તેમજ તેઓની ભારતના રાજદ્વારી હિતોને આગળ વધારવા માટે અતૂટ પ્રતિબદ્ધતા ની પ્રશંસા કરી હતી તેમજ તેઓની ઉપસ્થિતિ માટે GCCI તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gcci #catalysttodevelopedindia #dr.s.jayshankar #ahmedabad
        
                                                                                               




